Get The App

બિહારમાં ગૃહ ખાતું ભાજપ પાસે યોગી સરકારવાળી થવાની ધારણા

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં ગૃહ ખાતું ભાજપ પાસે યોગી સરકારવાળી થવાની ધારણા 1 - image

- સમ્રાટ ચૌધરી બિહારીની ગુંડાગીરીની ઇમેજ બદલી શકે છે

- ઇનસાઇડ સ્ટોરી

- નિતીશ 10 વાર મુખ્યપ્રધાન બન્યા છે પરંતુ બિહારની ગુંડાગીરીની કરોડરજ્જુ તોડી શક્યા નહોતા 

બિહારમાં સરકાર રચાઇ ગઇ છે. ખાતાઓની ફાળવણીમાં શાંતિથી પુરી થઇ ગઇ છે. ભાજપ જે ગૃહ ખાતું મેળવવા પ્રયાસ કરતું હતું તે તેને મળી ગયું છે. ગૃહપ્રધાન તરિકે સમ્રાટ ચૌધરી બિહારની આંતરીક સલામતી, કાયદાનું અલીકરણ વગેરે પર તો ધ્યાન આપશેજ પરંતુ લાલુ પરિવારના રાજમાં પ્રસરેલા ગુંડારાજને ખતમ કરવા પ્રયાસ કરશે.

પહેલાં પણ ભાજપ કડક  બની શકત પરંતુ ગૃહખાતું તેની પાસે નહોતું અને તે સ્વતંત્ર નિર્ણય લઇ શકતું નહોતું. ઉત્તર પ્રદેશમાં જે રીતે યોગી સરકારે ફફડાટ ફેલાવ્યો છે તેવુંજ ભાજપ બિહારમાં કરવા ઇચ્છે છે. લોકસભાની ૪૦ બેઠકો પર ભાજપ નજર રાખીને બેઠું છે. બિહારમાં મળેલી ભવ્ય જીતને ભાજપ વટાવવા માંગે છે અને પોતાની લોકસભાની  સ્થિતિ પર નજર રાખીને આગળ વધશે એમ મનાય છે.

બિહારમાં લાલુપ્રસાદ યાદવની ગેંગે ઉભો કરેલો દાદાગીરીનો ટ્રેક ભાજપ હવે તોડી શકે છે કેમકે હવે તેની પાસે ગૃહ ખાતાનો હવાલો આવ્યો છે. ગુંડાગીરીની કમર જે રીતે ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે તોડી છે એવુંજ હવે બિહારમાં કરાશે. બિહારમાં મહિલા મતદારો નવી સરકાર પર ઓળધોળ છે. તેમને સલામતી જોઇએ છે. લાલુપ્રસાદ યાદવના કાળથી ચાલી આવતી ગુંડાગીરી અને ખંડણી ઉઘરાવતી ટોળકી નિતીશના શાસનમાં પણ કામ કરતી હતી.

પોલીસ અધિકારીઓની બદલી ભાજપના હાથમાં નહોતી અને નિતીશના કેટલાક સાથીઓ લાલુ ફેમિલી પર સોફ્ટ કોર્નર રાખીને ચાલતા હતા. પરંતુ હવે બાજી પલટાઇ છે. લાલુપ્રસાદનું કુટુંબ પણ જાણે છે કે હવે કોઇ કંપની પાસેથી ખંડણી નહીં ઉઘરાવાય કે ગુંડાગીરી નહીં કરાય. બિહારની ચૂંટણીઓનું સૌથી મોટુ આશ્ચર્ય એ હતું કે જીતવાની સખત્ત રસાકસી હોવા છતાં કોઇ ચૂંટણી હિંસાચાર જોવા મળ્યો નહોતો. બિહારની તાસીર એવી હતી કે  ચૂંટણી બૂથ કબજે કરવું, સ્થાનિક અધિકારીઓને મારીને ડર ફેલાવવો વગેરે આ વખતે અદ્રશ્ય થઇ ગયું હતું. ચૂંટણી પંચ માટે પડકારજનક ચૂંટણી હતી કેમકે કોંગ્રેસે મતદાર યાદીને પડકારી હતી અને જાહેરમાં તેની ગેરરીતિહોવાનો આક્ષેપ કર્યો હતો. 

ચૂંટણી પંચ ભાજપ સાથે મળી ગયું હોવાનો આક્ષેપ કરીને વિરોધ પક્ષોએ વિશ્વાસનું વાતાવરણ ડહોળી નાખવા પ્રયાસ કર્યો હતો. ચૂંટણી પંચે દરેક આક્ષેપનો જવાબ આપીને પડકાર ઉપાડી લીધો હતો. બિહારના બીજા મહત્વના નાણા ખાતાનો પોર્ટફોલીયો જેડી(યુ) પાસે રહ્યો છે. સમ્રાટ ચૌધરી પાસે મહત્વની જવાબદારી આવી છે. ભાજપ ગુંડાગીરીના નેટવર્કનો સફાયો કરવા માંગે છે તે તક તેમને મળી છે. બિહારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હવે ભાજપના માથે છે. ભૂતકાળમાં નિતીશ કુમાર વિવિધ જોડાણો સાથે મુખ્ય પ્રધાન બન્યા હતા. માટે કેટલાક કડક  નિર્ણયો લઇ શકતા નહોતા. તે પણ બિહારની ગુંડાગીરી ઇમેજ બદલવા માંગતા હતા પરંતુ કડક પગલાં લઇ શકતા નહોતા.

નિતીશ ૧૦ વાર મુખ્યપ્રધાન બન્યા છે પરંતુ બિહારની ગુંડાગીરીની કરોડરજ્જુ તોડી શક્યા નહોતા. ભાજપ પાસે ગુંડાઓનું નેટવર્ક તોડવાની  માસ્ટર કી હોય એમ લાગે છે. ઉત્તરપ્રદેશમાં ભાજપની યોગી સરકારે ગુંડાઓને હાંકી કાઢવા જે કડક પગલાં ભર્યા હતા તે બિહારની સરકારે ભર્યા નહોતા. કહે છે કે નિતીશકુમાર કડક પગલાં ભરવા માટે કૂણા પડતા હતા. ગૃહ ખાતું હાથમાં આવતા સમ્રાટ ચૌધરી બિહારીની ગુંડાગીરીની ઇમેજ બદલી શકે છે.