World

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે 300 ફ્લાઈટ રદ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
લંડનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા હાહાકાર મચી ગયો હતો. આ કારણે બ્રિટિશ એરવેઝ સહિત અનેક એરલાઈન્સની ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી, જ્યારે સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી હતી. હિથ્રો અને ગેટવિક જેવા વ્યસ્ત એરપોર્ટ પર હજારો પ્રવાસીઓ અટવાયા હતા. નેશનલ એર ટ્રાફિક સર્વિસે ખામી સુધારી લીધી હોવાનું જણાવ્યું હતું, પરંતુ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે 300 ફ્લાઈટ રદ
  • હિથ્રો-ગેટવિક સહિતના એરપોર્ટ પર અરાજક્તા
  • બ્રિટિશ એરવેઝ, ઈઝીજેટ, કેએલએમ અને લુફ્થાન્સા સહિત અનેક એરલાઈન્સના ફ્લાઈટ શિડયુલ ખોરવાઈ ગયા

લંડન : બ્રિટનમાં મંગળવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે ૩૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે કહ્યું કે, મંગળવારે બપોરે કેટલાક વિમાનોને સુરક્ષિત ઉડ્ડયનમાં સમસ્યા સર્જાઈ હતી. એન્જિનિયરોએ તાત્કાલિક આ ખામી પર કામ કર્યું હતું અને થોડા સમયમાં ખામી સુધારી લેવાઈ હતી. જોકે, આ ખામીના કારણે ૩૦૦ જેટલી ફ્લાઈટના ઉડ્ડયનમાં વિલંબ થયો હતો.
રાષ્ટ્રીય હવાઈ ટ્રાફિક નિયંત્રણ સેવા (નેટ્સ)એ કહ્યું કે, અમારી ફ્લાઈટ સિસ્ટમમાં સુધારો કરી લેવાયો છે. ફ્લાઈટ્સમાં વિલંબ થવાથી હિથ્રો અને ગેટવિક સહિત અનેક એરપોર્ટ પર અરાજક્તા સર્જાઈ હતી અને હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. નેટ્સે પ્રવાસીઓને થયેલી અસુવિધા માટે માફી માગી હતી.
ફ્લાઈટરડાર૨૪ વેબસાઈટે જણાવ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીના કારણે બ્રિટિશ એરવેઝ, ઈઝીજેટ, કેએલએમ અને લુફ્થાન્સા સહિત અનેક એરલાઈન્સના ફ્લાઈટ શિડયુલ ખોરવાઈ ગયા હતા. લંડનમાં દુનિયાના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાંના એક હિથ્રો, સ્ટેન્સ્ટેડ અને સિટી એરપોર્ટ્સ તેમજ માન્ચેસ્ટર, બર્મિંગહામ, સ્કોટલેન્ડ અને યુકેમાં અન્ય સ્થળો પર એરપોર્ટ્સ પર પણ હવાઈ ટ્રાફિક પર અસર થઈ હતી.
ફ્લાઈટરડાર૨૪ના અહેવાલ મુજબ હિથ્રોથી ૩૫૨ ફ્લાઈટ વિલંબમાં મુકાઈ હતી, જ્યાં દૈનિક ૧૩૦૦થી વધુ ફ્લાઈટનું સંચાલન થાય છે. એ જ રીતે ગેટવિક એરપોર્ટ પર સરેરાશ ૮૫૦ ફ્લાઈટની તુલનાએ ૨૮૧ ફ્લાઈટ મોડી પડી હતી. માન્ચેસ્ટરમાં ૬૫૦માંથી ૨૪૯ અને બર્મિંઘમમાં ૩૦૦માંથી ૧૦૧ ફ્લાઈટ વિલંબમાં મુકાઈ હતી.
એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, આ ખામીના પગલે તેમણે પ્રવાસીઓને તેમની એરલાઈન સાથે તેમની ફ્લાઈટની સ્થિતિ તપાસવા ચેતવણી આપી દીધી હતી. બજેટ એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, તેની કેટલીક ફ્લાઈટ્સનું સંચાલન થઈ શક્યું નહોતું અને સિસ્ટમ ફેલ્યોરના કારણે સમગ્ર યુરોપમાં સેંકડો ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી.
હિથ્રો એરપોર્ટની વેબસાઈટ પર જણાવાયું હતું કે, યુરોપના વિવિધ સ્થળો માટેની ટૂંકા અંતરની અનેક ફ્લાઈટ્સ મંગળવારે રદ કરાઈ હતી અથવા વિલંબથી ઉડતી હતી. એર ટ્રાફિક નિયંત્રણ સિસ્ટમમાં શું ખામી સર્જાઈ હતી તે તાત્કાલિક જાણી શકાયું નથી.