World

ઈઝરાયલમાં નેતન્યાહૂ કે આઇઝનકોટ, કોની બનશે સરકાર? બહુમતીથી બંને પક્ષો દૂર!

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રાથમિક પરિણામો અત્યંત રોમાંચક રહ્યા છે. વડાપ્રધાન નેતાન્યાહૂનું લિકુડ ગઠબંધન અને વિપક્ષ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 120 સભ્યોની સંસદમાં સરકાર બનાવવા માટે જરૂરી 61 સીટ કોઈને મળતી નથી. અરબ પક્ષો 16 સીટ સાથે કિંગમેકરની ભૂમિકામાં છે. 77.7% રેકોર્ડ મતદાન થયું હતું. જો કોઈ પક્ષ સરકાર નહીં બનાવી શકે, તો ફરી ચૂંટણી યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલમાં નેતન્યાહૂ કે આઇઝનકોટ, કોની બનશે સરકાર? બહુમતીથી બંને પક્ષો દૂર!
IMAGE - IANS

Israel Election: ઈઝરાયલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના પ્રાથમિક તારણો અને પરિણામોએ દેશમાં એક જટિલ અને અનિશ્ચિત રાજકીય ચિત્ર ઊભું કર્યું છે. શરૂઆતી એક્ઝિટ પોલ મુજબ, વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂના લિકુડ (Likud) ગઠબંધન અને ભૂતપૂર્વ મિલિટરી ચીફ ગાદી આઇઝનકોટ (Gadi Eisenkot)ના નેતૃત્વ હેઠળના વિપક્ષ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

120 સભ્યોની સંસદ (નેસેટ - Knesset)માં સરકાર બનાવવા માટે જરૂરી 61 સીટની બહુમતી હાલમાં કોઈ પણ જૂથને મળતી દેખાતી નથી. 41.9% મતોની ગણતરી બાદ પ્રાપ્ત થયેલાં અંશતઃ પરિણામો અનુસાર નેતાન્યાહૂના ગઠબંધનને 57 સીટ અને વિપક્ષી ગઠબંધનને 47 સીટ મળતી દેખાય છે, જ્યારે મુખ્યત્વે અરબ પક્ષો પાસે 16 સીટ છે. ગણતરી હજુ ચાલુ હોવાથી આ આંકડા બદલાઈ શકે છે.

સરકાર બનાવવા માટે અરબ પક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે

એક્ઝિટ પોલમાં અરબ નેતૃત્વ ધરાવતા પક્ષોને 18થી 19 બેઠકો મળવાનું અનુમાન છે, જેના કારણે સરકાર રચવાની વાટાઘાટોમાં તેમની ભૂમિકા ચાવીરૂપ બની શકે છે. જોકે, નેતાન્યાહૂ અને આઇઝનકોટ બંનેએ આ પક્ષોના સમર્થનથી સરકાર રચવા સામે આશંકા વ્યક્ત કરી છે. નેતાન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અરબ પક્ષો પર નિર્ભર રહેતી સરકારના વિરોધમાં છે.

બીજી તરફ, આઇઝનકોટ કેટલીક શરતો સાથે તેમની સાથે કામ કરવાના સંકેત આપ્યા છે, જેનાથી વિપક્ષના અન્ય સહયોગીઓ સાથે સમજૂતી કરવામાં મુશ્કેલી પડી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે જો નેતાઓ પોતાની શરતોમાં છૂટછાટ નહીં આપે, તો દેશમાં આગામી કેટલાક મહિનામાં ફરીથી ચૂંટણી યોજાય તેવી શક્યતા વધી જશે.

7 ઓક્ટોબરનો હુમલો, સૈન્ય સેવા અને રેકોર્ડ મતદાન

આ ચૂંટણી 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા અને ત્યારપછી થયેલી યુદ્ધની સ્થિતિના પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી. વિપક્ષે સુરક્ષા ક્ષેત્રે થયેલી નિષ્ફળતા માટે નેતાન્યાહૂ સરકારની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી, જ્યારે નેતાન્યાહૂના સમર્થકોએ યુદ્ધ દરમિયાન લેવાયેલા કડક નિર્ણયોનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત, અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદી પુરુષોને સૈન્ય સેવામાંથી મળતી મુક્તિ પણ ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. આ ચૂંટણીમાં 1999 પછીનું સૌથી વધુ એટલે કે 77.7% રેકોર્ડ મતદાન નોંધાયું હતું, જે 2022ની ચૂંટણી કરતાં લગભગ 7% વધારે છે.

આગળ શું થશે? રાજકીય પ્રક્રિયા

ચૂંટણીના આખરી પરિણામો જાહેર થયા બાદ ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ (Isaac Herzog) તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે અને જે નેતા પાસે સરકાર બનાવવાની સૌથી વધુ તક હશે તેમને ગઠબંધન બનાવવાનું આમંત્રણ આપશે. પસંદ કરાયેલા નેતાને સરકાર રચવા માટે 28 દિવસનો સમય આપવામાં આવશે, જેમાં 14 દિવસનો વધારો કરી શકાશે. જો વાટાઘાટો નિષ્ફળ જશે અને કોઈ પણ પક્ષ સરકાર નહીં બનાવી શકે, તો સંસદ ભંગ કરીને 90 દિવસની અંદર ફરીથી નવી ચૂંટણીઓ યોજવામાં આવશે. ત્યાં સુધી નેતાન્યાહૂની વર્તમાન સરકાર કાર્યવાહક (કેરટેકર) સરકાર તરીકે કામ ચાલુ રાખશે.