વિશ્વમાં 64 કરોડ લોકો ભૂખનો સામનો કરવા મજબુર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિશ્વની 7.8 ટકા વસતીને પુરતુ ભોજન નથી મળતું : યુએન રિપોર્ટ
- આઠ વર્ષમાં પૌષ્ટિક ભોજન પાછળનો ખર્ચો 45 ટકા વધ્યો, 269 કરોડ લોકોને સારું ભોજન નથી મળી રહ્યું
- ભારત માટે પણ યુએનનો રિપોર્ટ ચિંતાજનક, અનિયમિત ચોમાસુ, ખેતી પર અસરથી ખાદ્ય સામગ્રી મોંઘી થઇ શકે છે
નવી દિલ્હી : આજે વિશ્વભરમાં પહેલા કરતા વધુ ખાદ્ય કૃષિ પદાર્થો પેદા થઇ રહ્યા છે. તેમ છતા કરોડો લોકો ભુખમરો અને કુપોષણનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માર્કેટમાં ખાદ્ય અન્ન ઉપસ્થિત છે પરંતુ તેમ છતા કરોડો લોકોની થાળીમાં પૌષ્ટિક ભોજન નથી પહોંચી રહ્યું, સ્વાસ્થ્ય માટે સારા ભોજનને મેળવવા પાછળનો ખર્ચો આઠ વર્ષમાં ૪૫ ટકા વધી ગયો છે.
સંયુક્ત રાષ્ટ્રની સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્કિશન ઇન વર્લ્ડ ૨૦૨૬ની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૫ના આંકડા મુજબ દુનિયાભરમાં ૬૪.૫ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આ સંખ્યા ૨૦૨૨ની સરખામણીએ ૪.૩ કરોડ અને ૨૦૨૪ની સરખામણીએ ૧.૪ કરોડ ઓછી થઇ છે. તેમ છતા વિશ્વભરમાં આશરે ૭.૮ ટકા વસતી હાલ પણ ભૂખમરાનો સામનો કરી રહી છે. જેમાં આફ્રિકા હાલ એશિયાથી આગળ નીકળી ગયું છે. એટલે કે એશિયન દેશો કરતા આફ્રિકન દેશોમાં ભૂખમરો વધુ છે.
આફ્રિકામાં આશરે ૩૦.૯ કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે જે ત્યાંની કુલ વસતીના ૨૦ ટકા લોકો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તર પર ખાદ્ય સુરક્ષા સામેના પડકારો હજુ ઘણા છે. રિપોર્ટમાં પૌષ્ટિક ભોજન અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે જે મુજબ ૨૦૨૫માં દુનિયાના આશરે ૨૬૯ કરોડ લોકો સ્વસ્થ અને સંતુલિત કે પૌષ્ટિક ભોજન ખરીદવા સક્ષમ નથી. જે વિશ્વભરની કુલ વસતીનો ત્રીજો હિસ્સો છે. આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૭ બાદ પૌષ્ટિક ભોજન પાછળનો ખર્ચ આશરે ૪૫ ટકા વધી ગયો છે. આ રિપોર્ટમાં ભારત માટે કોઇ અલગ વિશ્લેષણ નથી પરંતુ ભારતમાં પહેલાથી જ અનિયમિત ચોમાસું, વધી રહેલી ગરમી, પૂર, દુષ્કાળ, જળવાયુ પરિવર્તન વગેરેનો સામનો કરી રહ્યો છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે હવામાનની અનિયમિતતાની અસર ખેતી, ઉત્પાદન કે કૃષિ પેદાશો પર થતી હોય છે, આ અસર બાદમાં ખાદ્ય સામગ્રી કે અનાજ પર પણ જોવા મળી શકે છે તેનાથી લોકોના અન્ન પાછળના ખર્ચા પર પણ અસર પહોંચી શકે છે. હાલના આ રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ પૌષ્ટિક ભોજન નથી મેળવી શકતો.




