World

સ્ટ્રેટ ઑફ હોર્મુઝની જરૂર જ નહીં પડે? ઓઇલ સપ્લાય માટે ખાડી દેશોનો મેગા પ્લાન તૈયાર

By GS Team
16 Jul 20263 mins read
TukuTouch Logo
ખાડી દેશો મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવને કારણે પોતાની ઊર્જા વ્યૂહનીતિ બદલી રહ્યા છે. UAE, ઇરાક અને સાઉદી અરેબિયા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પરની નિર્ભરતા ઘટાડવા વૈકલ્પિક ઓઇલ નિકાસ માર્ગો બનાવી રહ્યા છે. 2027 સુધીમાં ખાડી દેશોનો 45% ઓઇલ નિકાસ હોર્મુઝ સિવાયના માર્ગોથી થશે. UAEનો 252 માઇલ લાંબો પાઇપલાઇન પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે ઇરાક અને સાઉદી અરેબિયા પણ નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટ્રેટ ઑફ હોર્મુઝની જરૂર જ નહીં પડે? ઓઇલ સપ્લાય માટે ખાડી દેશોનો મેગા પ્લાન તૈયાર

Gulf countries oil export strategy: મિડિલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની આજુબાજુ દરિયાઈ જહાજો પર થઈ રહેલા હુમલાને કારણે ખાડી દેશોએ પોતાની ઊર્જા વ્યૂહનીતિ બદલી નાખી છે. સંયુક્ત આરબ એમિરેટ્સ (UAE), ઈરાક અને સાઉદી અરેબિયા હવે ઓઇલ નિકાસ માટે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર નિર્ભર ન રહેવું પડે તેવા વૈકલ્પિક રસ્તાઓ તૈયાર કરી રહ્યા છે. આ યોજના પાછળનો હેતુ પોતાના વેપારને સુરક્ષિત રાખવાની સાથે ઓઇલ સપ્લાય પર ઈરાનના પ્રભાવને મર્યાદિત કરવાનો પણ છે. દુનિયાના કુલ ઓઇલ વેપારનો આશરે 20% હિસ્સો આ જ માર્ગેથી પસાર થાય છે, જેથી અહીં સહેજ પણ તકલીફ ઊભી થાય તો વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવ એકદમ વધી જાય છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાને આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ જહાજોને સુરક્ષિત પસાર થવા દેવા માટે મોટી રકમ પણ માંગવામાં આવી છે. આ સતત વધી રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને ખાડી દેશોએ હવે નવા વૈકલ્પિક માર્ગો બનાવવાનું કામ ખૂબ જ ઝડપી કરી દીધું છે.

2027 સુધીમાં નવી પાઇપલાઇનો તૈયાર થઈ જશે

ખાડી વિસ્તારમાં અત્યારે કરોડો ડૉલરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. વૈશ્વિક બૅંક ગોલ્ડમેન સેક્સના અહેવાલ અનુસાર, જો આ યોજનાઓ સમયસર પૂરી થશે તો 2027ના અંત સુધીમાં ખાડી દેશોના કુલ ઓઇલ નિકાસનો આશરે 45% હિસ્સો હોર્મુઝ સિવાયના બહારના રસ્તાઓથી મોકલી શકાશે. જ્યારે 2028ના અંત સુધીમાં આ ક્ષમતા 60% સુધી પહોંચી જશે, જેનાથી દરરોજ 73 લાખ બેરલ ઓઇલની હેરફેર વૈકલ્પિક માર્ગો દ્વારા શક્ય બનશે.

UAEએ શરૂ કર્યો સૌથી મોટો પાઇપલાઇન પ્રોજેક્ટ

યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE)નો 'વેસ્ટ-ઇસ્ટ પાઇપલાઇન પ્રોજેક્ટ' હાલમાં અડધો પૂરો થઈ ગયો છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયેદે અધિકારીઓને આ પ્રોજેક્ટ 2027 સુધીમાં કોઈપણ ભોગે પૂરો કરવા આદેશ આપ્યો છે. આ આશરે 252 માઈલ લાંબી પાઇપલાઇન શરૂ થતાં જ UAEની જમીની માર્ગે ઓઇલ નિકાસ કરવાની ક્ષમતા વધીને દરરોજ 36 લાખ બેરલ થઈ જશે. અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની(ADNOC)ના પ્રમુખ સુલ્તાન અલ જાબેરે જણાવ્યું કે, વૈશ્વિક ઊર્જા સપ્લાય માત્ર ગણ્યાગાંઠ્યા દરિયાઈ માર્ગો પર નિર્ભર ન રહે તે માટે જ UAE એ વર્ષો પહેલાં આ વૈકલ્પિક આયોજન કર્યું હતું.

ઈરાક અને સાઉદી અરેબિયા પણ રેસમાં સામેલ

ઓઇલ નિકાસને પ્રાદેશિક અસ્થિરતાથી બચાવવા માટે ઈરાકે પણ 435 માઈલ લાંબી 'બસરા-હદીથા પાઇપલાઇન' પર કામ શરૂ કરી દીધું છે, જેને આગળ જતાં જોર્ડન, સીરિયા અને તૂર્કિયેના નેટવર્ક સાથે જોડવામાં આવશે. 1.5 અબજ ડૉલરના પ્રારંભિક બજેટવાળા આ પ્રોજેક્ટ દ્વારા દરરોજ 25 લાખ બેરલ ઓઇલ સપ્લાય કરવાનું લક્ષ્ય છે. બીજી તરફ, સાઉદી અરેબિયા પણ રેડ સી સુધી જતી પોતાની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનની ક્ષમતા વધારીને દરરોજ 90 લાખ બેરલ કરવાના પ્લાન પર પ્રારંભિક વિચારણા કરી રહ્યું છે.

નવું પોર્ટ પણ બનશે મોટો વિકલ્પ

પાઇપલાઇનની સાથે-સાથે UAE અરબ સાગરમાં એક નવું ઊંડું દરિયાઈ બંદર (ડીપ સી પોર્ટ) અને કન્ટેનર ટર્મિનલ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ પોર્ટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માલસામાન અને ઓઇલને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં મોકલ્યા વગર જ સીધું બીજા દેશોમાં રવાના કરી શકાય. ભવિષ્યમાં આ નવું પોર્ટ દુબઈના પ્રખ્યાત જેબેલ અલી પોર્ટના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે અબજો ડૉલરના રોકાણ અને આટલા મોટા પ્રોજેક્ટ્સ પછી પણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝનું વ્યૂહાત્મક મહત્ત્વ સંપૂર્ણપણે ખતમ નહીં થાય. આગામી વર્ષોમાં પણ દરરોજ 70થી 90 લાખ બેરલ ઓઇલ તો આ જ દરિયાઈ માર્ગેથી પસાર થશે. આ સિવાય, ખાડી દેશો જે વૈકલ્પિક માર્ગો વિચારી રહ્યા છે તેમાંથી ઘણા ખરા રેડ સીની સુરક્ષા પર નિર્ભર છે, જ્યાં યમનના હૂથી બળવાખોરોનો આતંક પહેલેથી જ ચિંતાનો વિષય બનેલો છે. તેથી, હોર્મુઝનો સંપૂર્ણ વિકલ્પ તૈયાર કરવો ખાડી દેશો માટે અત્યારે બિલકુલ સરળ નથી.