Get The App

ઓપરેશન સિંદુર, ચૂંટણી સુધારા 2025 ભાવિના સંકેત આપતું ગયું

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ઓપરેશન સિંદુર, ચૂંટણી સુધારા 2025 ભાવિના સંકેત આપતું ગયું 1 - image

- ટેરિફના મારને ભારત પચાવી શક્યું

- ઇનસાઇડ સ્ટોરી

- ભાજપ મધ્યમ વર્ગને સૌથી મોટા ટેકેદાર માનતું હતું, હવે તેની નજર શ્રમજીવી વર્ગ પર

૨૦૨૫ના વર્ષમાં રાજકીય તખ્તા પર અનેક પડકારો જોવા મળ્યા હતા. જેમાં ઓપરેશન સિંદુરથી માંડીને ચૂંટણી પંચે કરેલા સુધારા સુધીનો સમાવેશ થાય છે. દેશનું રાજકારણ કઇ દિશામાં જઇ રહ્યું છે તેનો સંકેત ૨૦૨૫ની ઘટનાઓ પરથી  જોઇ શકાય છે. એક વાત ચોક્કસ છે કે કોઇ પણ ઘટનાના તાત્કાલીક કોઇ પ્રતિભાવ ઉભા નથી થતા પણ લાંબા ગાળે તેની અસરો વર્તાય છે. ૨૦૨૫ની રાજકીય ધટનાઓની અસરો હવેના વર્ષોમાં જોવા મળશે.

ઓપરેશન સિંદુર ભારતની સંરક્ષણ તાકાતની એક ઝલક હતી. સરકારે એવો સંકેત આપી દીધો હતો કે સરકાર કોઇની સાડાબારી નથી રાખતી અને દુશ્મન દેશ પર વ્યૂહાત્મક હુમલો કરી શકે છે. ભારતે બતાવી આપ્યું હતું કે તે નવી વ્યૂહ રચના હેઠળ ડ્રોન અને મિસાઇલથી યુધ્ધ લડી શકે છે. નૌકાદળ અને લશ્કર બંને આપણા પરંપરગત હુમલાના પરિબળો હતા પરંતુ ૨૦૨૫માં નવી વ્યૂહરચના હેઠળ ડ્રોન ટેકનોલોજી પાસે વધુ પરિણામલક્ષી કામ લેવાયું હતું. 

ઓપરેશન સિંદુરથી ભારતે બતાવી આપ્યું હતું કે તે વ્યૂહાત્મક વોર લડી પણ શકે છે અને ઝડપભેર સંકેલી પણ શકે છે. ભારતને કેવું નુકશાન થયું છે તેના ગાણા ગાઇને અમેરિકાના પ્રમુખે પાકિસ્તાનને આડકતરો ટેકો આપ્યો હતો પરંતુ ભારતે મૌન રહીને ટ્રમ્પને ખોટા સાબિત કર્યા હતા.

૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો  તૂટયા તે પણ દુનિયો જોયું હતું. માય ફ્રેન્ડ મોદી કહીને મોદીની પીઠ થાબડનારા ડોનાલ્ડ ટ્રમ્પે અમેેરિકાના પ્રમુખ બન્યા પછી તરતજ ભારત પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું હતું. ભારતે ટેરિફના મારને પચાવીને બિઝનેસનો વ્યાપ વધારે કરી બતાવ્યો હતો.

૨૦૨૫ના વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએતો ભાજપે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી નહોતી. તેની અસર રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પર પડવી જોઇએ એમ વિરોધ પક્ષો માનતા હતા, પરંતુ ભાજપ રાજ્યો જીતવાનું ચાલુ રાખ્યું હતું. વિરોધ પક્ષોએ મહારાષ્ટ્ર અને હરિયાણા એમ બે રાજ્યો ગુમાવ્યા હતા. બિહારમાં પણ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.

ચૂંટણી પંચે લીધેલા સુધારણાના પગલાં વિવાદાસ્પદ બનવા સાથે જરૂરી પણ સાબિત થયા હતા. સરકારની રાહત સ્કીમોના પૈસા જરૂરીયાતમંદ લોકોના ખાતામાં સીધા જ જમા કરવાની સિદ્ધિમાં સૈાથી વધુ લાભ મહિલાઓને થયો હતો. રાજ્યો મારફતે મહિલાઓને આપવામાં આવતી રાહતો પણ સરકાર માટે ફળદાયી સાબિત થઇ હતી. આવી રાજ્ય સરકારોની જગ્યાએ નવી સરકાર આવે તો તેને પણ આવી સ્કીમો ચાલુ રાખવી પડે એવી સ્થિતિ ઊભી થઇ છે.

સરકારે ઊભા કરેલા જનધન ખાતાનો ઉપયોગ સરાકરી નાણા સીધા જ ખાતામાં જમા  કરાઇ શકાય તે રાહતની વાત છે પરંતુ તેનો ઉપયોગ સાયબર ક્રિમિનલો પણ કરવા લાગ્યા તે બહુ આઘાતજનક બન્યું હતું. સાયબર ફ્રોડ કરનારા જનધન ખાતાના ગ્રાહકોના ખાતામાં ગેકરાયદે મેળવેલો પૈસાનું ટ્રાન્ઝેકશન કરતા હતા અને ખાતેદારને ભાડું ચૂકવતા હતા.

મધ્યમવર્ગના યુવાનોનું ઉદ્યોગપતિ બનવાનું સપનું સ્ટાર્ટઅપે સાકાર કર્યું હતું. લોકો પાસે રહેલું ઇનોવેશન પોતાની કંપની ઊભી કરીને ઉપયોગમાં લેવાનું અનેકનું સપનું સાકાર થયું હતું.

૨૦૧૪માં ભાજપ મધ્યમ વર્ગને પોતાનો સૌથી મોટો મતદાર માનતું હતું પરંતુ હવે તે શ્રમજીવી વર્ગમાં પણ પોતાની મજબૂતાઇ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે.