યુદ્ધ વચ્ચે ધો. 12 કેવી રીતે પાસ કરશે પશ્ચિમી એશિયાના વિદ્યાર્થીઓ? CBSEનો ઐતિહાસિક નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE West Asia exams 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ અને યુદ્ધ જેવા માહોલને કારણે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે જાહેરાત કરી છે કે પશ્ચિમ એશિયાના દેશોના ધોરણ 12ના એવા વિદ્યાર્થીઓ માટે ફરીથી(Fresh) બોર્ડ પરીક્ષાઓ યોજવામાં આવશે, જેઓની 2026ની બોર્ડ પરીક્ષાઓ ક્ષેત્રીય પરિસ્થિતિઓને કારણે યોજી શકાઈ નહોતી.
40 વિષયો માટે ફરીથી લેવાશે પરીક્ષા
સીબીએસઇ દ્વારા 15 સપ્ટેમ્બર, 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પશ્ચિમ એશિયાના દેશોમાં ધોરણ 12ના કુલ 40 વિષયો, જેમાં 20 એકેડેમિક અને 20 સ્કિલ સબ્જેક્ટ્સ સામેલ છે, તેની પરીક્ષાઓ યોજાઈ શકી નહોતી. આ અગાઉ બોર્ડ દ્વારા 27 માર્ચ, 2026ના રોજ એક 'અસેસમેન્ટ સ્કીમ' જાહેર કરવામાં આવી હતી, જેના આધારે વિદ્યાર્થીઓના પરિણામો જાહેર કરાયા હતા. જો કે, જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી, તેઓને તે વિષયોની પરીક્ષા આપવાની તક આપવા માટે હવે આ ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પાત્ર ગણાશે?
રેગ્યુલર વિદ્યાર્થીઓ: પશ્ચિમ એશિયાના દેશોમાં સીબીએસઇ માન્યતા પ્રાપ્ત શાળાઓના જે વિદ્યાર્થીઓની મુખ્ય પરીક્ષા 2026 માટે 'કેન્ડિડેટ્સની યાદી' (LOC) જમા થઈ હતી અને અસેસમેન્ટ સ્કીમ હેઠળ પરિણામ આવ્યું હતું, તેઓ આ પરીક્ષા આપી શકશે.
પ્રાઇવેટ વિદ્યાર્થીઓ: પશ્ચિમ એશિયાના જે પ્રાઇવેટ પરીક્ષાર્થીઓએ મુખ્ય પરીક્ષા 2026 માટે ફોર્મ ભર્યું હતું અને જેનું પરિણામ અસેસમેન્ટ સ્કીમ હેઠળ આવ્યું હતું, તેઓ પણ આમાં ભાગ લઈ શકશે.
ખાસ નોંધ: આ નવી પરીક્ષાનું પરિણામ જ આખરી ગણવામાં આવશે અને તે અગાઉના અસેસમેન્ટ અંકને બદલી નાખશે. મુખ્ય પરીક્ષા 2026 દરમિયાન ગેરહાજર રહેલા નવા કે અન્ય વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પાત્ર બનશે નહીં.
ફોર્મ સબમિશન અને પરીક્ષાની તારીખો
રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે LOC અને પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ જમા કરવાની તારીખ 22 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, 2026 સુધી નક્કી કરવામાં આવી છે. સીબીએસઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વિશેષ પરીક્ષા માટે કોઈપણ પ્રકારની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. વિષયો બદલવાની કોઈ છૂટ રહેશે નહીં અને પરીક્ષા કેન્દ્રો અગાઉના જ રહેશે.
કયા દેશોમાં યોજાશે પરીક્ષા?
આ પરીક્ષા માત્ર પ્રભાવિત પશ્ચિમ એશિયાના દેશો જેવા કે બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં જ યોજવામાં આવશે. અન્ય કોઈ દેશમાં તેનું આયોજન થશે નહીં. ફોર્મ ભરવા માટેની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.




