દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશમાં હોબાળો, શ્રમિકોએ બમણો પગાર માગ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Garment Workers Protest: બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગના મજૂરોએ પોતાનું લઘુત્તમ વેતન બમણા કરતાં પણ વધારવાની માંગ સાથે મોટું આંદોલન શરૂ કર્યું છે. સોમવારે હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મેઈન હાઇવે જામ કરી દીધો હતો, જ્યાં તેમની પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી. ચીન પછી બાંગ્લાદેશ દુનિયામાં સૌથી વધુ કપડાં મોકલતો બીજો મોટો દેશ છે, જ્યાં વિશ્વની મોટી-મોટી બ્રાન્ડ્સના કપડાં બને છે. હાલ આ વિરોધ દેશના અલગ-અલગ ફેક્ટરી વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન અને તોડફોડની ઘટનાઓ
રાજધાની ઢાકાની ઉત્તરે આવેલા ગાઝીપુરમાં સેંકડો મજૂરોએ ઢાકા-તંગેલ હાઇવે જામ કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. આ સાથે જ મીરપુર વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટીયર ગેસ છોડીને પ્રદર્શનકારીઓને વિખેરવાની કોશિશ કરી હતી.
સરકારના 'વેતન બોર્ડ'ની જાહેરાત છતાં મજૂરો અસંતુષ્ટ
સરકારે રવિવારે જ ગારમેન્ટ ઉદ્યોગમાં લઘુત્તમ વેતનની સમીક્ષા માટે એક 'વેતન બોર્ડ' બનાવવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ માટે આ ઉદ્યોગ ખૂબ મહત્ત્વનો છે કારણ કે લાખો લોકોને તે રોજગારી આપે છે અને દેશની મોટાભાગની નિકાસ કમાણી આ ક્ષેત્રમાંથી થાય છે. પરંતુ મજૂર નેતાઓનું કહેવું છે કે, 'માત્ર બોર્ડની રચનાથી અમારી સમસ્યાઓ ઉકેલાશે નહીં.' તેમણે સતત વધી રહેલી મોંઘવારી અને ઘરચલાવવાના ખર્ચનો હવાલો આપીને વિરોધ ચાલુ રાખ્યો છે.
મજૂરો કેટલા વેતનની માંગ કરી રહ્યા છે?
પ્રદર્શન કરી રહેલા મજૂરો મહિને 30,000 ટકા (બાંગ્લાદેશી ચલણ)ના વેતનની માંગ કરી રહ્યા છે, જે તેમના હાલના વેતન કરતાં બમણાથી પણ વધુ છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ અંદાજે 23,000 રૂપિયા થાય છે. 'બાંગ્લાદેશ સેન્ટર ફોર વર્કર્સ સોલિડારિટી'ના જણાવ્યા અનુસાર, 'હાલમાં અહીંના મજૂરોને દર મહિને માત્ર 13,000 ટકા આસપાસ જ વેતન મળે છે.'
વડાપ્રધાનની કટોકટીની બેઠક અને કડક કાર્યવાહીના નિર્દેશ
પરિસ્થિતિ ગંભીર બનતાં વડાપ્રધાન તારિક રહેમાને કેબિનેટની કટોકટીની બેઠક બોલાવી હતી. બેઠક બાદ ગૃહમંત્રી સાલાહુદ્દીન અહમદે જણાવ્યું કે, વડાપ્રધાને મજૂરોના અધિકારો સુનિશ્ચિત કરવા અને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉત્પાદન અને નિકાસનું કામ અટકવું ન જોઈએ. સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓને હિંસા, અરાજકતા અને અશાંતિ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
529થી વધુ ફેક્ટરીઓનું કામકાજ ઠપ
મજૂર સંગઠનો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પુષ્ટિ કરી છે કે ઢાકા અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે સાવર, અશુલિયા, જિરાની અને ગાઝીપુરની ઓછામાં ઓછી 529 ફેક્ટરીઓના કર્મચારીઓ કામ છોડીને પ્રદર્શનમાં જોડાયા છે, જેના કારણે ઉત્પાદન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.




