નેપાળમાં તબાહીના 13મા દિવસે રાષ્ટ્રીય શોક જાહેર, 1340થી વધુ મોત, 5000થી વધુ હજુ ગુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal national mourning: નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારતને સોમવારે 13 દિવસ પૂરા થયા છે, જેણે હજારો પરિવારના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા છે. 26 ઑગસ્ટે આવેલા અચાનક પૂરમાં અત્યાર સુધીમાં 1340થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે આશરે 5,000 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનાના 13મા દિવસે સમગ્ર નેપાળમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
13મા દિવસે રાષ્ટ્રીય શોકની ઘોષણા
નેપાળ સરકારે 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. સરકારી કચેરીઓથી લઈને વિદેશમાં આવેલા નેપાળી દૂતાવાસ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. હિન્દુ પરંપરામાં નિધન બાદ 13મો દિવસ શોક માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી સરકારે 13મા દિવસે રાષ્ટ્રીય શોક રાખવાનો નિર્ણય લીધો હતો.
ફ્લેશ ફ્લડથી સર્જાયેલી ભારે તબાહી
26 ઑગસ્ટે ચીન સરહદ નજીક આવેલા રસૂવા વિસ્તારમાં હિમાલય પરથી બરફ અને ખડકો ખસવાને કારણે અચાનક પૂર આવ્યું હતું. આ પૂરની અસર રસૂવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ સહિતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કાંઠે ભારે વિનાશ સર્જાયો હતો. આ હોનારતમાં 32 હજારથી વધુ પરિવાર વિસ્થાપિત થયા છે અને આશરે 7,500 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. આ સિવાય હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને સરકારી ઇમારતો ધ્વસ્ત થઈ ગયા છે.
5,000 લોકો હજુ પણ ગુમ: શોધખોળ ચાલુ
સૌથી મોટી ચિંતા હજુ પણ પૂર પછી ગુમ થયેલા 5,000 લોકોને લઈને છે, જેમાં 589 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. કાટમાળ વચ્ચે અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલોમાં ફસાયેલા લોકોને શોધવા માટે નેપાળી સુરક્ષા દળો સાથે વિદેશની નિષ્ણાત ટીમો કાર્યરત છે. ભારતની નિષ્ણાત ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે.
સિલ્ક્યારા ટનલના નિષ્ણાત પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સનું નિવેદન
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાંથી 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢનારા પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, નેપાળમાં આ સમયે એકસાથે અનેક અલગ-અલગ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે. દરેક જગ્યાએ પડકારો અલગ છે, પરંતુ મુશ્કેલ કામને અશક્ય ન માનવું જોઈએ. આવા સમયે આશાને માત્ર લાગણી ન રાખતા સતત કામગીરીમાં બદલવી જરૂરી છે.
મંગળવારે 'જેન ઝી શહીદ દિવસ' નિમિત્તે જાહેર રજા
સોમવારે પૂરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, મંગળવારે 8 સપ્ટેમ્બરે દેશભરમાં જાહેર રજા રહેશે. આ રજા 'જેન ઝી (Gen Z) શહીદ દિવસ' નિમિત્તે રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આ જ તારીખે કાઠમંડુમાં Gen Zના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા, જેમાં ગોળીબાર દરમિયાન 72 લોકોના મોત થયા હતા. એક વર્ષ બાદ નેપાળ એકસાથે બે મોટી ઘટનાઓને યાદ કરી રહ્યું છે.




