Inside Story

યુપીનો જંગ અખિલેશ જીતશે તો તે વિપક્ષી પીએમ ઉમેદવાર

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ઉત્તરપ્રદેશમાં આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ માટે યાદવ-મુસ્લિમ મતદારો ચિંતાનો વિષય બન્યા છે. સત્તાધારી પક્ષમાં મુખ્યમંત્રી યોગી અને રાજ્યપાલ આનંદી પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે, જે સંઘ માટે પણ માથાનો દુખાવો છે. બીજી તરફ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ AAPના ટેકાથી ચૂંટણી લડવા માંગે છે, જે ભાજપ માટે રાહત સમાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીનો જંગ અખિલેશ જીતશે તો તે વિપક્ષી પીએમ ઉમેદવાર
  • યાદવ-મુસ્લિમ મતદારોથી ભાજપની ઊંધ હરામ
  • ઇનસાઇડ સ્ટોરી

રાજકીય પક્ષો હવે ઉત્તરપ્રદેશ અને પંજાબની ચૂંટણીઓના જંગ માટે તૈયાર થયા છે. પંજાબ કરતા ઉત્તર પ્રદેશનો જંગ મહત્વનો છે કેમકે તે સીધોજ લોકસભાના જંગ સાથે જોડાયેલો છે. લોકસભામાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો છે. હાલમાં ૪૦૪માંથી ૨૨૨ બેઠકો સાથે ભાજપ રાજ્યમાં મજબૂત સ્થિતિમાં છે પરંતુ સમાજવાદી પક્ષને ઓછો આંકી શકાય તેમ નથી. યોગી સરકારે વિકાસના અનેક કામો કર્યા છે પરંતુ રામમંદિરમાં દાનની રકમની ચોરી યોગીના કપાળે કાળી ટીલી સમાન છે.
યોગી સરકારની વ્યૂહ રચના સમાજવાદી પક્ષ માટે સમજવી અઘરી છે પરંતુ સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ માટે ૨૦૨૭નો જંગ ખરાખરીના ખેલ સમાન છે. જોતે યોગીને હરાવી નહીં શકે તો વિપક્ષી ગઠબંધનમાં તેમનો પ્રભાવ ઘટી જવાનો છે. જો તે યોગી સરકારને હરાવીને ઉત્તર પ્રદેશમાં સરકાર રચશે તો સમગ્ર વિપક્ષ માટે લોકસભાનો જંગ જીત્યાનો આનંદ જોવા મળશે.
વિપક્ષનો સૌથી મોટો સાથી તૃણમૂલ કોંગ્રેસ પ.બંગાળમાં હાર્યો તે વિપક્ષની એકતા માટે સૌથી મોટા ફટકા સમાન હતું. રાજકીય ગણત્રીબાજો કહે છે કે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષને ફાવવા નહીં દઇને ભાજપ વિપક્ષી એકતા પર બીજો ફટકો મારવા તૈયાર થઇ રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષને પોતાની જીત એટલા માટે દેખાય છે કે ભાજપમાં ટોચના લોકોમાં કોલ્ડવોર ચાલે છે તે દરેકની નજરમાં આવી ગઇ છે. રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચેના મતભેદો સપાટી પર આવી ચૂક્યા છે. બંને એકજ પક્ષના હોવા છતાં મતભેદો બહાર આવતાં પક્ષના વર્તુળોમાં ટીકા શરૂ થઇ છે. રાજ્યપાલ આનંદી પટેલ મુખ્યપ્રધાન યોગીના મતવિસ્તારની ટીકા કરે ત્યારે તેમની પાછળ કોનું પીઠબળ છે તે શોધવા સંઘ પણ પ્રયાસ કરી રહ્યો છે.
એક તરફ લોકો વડાપ્રધાન પદના ચહેરા તરીકે યોગી આદિત્યનાથના નામ પર મ્હોર લગાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીની લોબી પણ સક્રીય થઇને યોગી સરકારને બદનામ કરી રહી હોવાનું મનાય છે. હિન્દુ અને મુસ્લિમ વોટને અલગ પાડવાની વ્યૂહરચનામાં ભાજપને સફળતા મળી છે પરંતુ યાદવ અને મુસ્લિમ મતદારોે ભાજપની ઊંધ હરામ કરી રહ્યા છે.
સમાજવાદી પક્ષના અખિલેશ યાદવની નવી વ્યૂહ રચના અનુસાર તે આમ આદમી પાર્ટીના ટેકા સાથે ચૂંટણી લડવા માંગે છે. જો એમ થાય તો કોંગ્રેસે એકલા હાથે લડવું પડશે. જે તેના માટે સૌથી મોટી પીછેહઠ સાબિત થશે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂર્વની વ્યૂહરચના દરમ્યાન સમાજવાદી પક્ષના એક નેતાએ જ્યારે એમ કહ્યું કે અમારી સરકાર આવશે તો અમે આઝમખાનને ગૃહપ્રધાન બનાવીશું. જે મુસ્લિમ મતદારોના તુષ્ટીકરણ માટે હતું. અખિલેશે તરતજ તેમના સભ્યોને કહ્યું હતું કે હિન્દુઓમાં ડર ઉભો થાય તેવા એક પણ નિવેદનો કરવા નહીં.
સામે છેડે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચેની કોલ્ડ વોર બંધ કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો મેદાનમાં આવી ગયા હતા અને રાજ્યપાલ આનંદી બેનને મર્યાદામાં રહેવાનો સંકેત આપ્યો છે. ભાજપ માટે ઉત્તરપ્રદેશ કસોટી સમાન છે. ભાજપ ઉત્તરપ્રદેશ જીતશે તો આગામી લોકસભામાં તેમનો વિજય સ્પષ્ટ માનવામાં આવે છે.
સમાજવાદી પક્ષની વ્યૂહરચનામાં જ્યારથી આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે ત્યારથી ભાજપના નેતાઓના ચહેરા પર હાશકારો નજરે પડે છે. કેમકે ઉત્તર પ્રદેશમાં મતદારો પર કોંગ્રેસ કરતાં પણ ઓછી પકડ આમ આદમી પાર્ટીની છે.
ઠીક છે, આ બધી તો શરૂઆતની રાજકીય હીલચાલ છે. ઉત્તર પ્રદેશમાં આગામી ૨૦૨૭ના માર્ચમાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.