Get The App

50 ટકા કંપનીઓ એઆઈથી જાતે જ એપ્લિકેશન્સ બનાવશે : આર્થર મેન્શ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
50 ટકા કંપનીઓ એઆઈથી જાતે જ એપ્લિકેશન્સ બનાવશે : આર્થર મેન્શ 1 - image

- મિસ્ટ્રલ એઆઈના સીઈઓનું મહત્ત્વપૂર્ણ નિવેદન

- એઆઈ સર્વોપરી બનશે : થોડા સમયમાં મોટી કંપનીઓ મોંઘી સોફ્ટવેર સિસ્ટમની ખરીદી બંધ કરશે  

નવી દિલ્હી : એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન ફ્રેન્ચ એઆઈ કંપની મિસ્ટ્રલ એઆઈના સીઈઓ આર્થર મેન્શનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આર્થરે કહ્યું કે, હાલ કંપનીઓ જે સોફ્ટવેર ઉપયોગમાં લઈ રહી છે તેમાંના ૫૦ ટકા કરતાં વધુ સોફ્ટવેરની જગ્યા એઆઈ લઈ શકે છે. આર્થરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે, એન્ટ્રોપિકના કોવર્ક પ્રોડ્કટ બાદ મોટી સોફ્ટવેર કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોને લાગી રહ્યું છે કે, એઆઈ હાલના એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર કરતાં વધુ કામ કરી શકે છે. 

મેન્શે કહ્યું કે, હાલ આઈટી વિભાગો સોફ્ટવેર એઝ અ સર્વિસ પાછળ જે ખર્ચ કરે છે તેનો અડધાથી વધુ ખર્ચ એઆઈ તરફ વળી જશે. એઆઈને કારણે સોફ્ટવેરને વધુ ઝડપી બનાવી શકાય છે. જો કંપનીઓ પાસે યોગ્ય ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો તેઓ પોતાના ડેટાને એઆઈ સિસ્ટમ સાથે જોડીને જરૂરી એપ્લિકેશન બનાવી શકે છે. 

થોડા સમયમાં કંપનીઓ ખરીદી પ્રક્રિયા અથવા સ્પલાય ચેઈન મેનેજમેન્ટ માટે પોતાની જરૂરિયાત મુજબની એપ્લિકેશન બનાવશે. આજથી પાંચ વર્ષ પહેલા આ કામ માટે અલગ સોફ્ટવેર લેવો પડતો હતો. કંપનીઓ હવેથી રીપ્લેટફોર્મિંગ કરી રહી છે એટલે કે, ઘણી કંપનીઓ પોતાની ૨૦ વર્ષ જૂની મોંઘી સિસ્ટમોને  બદલીને એઆઈ આધારિત સિસ્ટમ અપનાવી રહી છે. 

તેમના મતે, કંપનીઓના ડેટાને સંભાળતા સિસ્ટમ ઓફ રેકોર્ડ પ્રકારના સોફ્ટવેરમાં કોઈ બદલાવ આવશે નહીં. આ સોફ્ટવેર એઆઈ સાથે મળીને કામ કરશે.  

મિસ્ટ્રલ એઆઈ વિશે જાણવા જેવું

આ કંપનીની સ્થાપ્ના એપ્રિલ ૨૦૨૩માં પેરિસમાં થઈ હતી. ગૂગલના ડીપમાઈન્ડ અને મેટા જેવા મોટા એઆઈ પ્રોજેકટ્સમાં કામ કરનારા ત્રણ ટોચના એઆઈ સંશોધકો આર્થર મેન્શ, ગિલોમ લમ્પલ અને તિમોથી લાક્રોઈક્સ તેના ફાઉન્ડર્સ છે. 

કંપનીના લાર્જ લેંગ્વેજ મોડલ્સ વિશ્વવિખ્યાત છે. મિસ્ટ્રલ ૩, મિનીસ્ટ્રલ ૩, લે ચેટ, કોડેસ્ટ્રલ, ડેવસ્ટ્રલ જેવા મોડલ્સ કોડિંગ, લેખન, ભાષાંતર સહિતના અનેક કાર્યો માટે ઉપયોગી છે. યુરોપમાં તે ઓપનએઆઈ,  ગૂગલના જેમિની અને એન્ટ્રોપિક જેવા મોડલ્સ સાથે સ્પર્ધામાં છે.