આઝમખાને પચાવી પાડેલી જમીનેા જપ્ત: નવી 26 એફઆઇઆર કરાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જૌહર યુનિવર્સિટીની ૧૧૭૦ કરોડ રૂપિયાની સંપત્તિ સીલ
- ઇનસાઇડ સ્ટોરી
- સિંગનખારે ગામની ૩૪ એકર જમીન આઝમખાને બળજબરી કરીને પચાવી પાડી હતી
ઉત્તરપ્રદેશમાં એક તરફ ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે ત્યારે સમાજવાદી પક્ષના એક સમયના સર્વે સર્વા એવા આઝમખાનની મુસિબતોમાં વધારો થઇ રહ્યો છે.
એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આઝમખાનની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની ૧૧૭૦ કરોડ રૂપિયાની કિંમતની સંપત્તિ સીલ કરી છે. તેમાં યુનિવર્સિટીનું મકાન અને જમીન વગેરેનો સમાવેશ થાય છે. આઝમખાન સામે ડઝનથી વધુ કેસો ચાલે છે.
જૌહર યુનિવર્સિટીની સંપત્તિ પર સીલ મારવાની સાથે સાથે આઝમખાન પર મની લોન્ડરીંગનો અને સરકારી ફંડ ડાયવર્ટ કરવાનો કેસ પણ નોંધાયો છે. રામપુર ખાતેની જૌહર યુનિવર્સિટીની જમીન મૌલાના મોહમ્દ અલી જોહર ટ્રસ્ટના નામે હતી. તેનું સંચાલન આઝમખાન પાસે હતું. યુનિવર્સિટીના ઓનરરી ચાન્સેલર તરીકે પણ આઝમખાન હતા.
સમાજવાદી પક્ષના શાસન વખતે આઝમખાન જે જમીન પર આંગળી મુકતા હતા તે તેમના નામે થઇ જતી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકાર આવ્યા પછી આઝમખાનની પનોતી બેઠી હોય એમ લાગે છે. તેમણે પચાવી પાડેલી સરકારી જમીનો એક પછી એક પાછી લેવાઇ રહી છે.
કેટલાક ગામોમાં આઝમખાનનો ડર જોવા મળતો હતો તેને નિર્મૂલ કરવામાં યોગી સરકારને સફળતા મળી છે. જે પોલીસ તંત્રને આઝમખાન તતડાવતા હતા તે તંત્ર આજે આઝમખાન સામેના જુના કેસોની ફાઇલ ફંફોસી રહ્યું છે.
સમાજવાદી પક્ષના એક નેતાએ પંદરેક દિવસ પહેલાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવશે તો અમે આઝમખાનને ગૃહ પ્રધાન બનાવીશું જોકે આ વાત સાથે સમાજવાદી પક્ષને કોઇ લેવાદેવા નથી એમ કહીને અખિલેશ યાદવે આખી વાત ઉડાવી દીધી હતી.
આઝમ ખાન ફરી સત્તા પર આવશે તે વાત એટલા માટે ઉડાવવામાં આવી હતી કે લધુમતી કોમના વોટ સમાજવાદી પક્ષને મળી શકે. જોકે યોગી સરકારે આઝમખાન સામેના કેસ ઉખેળવાની સિસ્ટમ હિંમતથી ચાલુ રાખી છે.
આઝમખાને પ્રજાના કામો માટે વાપરવાનો પૈસો જૌહર યુનિવર્સિટીના બાંધકામ માટે વાપર્યો હતો. અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની ઉત્તર પ્રદેશની સરકારમાં આઝમખાન કેબિનેટ પ્રધાન હતા. તેમની પાસેે શહેરી વિકાસનું મંત્રાલય હતું.
પોતાની યુનિવર્સિટી માટે પીડબલ્યુડી(PWD) માટેના ટેન્ડરમાં મંગાવાતો માલ સામાનનો ઉપયોગ જૌહર યુનિવર્સિટીના ઉપયોગમાં લેવાતો હતો. ત્યારે આઝમખાનને કોઇ રોકનાર નહોતું. તે સુપર ચિફમિનીસ્ટરની જેમ વર્તતા હતા. એક સમયના આ સુપર સીએમ સામે ઇડીએ રામપુરના અઝીમ નદર પોલીસ સ્ટેશનમાં ૨૬ એફઆઇઆર નોંધી છે.
આઝમખાન સામેની ફરિયાદોમાં કિસાનોની જમીન જૌહર યુનિવર્સિટી માટે બળજબરીથી પડાવી લેવાનો સમાવેશ થાય છે. સિંગનખારે ગામની ૩૪ એકર જમીન આઝમખાને બળજબરી કરીને પચાવી પાડી હતી. હાલમાં આઝમખાન વિવિધ ગુના હેઠળ જેલમાં છે. તેની સામેના નવા કેસોમાં ઉમેરો થતો રહે છે.




