World

ભારતે સાચું કહ્યું હતું, અમે સમજવામાં મોડું કર્યું! બેલ્જિયમના વડાપ્રધાને યુરોપની મોટી ભૂલ સ્વીકારી

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે નવી દિલ્હીમાં સ્વીકાર્યું કે વિદેશી દેશો પર આર્થિક નિર્ભરતા યુરોપ માટે નુકસાનકારક સાબિત થઈ છે. તેમણે કહ્યું કે, 'PM મોદીએ યુરોપને આ જોખમ વિશે અગાઉ ચેતવ્યું હતું, પરંતુ તે સમયે તેમની વાત ગંભીરતાથી લેવાઈ નહોતી. હવે યુરોપ ભારત જેવા વિશ્વાસપાત્ર ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે સાચું કહ્યું હતું, અમે સમજવામાં મોડું કર્યું! બેલ્જિયમના વડાપ્રધાને યુરોપની મોટી ભૂલ સ્વીકારી
IMAGE - IANS

Belgium PM Bart De Wever: બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે સ્વીકાર્યું છે કે વિદેશી દેશો પર વધુ પડતી આર્થિક અને વ્યૂહાત્મક નિર્ભરતા રાખવી યુરોપિયન દેશો માટે નુકસાનકારક સાબિત થઈ છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપને આ જોખમ વિશે ખૂબ પહેલાં જ ચેતવ્યું હતું, પરંતુ તે સમયે તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. હવે પોતાની ભૂલ સમજાતાં યુરોપ જાગૃત થયું છે અને ભારત જેવા સાચા તથા વિશ્વાસપાત્ર ભાગીદારો સાથે સંબંધો મજબૂત કરવા ઈચ્છે છે.

ચીન તરફ સ્પષ્ટ ઈશારો અને ડમ્પિંગનો વિરોધ

નવી દિલ્હી ખાતે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમમાં બાર્ટ ડી વેવરે ચીનનું નામ લીધા વગર કહ્યું હતું કે, 'યુરોપે લાંબા સમય સુધી સસ્તા વિદેશી સામાનને પોતાના બજારમાં બિનશરતી પ્રવેશવા દીધો, જેના કારણે સ્થાનિક કંપનીઓ નબળી પડી ગઈ. પણ હવે યુરોપ કોઈ પણ દેશના સામાન માટે 'ડમ્પિંગ ઝોન' નહીં બને. આ જોખમો અંગે ભારતે યુરોપને ખૂબ પહેલાં જ સચેત કરી દીધું હતું.'

દબાણ નહીં પણ સન્માન આપતા ભાગીદારોની જરૂર

આ ઉપરાંત અમેરિકાનું નામ લીધા વગર બાર્ટ ડી વેવરે કહ્યું કે, 'યુરોપને એવા સાથીઓની જરૂર છે જે સન્માન સાથે સહયોગ કરે, નહીં કે અચાનક ટેરિફ વધારીને દબાણ સર્જે.' ભારતને આ યાદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવતા તેમણે કહ્યું કે, 'જો વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ સાથેના સબંધોની વાત કરવામાં આવે અને તેમાં ભારતનું નામ ન હોય, તો તે એક મોટી ભૂલ ગણાશે. આ નિવેદન ભારત-ઈયુ વેપાર સમજૂતીના અમલીકરણ પહેલાં અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.'

યુરોપના બજાર પર ચીનનો કબજો અને વેપાર ખાધ

આજે યુરોપના બજારમાં ચીનનો મોટો દબદબો છે. ચીન લગભગ 560 અબજ યુરોનો સામાન યુરોપમાં નિકાસ કરે છે, જ્યારે યુરોપ ચીનમાં માત્ર 200 અબજ યુરોની નિકાસ કરી શકે છે. પરિણામે યુરોપને 360 અબજ યુરોની વિશાળ વેપાર ખાધ વેઠવી પડી રહી છે. યુરોપે ચીન સાથેના વેપાર મુદ્દે ઓક્ટોબર સુધીની મુદત નક્કી કરી છે. જો ચીન તરફથી સસ્તા સામાનનું ડમ્પિંગ બંધ નહીં થાય, તો યુરોપિયન યુનિયન તેના પર કડક ટેરિફ લગાવી શકે છે.

ભારતીય નિકાસકારો માટે મોટી તક

ચીન પરથી પોતાની નિર્ભરતા ઘટાડવા માટે યુરોપિયન યુનિયન હવે પોતાના પુરવઠા માટે ભારત તરફ નજર દોડાવી રહ્યું છે. આ વર્ષના પ્રારંભમાં ભારત અને ઈયુ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (FTA) થઈ છે, જે વર્ષના અંત સુધીમાં અમલી બને તેવી શક્યતા છે. હાલમાં ભારત અને યુરોપ વચ્ચે 136 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થાય છે, જેમાં ભારતની નિકાસ 75 અબજ ડોલર છે. ચીન સામેની આ કડક નીતિથી ટેક્સટાઇલ, મશીનરી અને કેમિકલ્સ ક્ષેત્રે ભારતીય નિકાસકારો માટે યુરોપના બજારમાં મોટો લાભ મેળવવાની નવી તકો ખુલી રહી છે.