Get The App

મધ્ય-પૂર્વમાં શાંતિની આશા? અમેરિકા-ઈરાન વચ્ચે 45 દિવસના 'સીઝફાયર' મુદ્દે ચર્ચા થયાનો દાવો

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
મધ્ય-પૂર્વમાં શાંતિની આશા? અમેરિકા-ઈરાન વચ્ચે 45 દિવસના 'સીઝફાયર' મુદ્દે ચર્ચા થયાનો દાવો 1 - image

45-Day Ceasefire Proposal for US-Iran Conflict : એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવાર સાંજની અંતિમ ચેતવણી (ડેડલાઈન) માથે તોળાઈ રહી છે, ત્યારે બીજી તરફ પડદા પાછળ યુદ્ધ રોકવા માટેના આખરી પ્રયાસો તેજ થયા છે. એક્સિયોસ (Axios) ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે 45 દિવસના કામચલાઉ સીઝફાયર (સંઘર્ષ વિરામ) માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. જંગના 33મા દિવસે શાંતિ પ્રસ્તાવ પર પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી મધ્યસ્થી કરી રહ્યા છે. ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે સીધો મેસેજ વ્યવહાર થયો હોવાનો દાવો કરાયો છે. 

મધ્ય-પૂર્વમાં શાંતિની આશા? અમેરિકા-ઈરાન વચ્ચે 45 દિવસના 'સીઝફાયર' મુદ્દે ચર્ચા થયાનો દાવો 2 - image

બે તબક્કાની 'પીસ ડીલ'નું આયોજન

સૂત્રોના જણાવ્યા મુજબ, આ સીઝફાયર બે તબક્કામાં હોઈ શકે છે:

પ્રથમ તબક્કો: 45 દિવસનો યુદ્ધવિરામ, જે દરમિયાન કાયમી શાંતિ સ્થાપવા માટેની શરતો પર ચર્ચા થશે. જો જરૂર પડે તો આ સમયગાળો વધારી પણ શકાય છે.

બીજો તબક્કો: યુદ્ધનો કાયમી અંત લાવવા માટેનો કરાર. જેમાં હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખોલવી અને ઈરાનના યુરેનિયમ સંવર્ધન (Enriched Uranium) ના નિકાલ જેવા જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે.

ટ્રમ્પનું મંગળવારનું અલ્ટીમેટમ

આ શાંતિ વાટાઘાટો વચ્ચે પણ ટ્રમ્પ પોતાનો આક્રમક વલણ છોડવા તૈયાર નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો મંગળવાર રાત સુધીમાં હોર્મુઝનો માર્ગ નહીં ખુલે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસને ઈરાનને અનેક દરખાસ્તો મોકલી છે, પરંતુ ઈરાની અધિકારીઓએ હજુ સુધી તેને સત્તાવાર રીતે સ્વીકારી નથી.

હોર્મુઝ પર ઈરાનનો કડક મિજાજ

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ રવિવારે ચેતવણી આપી છે કે ફારસની ખાડીમાં હવે નવી સુરક્ષા વ્યવસ્થા બની રહી છે અને હોર્મુઝનો માર્ગ હવે પહેલા જેવો રહેશે નહીં. ઈરાનના આ કડક વલણને કારણે જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $110 ને પાર કરી ગયા છે.

ભારત સહિત વિશ્વની નજર

જો આગામી 48 કલાકમાં આ 45 દિવસના સીઝફાયર પર મહોર વાગી જાય છે, તો વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળશે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ ખૂબ મહત્વનું છે, કારણ કે હોર્મુઝની નાકેબંધી સીધી રીતે ભારતના ઉર્જા પુરવઠાને અસર કરી રહી છે.