World

2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી માંગી સ્પેશિયલ ફ્લાઈટ

By GS Team
24 Nov 20263 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ 16 ડિસેમ્બરે વિજય દિવસના અવસરે દેશ પરત ફરવાની જાહેરાત કરી છે. 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ તેઓ ભારત આવ્યા હતા. ઢાકા સરકારે તેમના પ્રત્યાર્પણની માંગ કરતા નવા પાસપોર્ટ આપવાનો ઇનકાર કર્યો છે. હસીનાને માનવતા વિરુદ્ધના ગુના બદલ ફાંસીની સજા પણ થઈ છે. તેમની વાપસીથી રાજકીય તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2 વર્ષ બાદ વતન વાપસીનું એલાન! 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, દિલ્હીથી માંગી સ્પેશિયલ ફ્લાઈટ
IMAGE - IANS

Bangladesh Political Crisis: બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ ભારતમાં નિર્વાસનમાંથી 16 ડિસેમ્બરે પોતાના દેશ પરત ફરવાની યોજના જાહેર કરી છે. 16 ડિસેમ્બર બાંગ્લાદેશમાં 'વિજય દિવસ' તરીકે ઉજવાય છે, જે 1971માં પાકિસ્તાનથી આઝાદીની યાદ અપાવે છે. ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન બાદ તેમનું 15 વર્ષ જૂનું શાસન ખતમ થયું હતું અને તેઓ દેશ છોડીને ભારત આવ્યા હતા. ત્યારબાદ બે વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર તેમણે પરત ફરવાની ચોક્કસ તારીખ જાહેર કરી છે.

હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ મંગળવારે જણાવ્યું હતું કે હસીના વિજય દિવસના અવસરે ઢાકા પરત ફરવા માંગે છે અને બાંગ્લાદેશ સરકારે તેમને દિલ્હીથી રાષ્ટ્રીય એરલાઈન 'બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ' દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રવક્તાના મતે, 5 ઓગસ્ટ 2024ના રોજ તેમને બાંગ્લાદેશના વિમાનમાં ભારત મોકલાયા હતા, તેથી હવે તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે.

પાસપોર્ટ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અંગે વિવાદ

શેખ હસીનાની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તેમણે પરત ફરવા માટે નવો બાંગ્લાદેશી પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટિટી કાર્ડ (NID) મેળવવાની માંગ કરી છે. ઓગસ્ટ 2024માં તેઓ ભારત આવ્યા બાદ તેમના જૂના દસ્તાવેજો રદ કરાયા હતા. અહેવાલો મુજબ, તેમના કાનૂની પ્રતિનિધિઓએ 9 નવેમ્બરે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનનો સંપર્ક કરીને દસ્તાવેજો આપવાની માંગ કરી હતી અને ત્યારબાદ હસીનાની સહી સાથે ફોલો-અપ પણ મોકલ્યું હતું.

જોકે, બાંગ્લાદેશ સરકારે આ માંગના કાયદાકીય આધાર સામે સવાલ ઉઠાવતા દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો છે. ઢાકાનું કહેવું છે કે હસીનાને ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ જ પરત લાવવા જોઈએ. બાંગ્લાદેશના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમણે ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની ઔપચારિક માંગ કરી છે અને ભારતીય તંત્ર કાયદાકીય પ્રક્રિયા મુજબ તેની ચકાસણી કરી રહ્યું છે.

પરત ફરતા જ ધરપકડ અને ફાંસીની સજાનો સામનો

બાંગ્લાદેશમાં હાલ રાજકીય માહોલ અત્યંત તંગ છે અને શેખ હસીનાની અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ યથાવત છે. એક બાંગ્લાદેશી મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે જો હસીના દેશમાં પરત ફરશે તો તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે. મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને લાવવા માટે વિમાનની વ્યવસ્થા અંગે ભારત સાથે કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.

નોંધનીય છે કે નવેમ્બર 2025માં બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસામાં તેમની ભૂમિકા બદલ માનવતા વિરુદ્ધના ગુનાઓ હેઠળ તેમની ગેરહાજરીમાં ફાંસીની સજા ફટકારી હતી. જોકે, હસીનાએ આ આરોપો અને ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, ઓગસ્ટ 2024ની હિંસામાં 1400 જેટલા લોકોના મોત થયા હતા.

પરત ફરવાની જાહેરાત પહેલા વધતો રાજકીય તણાવ

શેખ હસીનાના પરત ફરવાની જાહેરાત સાથે જ બાંગ્લાદેશમાં રાજકીય હિંસા અને અશાંતિના બનાવો પણ વધ્યા છે. તેમના સમર્થકોએ વિરોધ પ્રદર્શનો કરીને તેમને પરત લાવવાની માંગ કરી છે, જ્યારે બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ, આગચંપી અને અથડામણના બનાવો નોંધાયા છે. અવામી લીગે 29 અને 30 નવેમ્બરના રોજ 48 કલાકના દેશવ્યાપી બંધની જાહેરાત કરતા તણાવ વધુ વધી ગયો છે, જેને પગલે અનેક વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે.

હાલની હિંસા માટે સરકાર અને અવામી લીગના સમર્થકો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. ફાંસીની સજા અને પ્રત્યાર્પણની માંગ વચ્ચે હસીનાની 16 ડિસેમ્બરની જાહેરાતથી આગામી સમયમાં નવા રાજકીય અને કાયદાકીય ઘટનાક્રમ સર્જાય તેવી શક્યતા છે, જ્યારે દિલ્હીથી વિમાન માંગવાની તેમની તાજેતરની માંગ પર બાંગ્લાદેશ સરકારે તરત કોઈ પ્રતિક્રિયા આપી નથી.