કેનેડામાં સળગી ગયેલી કારમાંથી મળ્યો ભારતીય યુવકનો મૃતદેહ, ટારગેટ કિલિંગની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tushar Sharma: કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક ભારતીય નાગરિકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ સરે (Surrey) ખાતે રહેતા 25 વર્ષીય તુષાર શર્મા તરીકે થઈ છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા છે કે તુષારની પૂર્વયોજિત રીતે હત્યા કરવામાં આવી છે અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે કારને આગ ચાંપી દેવામાં આવી હતી. ગત 29 ઓક્ટોબરના રોજ ઇમરજન્સી સર્વિસને લેંગલી વિસ્તારમાં રોલિન્સન ક્રેસન્ટના 23300 બ્લોકમાં એક કારમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી, જ્યાં આગ બુઝાવતી વખતે ફાયર બ્રિગેડના જવાનોને કારની અંદરથી માનવ અવશેષો મળી આવ્યા હતા.
ટાર્ગેટેડ કિલિંગની આશંકા, કોઈ ગુનાહિત રેકોર્ડ નહીં
ઘટનાની ગંભીરતાને જોતા હત્યાની તપાસ કરતી વિશેષ ટીમ 'ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ' (IHIT) દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, તુષાર શર્માનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હતો અને કેનેડામાં તેમના સંપર્કો પણ ખૂબ મર્યાદિત હતા. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ કોઈ અચાનક બનેલી ઘટનાને બદલે 'ટાર્ગેટેડ કિલિંગ' હોવાનું જણાઈ રહ્યું છે. IHITના પ્રવક્તા સાર્જન્ટ ફ્રેડા ફોંગે જણાવ્યું હતું કે પોલીસ કેનેડા અને વિદેશમાં રહેતા તેમના પરિવારજનો તેમજ પરિચિતોની પૂછપરછ કરીને ઘટનાક્રમની કડીઓ જોડી રહી છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક
આ દુઃખદ ઘટના અંગે વાનકુવર સ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બ્રિટિશ કોલંબિયાના લેંગલીમાં 25 વર્ષીય ભારતીય નાગરિક તુષાર શર્માના દુઃખદ અવસાનથી તેઓ અત્યંત વ્યથિત છે. દૂતાવાસના અધિકારીઓ સતત મૃતકના પરિવારજનો અને સ્થાનિક પોલીસના સંપર્કમાં છે તથા સમગ્ર તપાસ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.
કેનેડિયન પોલીસે જાહેર જનતા પાસે માંગી મદદ
આરોપીઓ સુધી પહોંચવા માટે કેનેડિયન પોલીસે જાહેર જનતાને સહકાર આપવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે 29 ઓક્ટોબર પહેલા તુષાર શર્માની ગતિવિધિઓ અથવા તેમના રહેઠાણ અંગે કોઈ પણ પ્રકારની માહિતી હોય, તો તેઓ સામે આવીને પોલીસને જાણ કરે. પોલીસનું માનવું છે કે સામાન્ય લોકો તરફથી મળતી નાની સરખી માહિતી પણ ઘટના પાછળના સંજોગો સ્પષ્ટ કરવામાં અને ગુનેગારોને પકડવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે.




