- ફડનવીસ સાથે અજીત પવારના કુટુંબને સારો ઘરોબો
- ઇનસાઇડ સ્ટોરી
- અજીત પવારની સ્મશાન યાત્રામાંજ તેમનો વિકલ્પ શોધવા ચર્ચા ચાલતી હતી
અજીત પવારની અચાનક વિદાયથી મહારાષ્ટ્રના રાજકારણમાં સન્નાટો મચી ગયો છે. દિવંગત અજીત પવારના પત્નીને નાયબ મુખ્યપ્રધાન બનાવવા સાથે સર્વ સંમતિ દર્શાવે છે કે દરેક સાચવીને રાજકીય ગેમ રમવા માંગે છે. અજીત પવારને લોકોએ અશ્રુભીની આંખે વિદાય આપી છે. લોકોના દિલમાં આ માણસે મજબૂત જગ્યા બનાવી હતી. તેમની વિદાયે નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં સર્જાયેલો શૂન્યાવકાશ દરેકે અનુભવ્યો છે.
અફવા બજાર ગરમ છે. કોઇ કહે છે કે એનસીપી ફરી શરદ પવારને શરણે જશે તો કોઇ કહે છે કે એનસીપીના સભ્યોને કોંગ્રેસ સમાવી લેવા માંગે છે તો બીજી તરફ ઉધ્ધવ ઠાકરે પણ પડદા પાછળ સક્રિય હોવાનું અનુમાન છે.
અજીત પવારના રાજકીય વારસદાર તરીકે તેમના પત્નીને એનસીપીએ માન્ય રાખતાં ટેમ્પરરી રાજકીય ડખા પર અલ્પવિરામ મુકાઇ ગયું છે. પરંતુ પડદા પાછળના રાજકીય કાવાદાવામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
ભારતના રાજકારણમાં થોડી ઉથલપાથલ પણ નવી તક લઇને આવતી હોય છે. દિવંગત અજીત પરિવારના પત્ની સુનેત્રા શનિવારની સાંજે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાના હતા તે બાબતે શરદપવારને પૂછતાં તેમણે કહ્યું હતું કે મને આ બાબતે કંઇ ખબર નથી તેનો અર્થ એ થયો કે અજીત પવારના કુટુંબજનો શરદ પવારને પૂછીને નિર્ણય કરતા હોય એમ લાગતું નથી. શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂલેએ પણ અજીત પવારના પત્નીના નાયબ મુખ્યપ્રધાન પદે શપથ બાબતે કોઇ કોમેન્ટ કરી નહોતી.
અજીત પવારની રાજકીય પકડ પણ પક્ષ પર હતી. તે દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં એનસીપીની એન્ટ્રી માટે પ્રયાસ કરતા હતા. તેમના પક્ષમાં જુવાનીયા અને અનુભવી લોકો છે પરંતુ અજીત પવારના રાજકીય વારસદાર તરીકે તેમના પત્નીનું નામ ચાલતા દરેક દુર ખસી ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડનવીસ સાથે અજીત પવારના કુટુંબને સારો ઘરોબો હતો. કહે છે કે મહારાષ્ટ્રના પહેલા મહિલા નાયબ મુખ્યપ્રધાન તરીકે મહિલા સુનેત્રાની પસંદગી પાછળ ફડનવીસનો પણ હાથ હોવાનું ચર્ચાય છે.
રાજકારણ પણ કેટલું વિચિત્ર છે. અજીત પવારની સ્મશાન યાત્રામાંજ તેમનો વિકલ્પ શોધવા ચર્ચા ચાલતી હતી. તેમના પત્નીનું નામ પણ શરૂઆતથીજ ચર્ચામાં ટોપ પર હતું. કહે છકે સુનેત્રાના નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેવાથી પવાર ફેમિલી વચ્ચેની ખાઇ વધુ પહોળી થશે.
એનસીપી પાસે સેકન્ડ કેડર તૈયાર નહોતી. પ્રાદેશિક પક્ષોની કમનસીબી એ હોય છે કે પક્ષ વન મેન શોે પર ચાલતો હોય છે. આવા પક્ષો સેકન્ડ કેડર ઉભી થવા દેતા નથી તે પણ હકીકત છે. જોકે અજીત પવારના કિસ્સા પછી દરેક પ્રાદેશિક પક્ષ સેકન્ડ કેડર માટે વિચારતા થઇ ગયા હશે. પ્રાદેશિક પક્ષો પોતાના કટુંબજનોને રાજકીય વારસદાર તરીકે આગળ લાવવા મથતા હોય છે. પરંતુ અન્ય કોઇ ઉત્સાહી કાર્યકરને તક આપતા નથી.
દરેકને આગળ વધવાની મહત્વકાંક્ષા હોય છે પરંતુ કુટુંબવાદમાં રચ્યા પચ્યા રહેલા નેતાઓ કાર્યકરોનો ઉપયોગ ઝિંદાબાદના નારા સિવાયના કોઇ કામમાં કરતો નથી.
મહારાષ્ટ્રનું રાજકારણ ગમે ત્યારે આડું ફંટાઇ શકે છે. મહાયુતિની સરકાર માટે હવેના દિવસો બહુ આસાન નથી એમ કહી શકાય.


