અરે ! હું તો મિત્રવિહોણા માનવીઓનો પરમ મિત્ર છું ...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બેફામ આક્ષેપોની આંધી વચ્ચે આજે યાદ કરીએ સરદારની દરિયાદિલીને…
- જિસે હીરા સમઝા, વહી પત્થર નિકલા,
મેરી કિસ્મત કા હર ખ્વાબ બેઅસર નિકલા. - સ૨દા૨નું આંતર-બહિર એક હતું અને એથી એમને ક્યારેય કપટનીતિની જરૂર પડી નહીં. આને કારણે જ જામસાહેબ જેવાં કોંગ્રેસના કટ્ટર વિરોધી સમય જતાં સ૨દા૨ને મોટા ભાઈ કહેતા હતા
આગામી ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે, ત્યારે સરદારનું સ્મરણ જાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલે એક સભામાં કહ્યું છે કે મારા જીવનનું મુખ્ય ધ્યેય દેશસેવા છે અને એ દેશસેવાને ખાતર વારંવાર જન્મ લેવાનું પસંદ કરીશ. સરદારના વિરોધીઓએ એમને અતડા, કઠોર અને કુટિલ રાજકીય દાવપેચ અજમાવનારા બતાવ્યા હતા. હકીકતમાં સરદારનું વ્યક્તિત્વ દેશહિત પરત્વે વજ્ર જેવું કઠોર હતું, તો જીવનવ્યવહારમાં માનવીય સંવેદનાઓથી ધબકતું, પુષ્પ સમાન કોમળ હતું. એમનામાં સંકલ્પની જેટલી દ્રઢતા હતી, એટલી જ એમના વિશાળ હૃદયમાં ભારોભાર ક્ષમા છલકાતી હતી.
એક વખત સરદાર પટેલ અને મુંબઈ શહેર કોંગ્રેસના અધ્યક્ષ નરીમાન વચ્ચે મોટો વિવાદ અને વિખવાદ સર્જાયો હતો. નરીમાનની ઇચ્છા મુંબઈના મુખ્યપ્રધાન બનવાની હતી અને મુંબઈના પારસીઓ અને પારસી માલિકીના અખબારો એમના આ દાવાને મજબૂત ટેકો આપતા હતા.
બીજી બાજુ ૧૯૩૪ની કેન્દ્રની ધારાસભાની ચૂંટણી સમયે સ૨દા૨ને નરીમાનનો કટુ અનુભવ થયો હતો. છેક છેલ્લી ઘડીએ નરીમાને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને પરિણામે કોંગ્રેસને હાર ખાવી પડી હતી, આથી સ૨દા૨ને એમને ધારાસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવવાની વિશેષ ઇચ્છા નહોતી. જોકે સરદારે સ્પષ્ટપણે કહ્યું પણ ખરું કે તેઓ નરીમાનની ઉમેદવારીને ટેકો આપતા નથી, પણ એનો સક્રિય વિરોધ પણ નહિ કરે. ત્રણ કોંગ્રેસી અગ્રણીઓની સમિતિએ પક્ષના નેતા તરીકે ખેરને પસંદ કર્યા. આની પાછળ સરદારનું રાજકીય દબાણ છે, એમ કહીને નરીમાને અને તેમનો પક્ષપાત કરતાં અખબારોએ સરદાર પર કાવાદાવાના અને કોમવાદી હોવાના આક્ષેપોની ઝડી વરસાવી.
આ ઘટનાથી સરદાર અત્યંત વ્યથિત બન્યા. આવા સતત થતા બિનપાયાદાર આક્ષેપો અંગે તેઓ મૌન રહ્યા. નરીમાને એવો આક્ષેપ કર્યો કે સરદારે સભ્યો પર ગેરવાજબી દબાણ કર્યું છે. છેવટે આ આક્ષેપો અંગે ગાંધીજી અને મુંબઈના ભૂતપૂર્વ પારસી વકીલ બહાદુરજીને લવાદી સોંપવામાં આવી. બહાદુરજી પારસી હોવા છતાં એમણે કહ્યું કે નરીમાનની વર્તણુંકથી કોંગ્રેસને ભારે નુકસાન થયું છે અને સાથોસાથ એ સ્પષ્ટતા કરી કે ખેરની વરણી વલ્લભભાઈના ગેરવાજબી દબાણને કા૨ણે કરવામાં આવી નહોતી.
કેટલાક વિરોધીઓએ સ૨દા૨ પર એવો આક્ષેપ મૂક્યો કે તેઓ તેજસ્વી વ્યક્તિઓની રાજકીય કારકિર્દીને ગળે ટૂંપો મારી દે છે. વળી, એમ કહેવાયું કે સરદાર કોમવાદી છે. અખબારોના આવા અવિરત આક્ષેપોની વચ્ચે અને વખતે સરદારે સંયમ પાળ્યો હતો. સ્વયં મહાત્મા ગાંધીજીએ સરદારે રાખેલા સંયમની પ્રશંસા કરી હતી.
જ્યારે લવાદનો ચુકાદો આવ્યો, ત્યારે સ૨દા૨ની આંખ ભીની થઈ ગઈ. આ ઘટનાને ઘણો સમય વીતી ગયો. સમય જતાં નરીમાનને પોતાની ભૂલ સમજાઈ. દસેક વર્ષ પછી સ૨દા૨ ભારતના નાયબ વડાપ્રધાન હતા, ત્યારે નરીમાને એમની માફી માગી. તેઓ પુન: કોંગ્રેસમાં જોડાયા અને મુંબઈની નગરપાલિકામાં કોંગ્રેસી નગરસેવકોના અગ્રણી પણ બન્યા.
થોડા સમય પછી નરીમાન દિલ્હી આવ્યા અને દિલ્હીની હોટલમાં ઊતર્યા. હોટલમાંથી ફોન કરીને સરદાર વલ્લભભાઈ પાસે મુલાકાત માગી. ભૂતકાળની તમામ કડવાશ ભૂલીને સ૨દા૨ે એમને મુલાકાત આપી. દિલ્હીના ૧, ઔરંગઝેબ રોડ પરના સરદારના મકાનમાં નરીમાન એમને મળવા માટે આવ્યા, ત્યારે બંને વચ્ચે વાતચીત ચાલી. સરદારે ખુલ્લા દિલે એમને આવકાર આપ્યો.
બન્યું એવું કે ૧૯૪૮ના ઓક્ટોબરની ચોથી તારીખે દિલ્હીની હોટલમાં નરીમાન પર હૃદયરોગનો જીવલેણ હુમલો થયો અને તેઓ અવસાન પામ્યા. નરીમાનનાં સગાંઓની ઇચ્છા હતી કે નરીમાનનો મૃતદેહ ખાસ વિમાન દ્વારા મુંબઈ પહોંચાડવામાં આવે. નરીમાનની કર્મભૂમિ અને ચાહનાક્ષેત્ર મુંબઈ હતું. સ૨દા૨ને આની ખબર પડી. એમણે તત્કાળ કોફિન લઈ જવા માટે ભારતીય હવાઇદળની ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી. બીજે દિવસે સવારે એ ચાર્ટર ફ્લાઇટ દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યું.
નરીમાન પ્રત્યેના આદરમાં સરદારની ઉદારતા સતત પ્રગટતી હતી. નરીમાનનું અવસાન થયું ત્યારે સરદારે એમને 'મુંબઈના બેતાજ બાદશાહ' કહ્યા હતા.
આ ઘટનાને થોડો સમય વીતી ગયો. થોડા દિવસ બાદ નરીમાનના મૃતદેહને મુંબઈ લઈ જવા માટે જે ફ્લાઇટ મોકલી હતી, તેનું સાત હજાર રૂપિયાનું બિલ ઇન્ડિયન એર ફોર્સની કચેરીમાંથી સરદાર પર આવ્યું. સરદારે જ આ ખાસ વિમાનની માગણી કરી હતી, તેથી આ બિલનું કરવું શું? સ૨દા૨ને આ અંગે પૂછવું પણ કઈ રીતે? મણિબહેનની હિંમત ચાલતી નહોતી. સ૨દા૨ના મુખ્ય પ્રાઇવેટ સેક્રેટરી શંકર પણ વિમાસણ અનુભવતા હતા. સ૨દા૨ના અંગત સચિવ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પાસે સાત હજારનું બિલ આવ્યું. તેઓ પણ વિચારમાં પડયા કે આ બિલ સ૨દા૨ને આપવું કઈ રીતે?
સરદાર સાથેના ઘનિષ્ઠ સહવાસને કારણે એમને ખ્યાલ હતો કે બપોરે બેથી અઢી વચ્ચેનો સમય એ સ૨દા૨ને મળવા માટે સૌથી સારો સમયગાળો કહેવાય. એ સમયે સરદાર થોડી નિરાંતમાં હોય છે. એમણે આ સમયે બિલ ૨જૂ ક૨ીને સ૨દા૨ને પૂછયું કે આ બિલ ક્યાંથી આપવું છે? આ સમયે નરીમાન કોંગ્રેસ પક્ષમાં કોઈ ઉચ્ચ હોદ્દા પર નહોતા કે જેથી કોંગ્રેસ પક્ષ એના ભંડોળમાંથી આ ખર્ચ આપે, સરકારમાં પણ તેઓ કોઈ હોદ્દો ધરાવતા નહોતા કે જેથી સરકાર આ રકમ ચૂકવી શકે. સરદારે બિલ જોયું અને એમણે જાતે જ ચૂકવી દીધું. નરીમાનનાં સગાંઓને આ બિલ મોકલવાનો ક્ષણિક વિચાર પણ એમના મનમાં જાગ્યો નહીં.
આજે સ૨દા૨ની દરિયાદિલીના પ્રસંગોનાં કેટલાંય સ્મરણો જાગે છે. ભારતના જુદાં જુદાં રાજ્યોનું એકીકરણ ચાલતું હતું આ સમયે ત્રાવણકોરના મહારાજાએ સરદારની વાતનો સ્વીકાર કરવાનું નક્કી કર્યું, પરંતુ ત્રાવણકોરના દીવાન સર સી. પી. રામસ્વામી અય્યર એમની રાષ્ટ્રવિરોધી હિલચાલ માટે જાણીતા હતા. એમને આ રીતે અખંડ ભારતમાં જોડાવું પસંદ નહોતું. આથી એમણે ઘણાં પેંતરા અને કાવાદાવા કર્યા, પરંતુ અંતે દીવાન સર સી. પી. નિષ્ફળ ગયા. બન્યું એવુ કે ત્રાવણકોરના રાજકીય પરિષદના રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા લોકો સર સી. પી.ને સબક શીખવવા એમની કામગીરી અંગે તપાસપંચ નીમવા ઇચ્છતા હતા. એમની રાષ્ટ્રવિરોધી ચાલને જાહેર પ્રજા સમક્ષ પ્રગટ કરવા માગતા હતા.
આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહ્યું કે, 'ભારતીય સંસ્કૃતિની સૌથી મહાન પ્રણાલી એ છે કે વિરોધી પરાજિત થાય, ત્યારે તેને ઉદારતાથી ક્ષમા આપવી.' આમ કહીને તપાસપંચની વાત બંધ રખાવી. આ રીતે સરદારે એમના કાર્યની વિરુદ્ધમાં અનેક પેંતરા કરનાર સર સી. પી.નો બચાવ કર્યો હતો.
એ પછી સર સી. પી. રામસ્વામી અય્યર એકલા પડી ગયા. તેઓ દિલ્હી આવ્યા. દિલ્હીની ઇમ્પિરીયલ હોટેલમાં ઊતર્યા હતા. એમણે સરદારને મળવાની પોતાની ઇચ્છા પ્રગટ કરી. સર સી. પી.એ આત્મવેદના વ્યક્ત કરતાં કહ્યું આજે કોઈ એમની સાથે મૈત્રી રાખતું નથી. બધા એમની ઘોર ઉપેક્ષા કરે છે.
ત્યારે સરદારે એમને મળવા માટેનો સમય આપ્યો. જરૂર મળવા આવવા કહ્યું અને વળી બોલ્યા, 'હું તો છં મિત્રવિહોણા માનવીઓનો પરમ મિત્ર.'
સ૨દા૨ પાસે અભય અને મૈત્રી બંને હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં તો અર્જુન સામે એક માત્ર કૌરવ સેના હતી, જ્યારે સરદાર સામે પાંચસો દેશી રજવાડાંઓનો પડકાર હતો. એ રજવાડાંના રાજાઓ, એમના સૈન્યો, પરદેશીઓની એમને મળતી મદદ - એ બધી બાબતો સરદાર સામે હતી. વળી જૂના સંધિપત્રકો, ખત-દસ્તાવેજો, કરારનામાં જેવાં કેટલાય કાનૂની સવાલોના વાવંટોળ એમની સામે ઊભા હતા. કોઈ પાકિસ્તાન સાથે સગપણની ગાંઠ બાંધવાની પેરવી કરતું હતું, તો કોઈ જાતજાતના દાવપેચની અજમાયશ કરતા હતા. એમનાં સૈન્યો પણ પરદેશી મદદ અને સામગ્રીથી સજાયેલા હતા. એ સમયે મુંબઈ પર બોમ્બ પડવાની કમાન્ડર ઇન ચીફે સરદારને બીક બતાવી હતી, છતાં ત્યારે સ૨દા૨નું રુંવાડું પણ ફરક્યું ન હતું.
હૈદ્રાબાદના રઝાકાર અને એના નેતા કાસમ રીઝવીએ સરદારના દીવાનખાનામાં જઈને કેટલાંય અપમાનો કર્યા પછી ગંભીર ચેતવણી આપી હતી. સરદાર આની સામે મૌન રહ્યા અને એને એક પણ કડવો શબ્દ કહ્યો નહીં. સ૨દા૨નું આંતર-બહિર એક હતું અને એથી એમને ક્યારેય કપટનીતિની જરૂર પડી નહીં. આને કારણે જ જામસાહેબ જેવાં કોંગ્રેસના કટ્ટર વિરોધી સમય જતાં સ૨દા૨ને મોટા ભાઈ કહેતા હતા. ગૂર્જરનરેશ થવાની માગણી ક૨ના૨ વડોદરાના મહારાજા પણ સરદાર પટેલને ઘેર એમના મહેમાન તરીકે ગયા હતા. ક્યાંય કડવાશ દેખાતી નહોતી. તો વળી સરદારની મહત્તા અને એમના પુત્રી મણિબહેનના સમર્પણની હૃદયસ્પર્શી કેટલીય વાતો ભછ આર.એસ. પટેલ 'આરેશ'ના હવે પછી પ્રગટ થનારા પુસ્તક 'મહાન પિતાની મહાન પુત્રી'માંથી તમને પ્રાપ્ત થશે.
રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે સરદારે ધાર્યું હોત તો પોતાને માટે લાખો નહીં, પણ કરોડોની દોલત એકઠી કરી શક્યા હોત, પણ એમના અવસાન પછી એમના બેન્ક એકાઉન્ટમાં પૂરા બસો રૂપિયા પણ નહોતા. ઘરબા૨, જ૨-જમીન, સોનુંચાંદી તો ક્યાંથી હોય? માનપત્રોની કાળી પડતી ચાંદીની ફ્રેમના માત્ર પતરાં જોવા મળ્યા.
આવી સાદાઈથી રહેનાર દેશપ્રેમી, એકનિષ્ઠ, રાજ્યસેવકને સંન્યાસી નહીં તો બીજું શું વિશેષણ આપીશું?
પ્રસંગકથા
હોય રસ્તો અને મળે ખાડા !
પિન્ટુએ મોન્ટુને કહ્યું, 'તું સવારે કેટલા વાગ્યાનો એલાર્મ મૂકે છે?'
મોન્ટુએ કહ્યું, 'બંદાને એલાર્મની જરૂર પડતી નથી, સૂર્ય જ મારી ઘડિયાળ.'
'એટલે?' મોન્ટુએ પૂછયું.
'કાચની બારીમાંથી સવારે સૂર્યનું પહેલું કિરણ મારા ચહેરા પર પડે, એટલે તરત ઊઠી જવાનું.'
પિન્ટુએ કહ્યું. 'શું વાત કરે છે? આટલો બધો વહેલો ઊઠે છે. કહેવું પડે ! મારાથી તો આટલા બધા વહેલા ન ઊઠાય !'
મોન્ટુએ કહ્યું, 'ના. બહુ વહેલું ન કહેવાય, મારા રૂમની બારી પશ્ચિમ તરફ છે.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણે ત્યાં રસ્તાની બાબતમાં મોન્ટુની પદ્ધતિ જોવા મળે છે. પહેલાં રસ્તો બનાવાય છે, પછી એને તોડીને ગટરના કનેક્શન નખાય છે અને વળી બાકી હોય તેમ એને ખોદીને વીજળીના તાર નખાય છે. આમ રસ્તો બન્યા પછી એને વારંવાર ખોદવામાં આવે છે અને પરિણામે પ્રજાને રસ્તાનાં બદલે ખાડા પર ચાલવાનું બને છે.
શહેરોમાં તો ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર કામગીરી ચાલતી હોય છે અને એ કામગીરી દિવસોના દિવસો સુધી ચાલ્યા કરે છે. પ્રજાની પરેશાનીનો પાર રહેતો નથી. રસ્તા પરનાં વેપારીઓને ઘણું વેઠવું પડે છે, આડેધડ ચાલતા બાંધકામને કા૨ણે પ્રજાને સતત સહેવું પડે છે. રસ્તા વિશે કોઈ મોન્ટુની થિયરી છોડીને સાચો રસ્તો અપનાવશે ખરું?




