સોનાની ખાણ ધસી પડતાં 60 શ્રમિકોના મોત, અનેક ગુમ, સુદાનમાં મોટી દુર્ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sudan Gold Mine Collapse : આફ્રિકન દેશ સુદાનના પશ્ચિમ કોર્દોફોન વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલ-નુહુદ શહેરની ઉત્તરે આવેલી સોનાની ખાણ અચાનક ધસી પડતાં 60 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે લાપતા હોવાની આશંકા છે. સુદાન આફ્રિકા ખંડમાં સોનું ઉત્પાદન કરતા અગ્રણી દેશોમાં સામેલ છે, જ્યાં અગાઉ પણ આવી અનેક જીવલેણ દુર્ઘટનાઓ બની ચૂકી છે.
કાટમાળમાંથી 60 મૃતદેહ મળ્યા, ગેરકાયદે ખનન બન્યું કારણ
સ્થાનિક સૂત્રો અને આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, પશ્ચિમ કોર્દોફોનના અલ-નુહુદ શહેર નજીક આવેલી સોનાની ખાણ રવિવારે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 60 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સુદાનમાં મોટાભાગે સોનું કાઢવા માટે કોઈપણ આધુનિક ટેકનોલોજી વગર અત્યંત જોખમી અને પરંપરાગત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ત્યારબાદ આ સોનાની મોટાપાયે દાણચોરી અને ગેરકાયદેસર વેચાણ થાય છે, જેના કારણે મજૂરો માટે જોખમ હંમેશા વધારે રહે છે.
સુરક્ષા અને બચાવ સાધનોનો ભારે અભાવ
સુદાનની મોટાભાગની ખાણોમાં સુરક્ષાના મૂળભૂત નિયમોનું પાલન થતું નથી અને કટોકટી સમયે જરૂરી બચાવ સાધનો પણ ઉપલબ્ધ હોતા નથી. પશ્ચિમ કોર્દોફોન ક્ષેત્રની મોટાભાગની સોનાની ખાણો પેરામિલિટરી ફોર્સ 'રેપિડ સપોર્ટ ફોર્સિસ'ના નિયંત્રણ હેઠળ છે, જેમના માટે આ ખાણો આવકનો મોટો સ્ત્રોત છે. આમ છતાં ત્યાં કામ કરતા નિર્દોષ મજૂરોની જિંદગીની સુરક્ષા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી.
અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટનાઓ
સુદાનમાં સુરક્ષા વિના ચાલતી સોનાની ખાણો અવારનવાર મોતનો કૂવો સાબિત થતી રહે છે. અગાઉ જુલાઈ 2026માં ઉત્તરી સુદાનના વાદી હાફા વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાના કારણે 15 લોકોના મોત થયા હતા. તે પહેલાં એપ્રિલ 2026માં પણ ખાણ અકસ્માતમાં 7 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા અને અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.




