- બિહારને જંગલરાજ તો બંગાળ મહા જંગલરાજ
- ઇનસાઇડ સ્ટોરી
- બિહાર જીત્યા પછી ભાજપ વધુ આત્મ- વિશ્વાસ સાથે બંગાળની ધરતી પર ઉતરી શકે છે
બિહારનો રાજકીય તખ્તો હવે પશ્ચિમ બંગાળમાં ગોઠવાયો છે. બિહારની ચૂંટણી જેમ યુદ્ધની જેમ લડાઇ હતી એમ પ.બંગાળમાં પણ થવાનું છે. બિહાર અને પ.બંગાળનાં રાજકીય સમીકરણોમાં થોડો ફર્ક છે. બિહારમાં ભાજપ અને જનતા દળ (યુ)ની સામે વિપક્ષનું ગઠબંધન મેદાનમાં હતું અને નવા પક્ષ તરીકે પ્રશાંત કિશોર પણ મેદાનમાં હતા, જ્યારે પ.બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ એમ બે જણ સામસામે હશે. વિપક્ષી ગઠબંધન અહીં જોવા મળી શકે એમ નથી. તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડે તો પણ મમતા બેનરજી કોંગ્રેસને બહુ બેઠકો નહીં આપે, તે તો ઠીક, પણ મમતાનો પ્રભાવ બહુ મજબૂત રહેવાનો છે.
મમતાની ચૂંટણી વ્યૂહરચના ભાજપ કરતાં વધુ નક્કર હોય છે. ગઇ વિધાનસભાની ચૂંટણીમાં મમતાએ એકલા હાથે ભાજપને હંફાવ્યું હતું. જોકે છેલ્લી વિધાનસભામાં ભાજપે ૭૭ બેઠકો મેળવીને ચમત્કાર બતાવ્યો હતો. લોકસભામાં પણ ભાજપે ૧૨ બેઠકો જીતી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપનું જોર ભલે ના હોય, પણ દરેક જીલ્લામાં તેની હાજરી છે અને લોકસભામાં પણ તેને ૧૨ બેઠકો મળી હતી. છેલ્લા કેટલાક સમયથી મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની દુશ્માનવટ વધી છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોનેા મુદ્દો મમતા બેનરજીને ગૂંગળાવી શકે છે. મમતા પર સીધો આક્ષેપ છે કે તે ઘૂસણખોરોની આળપંપાળ મત માટે કરે છે જોકે આ વખતે ચૂંટણી પંચે સર મારફતે હજારો મતદારોનું કાટલું કાઢી નાખ્યું છે તો બીજી તરફ બાંગ્લાદેશમાં અરાજકતા ચાલે છે તેની નેગટીવ અસર મમતાની લોકપ્રિયતા પર પડી શકે છે. ગયા અઠવાડીયે વડાપ્રધાન મોદીએ પ.બંગાળના નાદીયા જીલ્લાના તેહરપુર ખાતેના સંબોધનમાં કહ્યું હતું કે પ.બંગાળમાં મહા જંગલરાજ ચાલે છે. બિહારને જંગલરાજ કહેવાતું હતું, તો બંગાળ પર વડાપ્રધાને મહા જંગલરાજનું લેબલ માર્યું છે. મોદીએ હાજર મેદનીને સંબોધીને કહ્યું હતું કે પ.બંગાળમાં ડબલ એન્જીનની સરકાર ચૂંટશો તો રાજ્યને વિકાસના અનેક લાભ મળશે. મમતા સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને લોકો ત્રસ્ત છે એમ કહીને તેમણે ચૂંટણી સભાને સંબોધતા હોય એવું વાતાવરણ ઊભું કરીને ચૂંટણીનું રણશિંગૂ ફૂંક્યું હતું.
મમતા સરકાર પર આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે સગાવાદમાં રાચતી રાજ્ય સરકારે બાંગ્લાદેશના ઘૂસણખોેરોને હાંકી કાઢવા કોઇ પગલાં નથી ભર્યાં, જ્યારે અમારી સરકારે ઘૂસણખોરો સામે કડક પગલાં ભર્યા છે. મમતા બેનરજીએ બહારના નાગરિકોને રાજ્યમાંથી દૂર કરવાના ચૂંટણી પંચના સર કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાહુ-કેતુ જેવું છે. બંને સામસામે સતત બાખડતા રહ્યા છે. બિહાર જીત્યા પછી ભાજપ વધુ આત્મવિશ્વાસ સાથે બંગાળની ધરતી પર ઉતરી શકે છે.
મેસીના પ્રેાગ્રામનો ફિયાસ્કો મમતા બેનરજી પર કલંક સમાન છે. બહુ મોટા પાયે તોડફોડ થઇ હતી. આ ફિયાસ્કાની સામે ભાજપ અને ડાબેરી પક્ષો એમ બંને મમતાના વહિવટ પર આક્ષેપો કરી રહ્યા છે. મુખ્યપ્રધાને લીધેલાં પગલાંને નાટકબાજી પણ કહ્યું છે. ૨૦૧૧માં જ્યારે મમતા બેનરજીએ મુખ્યપ્રધાન પદનો હવાલો સંભાળ્યો ત્યારબાદ પહેલીવાર તેઓ ગઇ ૧૩ ડિસેમ્બરે પોતાના કાલીધાટ નિવાસે જઇ શક્યા નહોતાં અને પરત ફરવું પડયું હતું, કેમ કે સુપરસ્ટાર મેસીના ઇવેન્ટમાં થયેલાં તોફાનો વધુ ભડક્યા હતાં. પહેલી વાર મમતાએ સરકારની ભૂલ સ્વીકારી હતી અને ઇન્કવાયરી નીમી હતી. મમતા ચેલેન્જ ઉપાડનાર 'ખેલા હોબે' ફેઇમ રાજકારણી છે.


