Get The App

મેટામાં 16,000 લોકોની નોકરી જોખમમાં : આવતીકાલથી છટણી શરૂ થશે

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
મેટામાં 16,000 લોકોની નોકરી જોખમમાં : આવતીકાલથી છટણી શરૂ થશે 1 - image

- ઓરેકલ પછી હવે મેટામાં પણ એઆઈ લોકોની નોકરી છીનવશે

- મેટા આ વર્ષે ડેટા સેન્ટર, ચિપ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સહિત એઆઈમાં 135 અબજ ડોલરનું રોકાણ કરે તેવી સંભાવના

- માર્ક ઝકરબર્ગ પહેલા તબક્કામાં સોમવારે 8,000ને પાણીચુ પકડાવે તેવી શક્યતા

ન્યૂયોર્ક : ઓરેકલ પછી હવે વધુ એક ટેક્નોલોજી કંપનીમાં મોટાપાયે છટણીની તૈયારી ચાલી રહી છે. ફેસબૂકની પેરેન્ટ કંપની મેટામાં નજીકના સમયમાં ૧૬,૦૦૦ લોકોની હકાલપટ્ટીની સંભાવના છે, જેમાં ૮,૦૦૦ લોકોને તો સોમવારે જ કાઢી મૂકવામાં આવે તેવી શક્યતા હોવાનું એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) તરફ ફોકસ કરી રહી છે.તેથી હવે કંપની નવી રણનીતિ હેઠળ ૧૬ હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે. આ છટણીની અસર મેટાના દુનિયાભરમાં સ્થિત કર્મચારીઓ પર પડશે.

કંપનીના સૂત્રોએ જણાવ્યું કે, છટણીનો પહેલો તબક્કો ૨૦ એપ્રિલને સોમવારથી શરૂ થઈ શકે છે, જેમાં પહેલા જ ધડાકે ૮,૦૦૦ લોકોને પાણીચુ પકડાવી દેવામાં આવે તેવી શક્યતા છે. કંપની નવી રણનીતિ હેઠળ વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં અંદાજે ૧૦ ટકાનો કાપ મૂકી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી આ મુદ્દે સત્તાવાર કોઈ માહિતી આપી નથી.

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ છેલ્લા એક વર્ષથી સતત કંપનીને એઆઈ ઈન્ડસ્ટ્રીમાં સૌથી આગળ લઈ જવા પર ફોકસ કરી રહ્યા છે. જનરેટિવ ટૂલ્સ હોય કે મશીન લર્નિંગ ચલાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મેટા આગેકૂચ કરવા તૈયાર છે. કંપની વધુ ઓટોમેટેડ ફ્યુચર માટે તેના વર્કફોર્સને નવું રૂપ આપી રહી છે, જે અત્યાર સુધીનું સૌથી મોટી પુનર્ગઠન કાર્યવાહી બની શકે છે. કંપની આ વર્ષે એઆઈમાં ૧૩૫ અબજ ડોલરનું રોકાણ કરે તેવી શક્યતા છે. એઆઈ સંબંધિત આ રોકાણ મોટાભાગે ડેટા સેન્ટર, ચિપ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં કરાઈ શકે છે. 

કંપની એક્ઝિક્યુટિવ એઆઈ કેપેબિલિટીમાં આગેકૂચના આધારે તેની યોજનાઓમાં ફેરફાર કરી શકે છે. થોડા મહિના પહેલા મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે, મેટા તેના વૈશ્વિક વર્કફોર્સના ૨૦ ટકા અથવા તેનાથી વધુ લોકોને કાઢી મૂકવા પર વિચાર કરી રહી છે.

એઆઈ તરફ આગેકૂચ કરવા માટે મેટામાં જોવા મળતો ટ્રેન્ડ અમેરિકાની અન્ય ટેક્નોલોજી કંપનીઓમાં પણ જોવા મળી રહ્યો છે. અમેરિકન ટેક્નોલોજી કંપનીઓમાં વ્યાપક સ્તર પર છટણી તઈ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં દુનિયાભરમાં થયેલી છટણીઓમાં લગભગ ૭૭ ટકા અમેરિકામાં જ થઈ છે, જ્યાં ૬૨ કંપનીઓમાં ૬૧,૦૦૦થી વધુ નોકરીઓ ખતમ કરાઈ છે.