અમેરિકા જવાનું સપનું જોનારાને મોટો ઝટકો: વિઝા ઇન્ટરવ્યૂ પર અચોક્કસ મુદતની રોક, જાણો હવે શું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Pauses Visa Appointments Worldwide: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાની સરકારે વિશ્વભરમાં વિઝા માટે અરજી કરનારા લોકોની એપોઇન્ટમેન્ટ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વિશ્વભરના તમામ અમેરિકન દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો (કોન્સ્યુલેટ્સ)માં એક 'ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો છે. આ ખાસ તાલીમ કાર્યક્રમને કારણે વિઝા સેવાઓની એપોઇન્ટમેન્ટ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી
ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને બહાર કાઢવા અને ઇમિગ્રેશનના નિયમો વધુ સખત બનાવવા માટે એક મોટા પાયે અભિયાન હાથ ધર્યું છે. આ કડક કાર્યવાહી અંતર્ગત ઘણા લોકોના વિઝા અને ગ્રીન કાર્ડ રદ્દ કરવામાં આવી રહ્યા છે તેમજ તેમની અરજીઓ પણ ફગાવી દેવામાં આવી રહી છે.
અરજીઓ ફગાવવા પાછળ લોકોના અંગત રાજકીય વિચારો અને ઈઝરાયલ-ગાઝા યુદ્ધ દરમિયાન પેલેસ્ટાઇનના સમર્થનમાં કરવામાં આવેલા પ્રદર્શનો જેવા કારણો પણ જવાબદાર છે. એક તરફ ટ્રમ્પ સરકાર આ તમામ કડક પગલાંને દેશની આંતરિક સુરક્ષા મજબૂત કરવા માટે જરૂરી ગણાવી રહી છે, તો બીજી તરફ સરકારની આ કડક નીતિઓને કોર્ટમાં પણ પડકારવામાં આવી રહી છે.
કયા કારણોસર અપાઈ રહી છે ખાસ તાલીમ?
અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ખાસ તાલીમ કેટલા સમય સુધી ચાલશે તે અંગે કોઈ ચોક્કસ સમયગાળો જણાવ્યો નથી. પરંતુ, મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ દૂતાવાસના અધિકારીઓને એવા અરજદારો ઓળખવામાં મદદ કરવાનો છે, જેઓ ભવિષ્યમાં અમેરિકામાં સરકારી સહાય કે સબસિડી પર નિર્ભર થઈ શકે છે. આ ઉપરાંત, વિશ્વભરના તમામ અમેરિકન દૂતાવાસોમાં દરેક વિઝા અરજદારની એકસરખી અને વધુ કડક તપાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ આ તાલીમ આપવામાં આવી રહી છે.
અરજદારોની એપોઇન્ટમેન્ટની તારીખો બદલાઈ
અહેવાલો અનુસાર, જે ઇમિગ્રન્ટ વિઝા અરજદારોએ અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસમાં ઇન્ટરવ્યૂ માટે અગાઉથી તારીખો બુક કરી લીધી હતી, તેમને ઇમેઇલ્સ મળવાના શરૂ થઈ ગયા છે. આ મેઇલમાં તેમને જાણ કરવામાં આવી છે કે તેમની એપોઇન્ટમેન્ટની તારીખ બદલી નાખવામાં આવી છે અને નવી તારીખ વિશે તેમને પછીથી માહિતી આપવામાં આવશે.




