હોમલેન્ડના 90 ટકા કર્મચારીઓ વગર પગારે કામ કરશે
ટ્રમ્પની આગેવાની હેઠળ રિપબ્લિકનોએ બુધવારે સમાધાન માટે મોકલેલો પ્રસ્તાવ ડેમોક્રેટ્સે સ્વીકાર્યો નહીં
ડેમોક્રેટ્સ ઇમિગ્રેશનને લઈને તેમના વલણમાં કોઈપણ પ્રકારનું નમતુ જોખવા તૈયાર ન હોવાથી આ શટડાઉન થયું છે. યુએસ કોંગ્રેસે લગભગ 97 ટકા જેટલા ખર્ચાને તો મંજૂરી આપી દીધી છે, પરંતુ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની ઇમિગ્રેશન અંગેની કામગીરીથી ડેમોક્રેટ્સ ખાસ્સા નારાજ છે. તેમા પણ આઇસીઇ એજન્ટ્સોએ કેટલાય શહેરોમાં મચાવેલા હડકંપે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં નારાજગીનું મોજું સર્જયુ છે. તેથી જો ડેમોક્રેટ્સ આ મુદ્દે ઢીલું વલણ અપનાવે તો તેમના પર પોતાના જ રાજ્યોમાં પસ્તાળ પડે તેમ છે. આ ઉપરાંત આગામી મધ્યસત્ર ચૂંટણી પૂર્વે ડેમોક્રેટ્સ બતાવવા માંગે છે કે તે સરકારને બરોબરની ટક્કર આપી રહ્યા છે.
હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની સ્થાપના 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલા પછી 2003માં કરવામાં આવી હતી. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અધિકાર ક્ષેત્રમાં ઘણી બધી સંસ્થાઓ આવે છે, તેનો હોમલેન્ડ વિભાગનો હિસ્સો જ ગણવામાં આવે છે. તેમા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ), કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન ફોર્સ (સીબીપી), ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (ટીએસએ), ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (ફેમા), યુએસ કોસ્ટ ગાર્ડ એન્ડ યુએસ સિક્રેટ સર્વિસ સહિતની બીજી એજન્સીઓનો સમાવેશ થાય છે.
તેમા ટીએસએના 64 હજાર એજન્ટ્સ અને 56 હજાર એક્ટિવ ડયુટી, રિઝર્વ અને સિવિલિયન કોસ્ટ ગાર્ડે વેતન વગર કામ કરવાનું આવશે. આ બધા કર્મચારીઓને જ્યારે શટડાઉન પૂરુ થશે ત્યારે બેક પે મળશે. શનિવાર સુધી તો બંને પક્ષો કોઈ સમાધાન પર આવતા દેખાયા નથી. તેથી હવે ગમે તે સમાધાન થાય તો પણ સોમવાર સુધી તો કશું નહી મળે તે નક્કી છે.
જો કે હોમલેન્ડ વિભાગની સામે ડેમોક્રેટ્સ એટલા નારાજ છે કે તેમણે ટ્રમ્બે બુધવારે મોકલેલી સમાધાનની ઓફર પણ સ્વીકારી ન હતી. આ બતાવે છે કે ડેમોક્રેટ્સ હોમલેન્ડ ડિપાર્ટમન્ટ પર ઇમિગ્રેશનને લઈને આખા દેશમાં આઇસીઈ એજન્ટ્સે મચાવેલી ધમાલના કારણે શાસક પક્ષથી કેટલા નારાજ છે.
ગૃહના લઘુમતી નેતા હકીમ જેફરીઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રિપબ્લિકનોએ અમને જે ઓફર કરી હતી તેમા જે જરુરી હતી તે બધી જ બાબતોની બાદબાકી કરી દીધી હતી. તેના પછી આ ડીલનો કોઈ અર્થ જ ન રહેતા અમે તે સ્વીકાર્યુ ન હતુ. વહીવટીતંત્ર ઘણા બધા એવા ક્ષેત્રો છે જેમા અમેરિકન લોકો માટે સારું કરવામાં નિષ્ફળ નીવડયું છે. હવે આ સુધારો ન થાય ત્યાં સુધી ટ્રમ્પ અને તેમના રિપબ્લિકનોએ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના અમુક હિસ્સાની કામગીરી બંધ રાખી છે. ગયા મહિને થયેલી મંત્રણામાં શટડાઉન પૂરુ થયુ ત્યારે હોમલેન્ડનો વિવાદ બહાર રખાયો હતો અને તેના ૧૫ દિવસના ફંડિંગને જ મંજૂરી મળી હતી. જે ૧૪મીના રોજ પૂરી થઈ છે. જ્યારે અમેરિકાના બાકીના સરકારી વિભાગો રાબેતા મુજબ કામ કરશે.
ડેમોક્રેટ્સ હોમલેન્ડનું ફંડિંગ અટકાવીને આઇસીઇ એજન્ટ્સ પર લગામ લાદવા માંગે છે, જેથી તેઓ અમેરિકન પ્રજા પર અને ઇમિગ્રન્ટ્સ પર આડેધડ રીતે ત્રાટકતા અટકે. હવે જો હોમલેન્ડ વિભાગના ફંડિંગ જ ન મળે તો તેના નેજા હેઠળ આવતા આઇસીઇ એજન્ટ્સ અમેરિકન પ્રજાને હેરાન નહીં કરી શકે અને તેમની કામગીરી અટકી જશે તેમ માનવામાં આવે છે.


