Int ane Imarat

હનુમાન લંકામાં આવ્યો છે... શેરબુલંદ સંભાળજે

By GS Team
22 Oct 20267 mins read
TukuTouch Logo
આશરે 250 વર્ષ પહેલાં મહેસાણામાં ભયા વ્યાસ નામના વીર યુવાને મોગલ સરદાર શેરબુલંદખાનના ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરવા પોતાનું બલિદાન આપ્યું. શેરબુલંદની છાવણીમાં આગ ચાંપી, ભયા વ્યાસ પોતે પણ અગ્નિમાં હોમાઈ ગયા. આ ઘટના મહેસાણાના પારસ-પીપળા નીચે બની, જ્યાં આજે પણ ભયા વ્યાસનાં પગલાં પૂજાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હનુમાન લંકામાં આવ્યો છે... શેરબુલંદ સંભાળજે
  • ભડભડતા અગ્નિને જોઈને શેર શિયાળ બની ગયો
  • ભયા વ્યાસ બહારથી ચાલ્યા આવે. એમણે આ દેખાવ જોયો, ને આંખો ફાટી. મીંઢળબંધો હાથ ઊંચો કર્યો ને કહ્યું : 'ઓહ! આ જુલ્મ! આ ત્રાસ! આ હેવાનિયત! અને તમે ઊભા ઊભા જુઓ છો?'
  • રખા કરો નજદીકિયાં,
    યહ જિંદગી કા ભરોસા નહીં,
    ફિર કહોગે ચુપચાપ ચલે ગયે,
    ઔર બતાયા ભી નહીં!

મહેસાણા શહે૨ની સીમમાં એક પારસ-પીપળો ઊભો છે. લીલાં-પીળાં એનાં પાન છે. શીળી એની છાયા છે. પીપળાની નીચે એક ચબૂતરો છે. ચબૂતરા ૫૨ મો૨, મેના ને પોપટ રોજની ચણ્ય ચણે છે! થાકેલો વટેમાર્ગુ અહીં વિસામો લે છે.
ચબૂતરાની આગળ એક સફેદ આરસની દેરી છે. એ દેરીના પગલાંને લોકો પૂજે છે. એ પગલાં ભયા વ્યાસનાં છે. એવા તે કેવા થયા હતા ભયા વ્યાસ! નથી ઇતિહાસે એમની વાત કરી, નથી પુરાણે એમનો કથાપ્રસંગ વર્ણવ્યો. ક્યારે થયા ને શું કર્યું ભયા વ્યાસે?
મહેસાણામાં લક્ષ્મીશંકર વ્યાસ થયા. તેમના પુત્ર ભવાનીશંકર એ જ ભયા વ્યાસ. અઢીસો વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતમાં ત્રણત્રણ બાદશાહીઓ ચાલતી હતી. દિલ્હી દરબારના સૂબા અહીં સત્તાનો કોરડો વીંઝતા. મરાઠી લશ્કરો અહીં ઠેર ઠેર લાલબાઈ ચાંપતા. આગ લગાડતા. વળી કેટલાક સ્વાર્થીઓ અને તોફાનીઓ લૂંટફાટ કરી રૈયતને રોવરાવતા હતા એ જુદા.
એ કાળે થયા ભયા વ્યાસ! રૂપ કેવું? દેહ કેવો? એક તો વ્યાસજી રૂપાળા અને એમાં યુવાનીએ અંગે અંગે જરજવાહ૨ ટાંક્યાં! જોઈને મન ખુશ થઈ જાય એવી કાયા. બોલાઈ જાય કે વાહ જુવાની વાહ!
આવા ભયા વ્યાસનાં લગ્ન લેવાયાં. જેવા રૂપાળા વ્યાસરાજા એવાં રૂપાળી વ્યાસરાણી. ભટ અને ભટાણી રૂપનાં આભામંડળ ૨ચે. ધોળ-મંગળ ગવાયાં. ઝાઝી જાન જોડી વહુ લઈ આવ્યા. વ્યાસજીને તો દિવસ રાત થઈ ગયો. રાત દિવસ થઈ ગઈ! હોય છે એવા ઋતુ- ઋતુના ધર્મ, એવા અવસ્થા-અવસ્થાના ધર્મ! એ સમયે વરઘોડિયાં નોતરે ચડયાં છે. રોજ બનીઠનીને સગાંસંબંધીને ત્યાં જમવા જાય છે. ઉપરધારનાં ચૂરમાં ચોળે છે. મેવા-મિષ્ટાન્ન જમે છે. તાજાંમાજાં થાય છે.
એવામાં ઈ. સ. ૧૭૧૯માં પિલાજીરાવ ગાયકવાડે સૂરત શહેર લૂંટયું. સૂરત શહેર તો સોનાની મૂરત! નકશીદાર શહે૨માંથી ઘણાં નાણાં-ઘરેણાં મળ્યાં. સામે થયા એને મારી નાખ્યા. શાંતિથી ચૂપચાપ સીધા ચાલ્યા એનેય લૂંટી લીધા.
ચોતરફ ત્રાહિમામ્, ત્રાહિમામ્ થઈ રહી. અરે, સોના માટે સિતમ ઢાળ્યો. સૂરતનો હાકેમ રૂસ્તમઅલી નાસી છૂટયા. હાર્યો ને અડધે રસ્તે પ્રાણ ખોયા. આ ઘટનાની વાત છેક દિલ્હી સુધી પહોંચી.
દિલ્હી દરબારમાં હાક પડી. 'સાબદા થાઓ મોગલિયા! આ હુમલાખોરો ગુજરાતને બોડી બામણીનું ખેતર ગણીને ખેડે છે. ખબર લઈ નાખો એની!'
મહા મોગલ સ૨દા૨ શેરબુલંદખાન ઊભો થયો. જોતાં જ છક્કા છૂટી જાય, એવો પહેલવાન! ઊંચાઈ, પહોળાઈ ને જાડાઈમાં એના જેવો બીજો કોઈ ન જડે!
મજબૂત કસાયેલી કાયા, મોટું માથું અને ડરામણી આંખો. ઝરખિયાના ઝાંપા જેવી દાઢી, હાથીની સૂંઢ જેવા હાથ. લોઢાના મલખમ જેવા પગ. હોંકારો કરે તો ભલભલા ધ્રુજી જાય. પડકાર કરે, તો ગમે તેવો મર્દ પણ ભાગી જાય.
જેવોતેવો ઘોડો શે૨બુલંદનો ભાર ઉપાડી ન શકે. એના ઘોડા પણ અલગ! એનાં હથિયાર પણ અલગ. ચાલુ તલવાર તો એના હાથમાં દાતરડું લાગે. એના બખ્તર-ટોપ પણ અલગ! એના પેંગડામાં કોઈનો પગ ન પેસે. તો બીજી બાજુ એના પગરખામાં કોઈ પગ ન ઘાલે!
શેરબુલંદ છડી સવારીએ દિલ્હીથી નીકળ્યો. બળવાન મોગલ લશ્કર સાથે લીધું અને ગુજરાતે ઊતર્યો. મરાઠાને આંતર્યા. ભારે હુમલો કર્યો. ખડિયામાં લૂંટનો જે માલ હતો એ આંચકી લીધો. જુલમગારોને ઠેકાણે કર્યા, પણ ઠેકાણે કરનાર પછી ખુદ જુલમગાર બન્યો. રાંકડી રૈયતને પીડવા લાગ્યો. ગામ બાળવા લાગ્યો. શહેર લૂંટવા લાગ્યો.
શેરબુલંદની સેનાએ હાહાકાર મચાવી મૂક્યો. પણ વાઘને કોણ કહેવા જાય કે તારું મોં ગંધાય છે! સહુ એની પીઠ પાછળ મણમણની તોળે, મોં સામે એક હ૨ફ પણ ન બોલે. લોકો સાંભળે કે શેરબુલંદ આવ્યો છે, એટલે ગામ છોડી છોડીને જંગલમાં ચાલ્યા જાય. ખાડામાં ધન દાટી દે. ઝાડીમાં યુવાન વહુ-બેટીને ક્યાંક સંતાડે.
આવો હાહાકાર વર્તાવતો શેરબુલંદ મહેસાણાના પાદરે આવ્યો. અહીં એણે તંબૂ તાણીને ડેરા નાખ્યા. ને લોકો ડરના માર્યા ભાગ્યા. લોકોની બિચારાની શી વાત કરવી? રાજવી ખુદ ગાદી છોડી ભાગ્યા. જઈને ઠેઠ સાબરમતીનાં વાંઘાંઓમાં વસેલા વરસોડામાં ગાદી કરી! હાશ બાપ! બચ્યા. શેરબુલંદ આ વાંઘાંમાં શી રીતે આવશે? મહેસાણા ગામ નધણિયાતું બન્યું પણ મહાજન આગળ આવ્યું. કારોબાર હાથમાં લીધો. બ્રાહ્મણો ને બારોટોએ સેના સંભાળી!
પણ શેરબુલંદ તો શકરોબાજ હતો. એણે મહાજન, બ્રાહ્મણ ને બારોટોના મોવડીઓને મુશ્કેટાટ બાંધ્યા. બાંધીને રૂપિયા ખંખેરવા માટે મીઠું પાયેલા જેરબંધ કોરડા ફટકારવા માંડયા! તમે ગામના મોવડી છો, તો લાવો પૈસા! ગામ આખું ફાટી નજરે જોઈ રહ્યું. જેણે ચૂં કે ચાં કર્યું એ બધાની એવી દશા!
કુંજડીઓ કળકળે, એમ રૈયત કળકળે છે. એ વખતે ભયા વ્યાસ બહારથી ચાલ્યા આવે. એમણે આ દેખાવ જોયો, ને આંખો ફાટી. મીંઢળબંધો હાથ ઊંચો કર્યો ને કહ્યું : 'ઓહ! આ જુલ્મ! આ ત્રાસ! આ હેવાનિયત! અને તમે ઊભા ઊભા જુઓ છો?'
સહુ બોલ્યા, 'ન જુએ તો શું કરે? શું પતંગની જેમ દીવા પર ઝંપલાવવું?'
'હા, હા. પાંચ પચીસ પતંગ એકસાથે ઝંપલાવે તો દીવો રાણો થઈ શકે. જય અંબે! આગળ વધો!'
ભયા વ્યાસે પડકાર કર્યો. દિશાઓમાં એ પડકાર નિરર્થક ગાજીને પાછો ફર્યો. પડખે એક રજપૂત ઊભો હતો. એની કમરે તલવાર લટકતી હતી. ભયા વ્યાસે તલવાર ખેંચી, લલકાર કર્યો. 'અરે, આમ રોતલ માવડી થઈને શું ઊભા છો? શું આ મુગલા સાવજદીપડા છે ને આપણે બકરીઓ છીએ કે ખાઈ જશે? ભગવાને કોઈને ચાર હાથ આપ્યા નથી.'
ભયા વ્યાસના ચહેરા પર તેજ હતું. ભાલ કેસ૨-કુમકુમની અર્ચાથી શોભી રહ્યું છે. શરીર પર તસમસતો પાની સુધી પહોંચતો જરીનો જામો ઝૂલી રહ્યો છે. મદગળતા માતંગ જેવી કાયા ઝમે છે. કોઈ એના લલકારે સાથે આવ્યું નહિ! પણ પાછા હઠે એ બીજા. વનકેસરીની અદાથી ખુલ્લી તલવારે ભયો વ્યાસ શેરબુલંદની છાવણીમાં દાખલ થયો. મહેસાણાના આગેવાનો ત્યાં કો૨ડા ખાતા જમીન પર વળીને ઊભા હતા. તેઓએ કહ્યું, 'ભયા! પાછો જા. અમારું અમે ફોડી લઈશું. તું તાજો વિવાહિત છે.'
'ભયો પાછો ન જાય. ભયાને કોઈનો ભય નથી. ભયો ગીદડ નથી. શેરબુલંદ શેર નથી.'
ને ભયો વ્યાસ દોડતો શેરબુલંદ પાસે પહોંચ્યો ને કહ્યું, 'રે બુલંદ! ગિદ્દડને સતાવવાં એ શેરની શોભા નથી. રાંકડી રૈયત પર જુલ્મોસિતમ બંધ કર. તું તારા રસ્તે જા. અમે તને આડા આવતા નથી.'
શેરબુલંદે ભયા વ્યાસ સામે જોયું! ઓહ, જાણે એક માટીના બે ઘાટ! પોતાની કાયાનું ગુમાન ગાળી નાખે એવો જુવાન! એવો જ પૂરો ને પહોંચતો. શેરબુલંદે બૂમ પાડી, 'હટા દો યે બમ્મનકો! મારો, પીટો.'
તરત કો૨ડા ને ગડદાપાટુ શરૂ થઈ ગયાં. કોઈ એની મદદે ન ધાયું. એકલિયો વીર બની રહ્યો. હવે ભયો વ્યાસ ખરેખરો વીફર્યો. એની આંખોમાં કંકુ છંટાણાં. એ દોડતો એક ઘાંચીની દુકાને પહોંચ્યો! તેલનાં કુલ્લાં પડયાં હતાં. ઉપાડીને માથે ઢોળવા માંડયાં. નહાવા માંડયું. જામો તેલથી તરબોળ કર્યો. એક જાડો કાકડો વણી તેલમાં બોળીને સળગાવ્યો ને પછી દીધી છલાંગ! પડકાર કર્યો.
'રે! હનુમાન લંકામાં આવ્યો છે. શેરબુલંદ, સંભાળજે!'
અને ભયા વ્યાસે જામાને આગ ચાંપી ઠેકડો દીધો ને જઈ પડયો છાવણીમાં વચ્ચોવચ. 'લે, લેતો જા, મહેસાણાના વેરા લેતો જા!' ભયા વ્યાસે પડકાર કર્યો.
એક હાથમાં તલવાર, એક હાથમાં સળગતો કાકડો, નીચેથી સળગતા જામાની ઊંચે ચઢતી જ્વાળાઓ ને એમાં ગૌરવર્ણ મોં. શેરબુલંદ જમરાજને પોતાની સાથે ધસી આવતો જોઈ સફાળો ઊભો થઈ ગયો ને ભયથી બોલ્યો,
'યા અલ્લા! ક્યા કમાલકા કાફિર હૈ.'
પણ ત્યાં તો છાવણીમાં ભયા વ્યાસે ઘેરૈયાની જેમ ઘૂમવા માંડયું. તંબુઓમાં આગ લાગી. ઘાસની થપ્પીઓમાં આગ લાગી! ઘોડા ભડક્યા! શેરબુલંદને અને ભયા વ્યાસને થોડું છેટું રહ્યું ત્યાં શેર શિયાળ બની ગયો. ભડભડતા અગ્નિ જેવા ભયા વ્યાસને જોઈ એ ડર્યો, એણે પાસે બાંધેલા ઘોડા પર છલાંગ દીધી ને જીવ બચાવીને ભાગવા લાગ્યો. એની પાછળ એનું લશ્કર નાસી છૂટયું. સાથે સેનાપતિ ભાગ્યો. ભયો વ્યાસ સહુને દૂર સુધી વળોટાવી પાછો ફર્યો, પણ અગ્નિએ હવે એનાં અંગો ઝડપી લીધાં હતાં.
દોડતા મોગલોએ ખારી નદીની રેતીમાં જઈને શ્વાસ લીધો. ગામને ત્રાસમાંથી મુક્ત કરીને ભયો વ્યાસ આ પીપળા નીચે આવ્યો! આગ વધી રહી હતી. સતીની ચિતા જેમ ભડભડ બળતો ભયો વ્યાસ થોડી વારમાં ખાખ થઈ ગયો. એ રાખ પણ એ દિવસે પવિત્ર બની! એ પારસ-પીપળો એક વી૨ના બલિદાનનું તીર્થ બન્યું!

પ્રસંગકથા
સંસ્કૃતિનો પ્રાણ બની ગઈ છે સંપત્તિ

રોકડીમલે ચાલીસ લાખની કીંમતી મર્સિડીઝ કાર લીધી. કાર લઈને રૂઆબમાં બહાર નીકળ્યા અને 'રોંગ સાઇડ' પર પાર્ક કરી. બારણું ખોલીને બહાર નીકળવા જતા હતા, ત્યાં પાછળથી ટ્રક આવી અને મર્સિડિઝના ખુલ્લા બારણાને આખેઆખું હવામાં ફંગોળી દીધું.
રોકડીમલ ચીસો પાડવા લાગ્યા, પોલીસ દોડી આવી. એમણે રોકડીમલને શાંત થવા કહ્યું, પણ રોકડીમલે કહ્યું, 'અરે જુઓ, આ ટ્રકે તો મારી મર્સિડીઝનો ખુરદો બોલાવી દીધો. આખે આખું બારણું ઊડાવી દીધું.'
પોલીસે કહ્યું, 'શાંત થાવ, જરા શાંત થાવ.'
'અરે, પૂરા ચાલીસ લાખની મારી મર્સિડીઝ હતી, ખબર છે તમને ?'
પોલીસ અધિકારીએ કહ્યું, 'હવે તેલ પીવા ગઈ તમારી મર્સિડીઝ, શાંત થાવ.'
રોકડીમલનો પિત્તો ફાટયો. એણે કહ્યું, 'અરે! કેવા છો તમે? મારી ચાલીસ લાખની મર્સિડિઝની આ હાલત થઈ અને તમે મને શાંત થવાનું કહો છો?'
પોલિસ અધિકારીએ કહ્યું, 'તમે શાંત થશો? પૈસા સિવાય બીજું કંઈ વિચારો છો ખરા? પેલી ટ્રકે મર્સિડિઝનાં બારણાંની સાથોસાથ તમારો હાથ ઊખેડી નાખ્યો છે એ તમને દેખાય છે ખરો ! બસ પૈસા ને પૈસા જ!'
રોકડીમલ બોલી ઊઠયા, 'અરેરે ! એ હાથ પર તો મારી રોલેક્સ ઘડિયાળ હતી. ઓ બાપ રે!'

  • આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે માણસ પૈસાની પાછળ આંધળી દોટ લગાવે છે. ધનની તૃષ્ણા એને ઉજાગરો કરાવે છે અને સમય જતાં ખોટાં કામો કરાવે છે. ઈમાનદારી, વફાદારી કે પ્રમાણિકતા ધીરે ધીરે દેશવટો લઈ રહી છે અને સંપત્તિ એ જ સંસ્કૃતિનો પ્રાણ બનવા લાગ્યો છે. પરિણામે દેશમાં બધી જગાએ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર કહેવાય છે. પરિણામે પ્રજાની ભારે દુર્દશા થઈ રહી છે.