Nigeria Terror Attack: પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરિયામાં ફરી એકવાર આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. ઉત્તરી નાઇજીરિયાના નાઇજર રાજ્યના બોરગુ વિસ્તારમાં બાઈક પર આવેલા બંદૂકધારીઓએ ત્રણ અલગ-અલગ ગામોમાં હુમલો કરી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકોના ગળા કાપી નાખવામાં આવ્યા હોવાની ભયાનક વિગતો સામે આવી રહી છે.
ત્રણ ગામોમાં મોતનો તાંડવ
અહેવાલો અનુસાર, શનિવારે (14મી ફેબ્રુઆરી) સવારે બાઈક પર સવાર બંદૂકધારીઓ આધુનિક હથિયારો સાથે ત્રાટક્યા હતા. હુમલાની શરૂઆત તુંગા-મેકેરી ગામથી થઈ હતી, જ્યાં હુમલાખોરોએ ઘરોને આગ ચાંપી દીધી અને ઓછામાં ઓછા 6 લોકોની હત્યા કરી હતી. આ સાથે જ અનેક લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હુમલાખોરોએ કોંકોસો ગામમાં સૌથી વધુ તબાહી મચાવી છે. વહેલી સવારથી શરૂ થયેલા અંધાધૂંધ ગોળીબારમાં આશરે 26થી વધુ લોકોના મોત થયા છે. આતંકીઓએ અહીંની પોલીસ ચોકીને પણ ફૂંકી મારી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે સુરક્ષા કર્મચારીઓની સંખ્યા ઓછી હતી, જેના કારણે આતંકીઓ બેફામ બનીને આતંક મચાવતા રહ્યા.
નોંધનીય છેકે, અત્યાર સુધીમાં 30થી વધુ મૃતદેહો મળ્યા છે, હજુ વધુ લોકો ગુમ હોવાથી આ આંકડો વધવાની ભીતિ છે. ખંડણી વસૂલવા માટે આતંકીઓએ ડઝનબંધ ગ્રામજનોનું અપહરણ કર્યું છે. અનેક રહેણાંક મકાનો અને સરકારી મિલકતોને આગ લગાડી રાખ કરવામાં આવી છે.
આ પણ વાંચો: BLAના લડાકૂઓ સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણીએ, મુનીર-શાહબાઝની દુનિયાભરમાં ફજેતી
વકરી રહેલું સુરક્ષા સંકટ
નાઇજીરિયાના આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ISIL-સંલગ્ન જૂથો અને સ્થાનિક સશસ્ત્ર ગેંગ બેફામ બની છે. આ ગેંગ મુખ્યત્વે ખંડણી માટે અપહરણ અને લૂંટફાટના ગુના આચરતી હોય છે. નાઇજર રાજ્યના પોલીસ પ્રવક્તા વાસિયુ અબીઓડુને જણાવ્યું છે કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.


