World

50 પૌત્ર, 88 પ્રપૌત્ર અને 52 પ્ર-પ્રપૌત્ર... જાણો બ્રાઝિલના 111 વર્ષીય વૃદ્ધાના દીર્ઘ આયુષ્યનું રહસ્ય

By GS Team
4 Nov 20263 mins read
TukuTouch Logo
બ્રાઝિલના જોઆનેશિયા વિસ્તારમાં રહેતા 111 વર્ષીય યુનિસ દા સિલ્વેરાએ તેમના લાંબા અને નિરોગી જીવનનું રહસ્ય જાહેર કર્યું છે. તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી કે કોઈ દવા લીધી નથી. તેમનો 199 સભ્યોનો વિશાળ પરિવાર છે. વહેલા ઉઠવું, ખેતી કરવી અને ફક્ત પોતાની જમીન પર ઉગાડેલી વસ્તુઓ જ ખાવાથી તેઓ સ્વસ્થ જીવન જીવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

50 પૌત્ર, 88 પ્રપૌત્ર અને 52 પ્ર-પ્રપૌત્ર... જાણો બ્રાઝિલના 111 વર્ષીય વૃદ્ધાના દીર્ઘ આયુષ્યનું રહસ્ય
Image Source - longeviquest.com

The inspiring story of Brazil's 111 years old woman : માણસ હંમેશાં લાંબું અને સ્વસ્થ જીવન જીવવાની ઈચ્છા ધરાવતો આવ્યો છે. આજના આધુનિક સમયમાં લોકો સ્વાસ્થ્ય માટે જાતજાતની દવાઓ અને ડાયેટ પ્લાન અપનાવે છે. પરંતુ, દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે જેમણે સાદગીભર્યા જીવન થકી 100 વર્ષથી પણ વધુ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કર્યું છે. બ્રાઝિલના જોઆનેશિયા વિસ્તારમાં રહેતા 111 વર્ષીય પરદાદી યુનિસ દા સિલ્વેરા એનું જીવંત ઉદાહરણ છે. તેમણે હાલમાં જ પોતાના આટલા લાંબા અને નિરોગી જીવનનું રહસ્ય દુનિયા સામે જાહેર કર્યું છે.

199 સભ્યોનો વિશાળ પરિવાર

યુનિસનો જન્મ 21 ઓક્ટોબર 1915 ના રોજ બ્રાઝિલના મિનાસ ગેરાઇસ રાજ્યમાં થયો હતો. જૂના જમાનામાં લગ્ન ખૂબ નાની ઉંમરે થઈ જતા હતા. યુનિસે પણ માત્ર 16 વર્ષની ઉંમરે 26 ફેબ્રુઆરી 1932 ના રોજ ઓસ્વાલ્ડો ડી કાર્વાલ્હો લેજ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ દંપતીએ એકબીજાનો સાથ 74 વર્ષ અને 10 મહિના સુધી નિભાવ્યો, જે 2007 માં ઓસ્વાલ્ડોના મૃત્યુ સાથે પૂરો થયો. આ સમયગાળા દરમિયાન તેમણે 15 બાળકોનો ઉછેર કર્યો, જેમાંથી 9 બાળકો આજે પણ હયાત છે. આજે તેમના પરિવારમાં 50 પૌત્ર-પૌત્રીઓ, 88 પ્રપૌત્રો અને પ્રપૌત્રોના 52 બાળકો છે! યુનિસ સાથે ગણીએ તો કુલ 200 સભ્યોનો આ પરિવાર જ્યારે ભેગો થાય છે ત્યારે તે એક ભવ્ય ઉત્સવ બની જાય છે. યુનિસની નાની બહેનની ઉંમર પણ 99 વર્ષ છે.

બીમારી વિનાનું જીવન અને સાદો આહાર

આશ્ચર્યની વાત એ છે કે યુનિસ પોતાના 111 વર્ષના જીવનમાં ક્યારેય બીમાર પડ્યા નથી. તેમણે ક્યારેય કોઈ દવા પણ નથી લીધી. તેમના સ્વાસ્થ્યનું રહસ્ય એકદમ સીધું છે. તેઓ કહે છે કે તેઓ ઘણું દૂધ પીવે છે અને ફક્ત પોતે પોતાની જમીન પર ઉગાડેલી ચીજો જ ખાય છે. તેમની દિનચર્યામાં વહેલા સૂવું, વહેલા ઉઠવું, ખેતી અને ઘરના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહેવું સામેલ છે. તેઓ પ્રકૃતિની નજીક રહીને પોતાનું જીવન વિતાવે છે.

દીર્ઘાયુષ્ય પાછળ વિજ્ઞાન શું કહે છે?

ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મતે લાંબુ આયુષ્ય એ માત્ર નસીબની વાત નથી, પરંતુ તે જીવનશૈલી, સામાજિક વાતાવરણ અને આનુવંશિકતાનું સંયોજન છે. વૈજ્ઞાનિકોએ લાંબા આયુષ્ય માટે કેટલાક મુખ્ય પરિબળો તારવ્યા છે.

1… આહાર અને કસરત
વનસ્પતિ આધારિત, ફાઈબરયુક્ત સંતુલિત આહાર, જેમાં આખા અનાજ, સારી ગુણવત્તાવાળું પ્રોટીન અને સ્વસ્થ ચરબી હોય, એ ઉત્તમ આહાર ગણાય. સાથે જ નિયમિત શારીરિક શ્રમ હૃદય અને હાડકાંને મજબૂત રાખે છે. યુનિસની ખેતી અને ઘરકામની આદત તેમને શારીરિક રીતે સતત સક્રિય રાખે છે.

2… પૂરતી ઊંઘ અને વ્યસનમુક્તિ
રોજ 7 થી 9 કલાકની અવિરત અને શાંત ઊંઘ શરીરના કોષોનું સમારકામ કરે છે અને હોર્મોન્સનું સંતુલન જાળવે છે. ધૂમ્રપાન ન કરવું અને દારૂથી દૂર રહેવાથી અંગોને નુકસાન થતું અટકે છે.

3… સામાજિક જોડાણ અને તણાવમુક્તિ
ક્રોનિક તણાવ કોર્ટિસોલનું સ્તર વધારીને વૃદ્ધત્વને ઝડપી બનાવે છે, તેથી માનસિક શાંતિ લાંબા જીવન માટે ખૂબ જરૂરી છે. યુનિસ પાસે 199 લોકોનો વિશાળ પરિવાર છે, જે તેમને સામાજિક અને ભાવનાત્મક ટેકો પૂરો પાડે છે. જીવનમાં એક સ્પષ્ટ હેતુ અને પરિવારનો પ્રેમ શારીરિક સ્થિતિસ્થાપકતા જાળવવામાં મદદ કરે છે.

4… જીન્સ અને પર્યાવરણનો પ્રભાવ
આપણા આયુષ્યમાં 20 થી 30 ટકા ફાળો આનુવંશિકતાનો હોય છે, જેનો પ્રભાવ 60 વર્ષની ઉંમર પછી વધુ દેખાય છે. APOE, FOXO3 અને CETP જેવા ચોક્કસ જનીનો નક્કી કરે છે કે તમારું શરીર DNA કેટલી સારી રીતે રિપેર કરે છે. આ ઉપરાંત, આરોગ્યસંભાળની સરળ ઉપલબ્ધતા અને ગ્રામીણ વિસ્તારની સ્વચ્છ હવા જેવી સામાજિક-આર્થિક સ્થિરતા પણ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખૂબ સકારાત્મક અસર પાડે છે.