રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી 3 મિનિટ બાદ પાછું ખેંચ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

South Korea Fighter Jets: મંગળવારે સાઉથ કોરિયાના પૂર્વ કિનારે આવેલા એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં એકથી વધુ રશિયન લશ્કરી વિમાનો પ્રવેશતા સાઉથ કોરિયાની સેના એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક એરફોર્સના ફાઈટર જેટ્સ તૈનાત કર્યા હતા. સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફની ઓફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, રશિયન વિમાનો આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા તે પહેલાં જ સેના તેમના પર નજર રાખી રહી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સાઉથ કોરિયાના ફાઈટર જેટ્સે વ્યૂહાત્મક કાર્યવાહી (ટેક્ટિકલ મેન્યુવર્સ) હાથ ધરી હતી. જોકે, સેનાએ સ્પષ્ટ કર્યું છે કે રશિયન વિમાનોએ સાઉથ કોરિયાની સાર્વભૌમ હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું નથી.
એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન શું છે?
એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન એ કોઈપણ દેશ દ્વારા પોતાની હવાઈ સીમાની સુરક્ષા માટે નક્કી કરવામાં આવેલો એક ખાસ વિસ્તાર છે. આ ઝોનની મદદથી દેશની હવાઈ સીમા તરફ આવી રહેલા કોઈપણ અજાણ્યા કે વિદેશી વિમાનની સમયસર ઓળખ કરી શકાય છે અને જરૂર પડ્યે તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી શકાય છે.
ઉલેઉંગ ટાપુ પર ભૂલથી અપાયેલું એલર્ટ ત્રણ મિનિટમાં પાછું ખેંચાયું
આ ઘટના પહેલા સાઉથ કોરિયાના સુરક્ષા મંત્રાલયે પૂર્વ કિનારે આવેલા ઉલેઉંગ ટાપુ (Ulleung island) માટે ખાલી કરવાની ચેતવણી (ઇવેક્યુએશન વોર્નિંગ) જાહેર કરી હતી. મંત્રાલયે તે સમયે કહ્યું હતું કે એક રશિયન વિમાન દેશની હવાઈ સીમામાં પ્રવેશ્યું છે. જોકે, માત્ર ત્રણ મિનિટ બાદ આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. સ્થાનિક ન્યૂઝ એજન્સી 'યોનહાપ'ના અહેવાલ મુજબ, સ્થાનિક પ્રશાસન દ્વારા ભૂલથી ઉલેઉંગ વિસ્તાર નજીક ઉત્તર કોરિયાનું વિમાન હોવાની ચેતવણી પણ થોડીવાર માટે જાહેર થઈ ગઈ હતી, જેને બાદમાં રદ કરવામાં આવી હતી.




