હુથીના હુમલાથી સાઉદી ટેન્શનમાં, યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પ્રભાવશાળી ગલ્ફ દેશ પાસે સમર્થન માગ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Middle East Tensions: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મંગળવારે કાહિરામાં ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરી છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે યમનના હૂથી બળવાખોરો દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક દરિયાઈ વેપાર માર્ગો ગંભીર રીતે પ્રભાવિત થયા છે અને દુનિયાભરમાં ઓઇલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. ઇજિપ્તના પ્રમુખ કાર્યાલયે આ કટોકટીભર્યા સમયમાં સાઉદી અરેબિયાને સંપૂર્ણ અને અટૂટ સમર્થન જાહેર કર્યું છે.
ઓઇલ પાઇપલાઇનમાં અવરોધ અને હૂથીઓની વધતી તાકાત
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈરાકમાં ઈરાન સમર્થિત જૂથોના હુમલાને કારણે સાઉદી અરેબિયાની ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન રિપેરિંગ કામ માટે આગામી કેટલાક અઠવાડિયા સુધી બંધ રહે તેવી શક્યતા છે. તેના કારણે વૈશ્વિક બજારમાં દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઇલની ભારે અછત સર્જાઈ શકે છે. આ તરફ, હૂથી લડાયકોએ લાલ સમુદ્રના મોખા બંદર અને બાબ અલ-મંદેબ સ્ટ્રેટ નજીકના ત્રણ મહત્ત્વપૂર્ણ ટાપુઓ પર કબજો કરીને પોતાની તાકાત વધારી લીધી છે. આ સ્થિતિ વચ્ચે યુકેના વડા પ્રધાનના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે હૂથીઓએ તુરંત હુમલા રોકવા જોઈએ, કેમ કે સાઉદી અરેબિયા અને યમનને પોતાનું રક્ષણ કરવાનો પૂરો અધિકાર છે.
યમનમાં માનવીય કટોકટી અને શરણાર્થીઓની સ્થિતિ
યમનમાં ફરી ભીષણ લડાઈ શરૂ થવાથી સામાન્ય નાગરિકોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. યુએનની શરણાર્થી એજન્સીના રિપોર્ટ મુજબ, 2000થી વધુ યમન નાગરિકો જીબુતી પહોંચી ચૂક્યા છે, જ્યારે 1 લાખથી વધુ લોકો યમનની અંદર જ વિસ્થાપિત થયા છે. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના પ્રમુખ ટોમ ફ્લેચરે યમનમાં વિસ્થાપિત લોકોની મદદ માટે 9 મિલિયન ડૉલરનું કટોકટી ફંડ ફાળવવાની જાહેરાત કરી છે.
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ અને ગાઝાની સ્થિતિ
દરમિયાન, અમેરિકન સેનાએ ઈરાન પાસે સમુદ્રમાં એક ડ્રોન જહાજને પકડવાની કોશિશ કરી રહેલી બે ઈરાની બોટ સામે કડક કાર્યવાહી કરી છે. આ તરફ, ઈરાની સરકારી ટીવીએ જણાવ્યું છે કે અમેરિકન અને ઈઝરાયલી હુમલાઓ બાદ સામાન્ય નાગરિકોને તાલીમ આપવા માટે નવી ભરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને 'જાનફદા' (પોતાનો જીવ કુર્બાન કરનાર) નામ આપવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ગાઝામાં ઈઝરાયલી હુમલાઓ ચાલુ છે, જેમાં તાજેતરમાં વધુ લોકોના મોત થયા છે. જોકે, અમેરિકન વિદેશ વિભાગ દ્વારા ઓમાનના માધ્યમથી ઈરાન સાથે યુદ્ધવિરામ બચાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના પ્રયાસો પણ ચાલુ છે.




