- રોજગારી સાથે લોકોની સંવેદના જોડાયેલી છે
- ઇનસાઇડ સ્ટોરી
- તેજસ્વીના મેસેજ ફરે છે કે કામ મળશે, રોજગાર મળશે,નવી નીતિ ઘડાશે, યુથ કમિશન તૈયાર થશે
કોણ જાણે કેમ પણ દરેક રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં રોજગારીનો મુદ્દો ઉછળે છે, પ્રજાને ખોટા વચનો અપાય છે અને ચુંટણી પરિણામો પછી બધું ભૂલી જવાય છે. ફરી ચૂંટણી આવે એટલે જુના પ્રચારની ફાઇલ પરની ધૂળ ખંખેરાય છે તેમાં રોજગારીના આંકડામાં ફેરફાર કરીને તેને લોકો સમક્ષ મુકીને રજૂઆત કરાય છે.
બિહારની ચૂંટણીમાં આવોજ ધંધોે ચાલી રહ્યો છે. નિતીશ કુમારને હરાવવા મથતા રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસનું ગઠબંધન પ્રચારમાં એમ કહે છેકે અમને સત્તા પર લાવશો તો બિહારના કોઇને પણ રાજ્ય બહાર જોબ માટે નહીં જવું પડે. બિહારમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ છે. તેની પાછળ બિહારનું રાજકારણ જવાબદાર છે.
વર્તમાનમાં બિહારના ચૂંટણી જંગમાં રોજગારીનો મુદ્દો બહુ ઉછળ્યો છે. વર્તમાન એનડીએ સરકાર અને વિપક્ષ બંને બેરોજગારીના મુદ્દાને નિચોવીને મતદારોને આકર્ષી રહ્યા છે. હકીકત એ છે કે બેરોજગારીના મુદ્દે દરેક પક્ષ જવાબદાર છે. બિહારના લોકો વતન છોડીને અન્ય રાજ્યોમાં જઇ રહ્યા છે. બિહારમાં કોઇ મોટા ઉદ્યોગો નથી કે જે રોજગારી ઉભી કરી શકે.
રાજકીય પક્ષોએ બિહારને જંગલ રાજ બનવા દીધું છે. ગુંડાગીરી રાજ્યની ઓળખ બની ગઇ છે. નિતીશ સરકારની કોઇ ધાક ગુંડાગીરી કરનારા પર હોય તેમ લાગતું નથી.
ચૂંટણી આવતાંજ નિતીશ કુમાર એવો દાવો કરે છે કે અમારી સરકારે ૧૨ લાખ સરકારી જોબ આપી છે અને હવે ફરી સત્તાપર આવીશ એટલે ેએક કરોડ લોકોને જોબ આપીશું. પ્રજા બિચારી એક કરોડનો આંકડો જોઇનેજ અચંબામાં પડી જાય છે.
નિતીશ અને લાલુપ્રસાદનો પુત્ર બંને જાણે છે કે બિહારના લોકોને રોજગારીના મુદ્દે છેતરી શકાય છે. કેમકે દરેક ગામના લોકો રોજગારી અર્થે અન્ય રાજ્યોમાં શિફ્ટ થયા છે.
વિપક્ષ ગઠબંધનના ચૂંટણીપ્રચારમાં સૌથી વધુ ભીડ તેજસ્વી યાદવની સભામાં થાય છે. તેજસ્વી દરેક જાહેર સભામાં કહે છે કે અમને ૨૦ મહિના માટે સત્તાપર બેસવા દો અમે એનડીએ સરકાર ૨૦ વર્ષમાં જે કામ નહીં કરી શકે તે અમે કરી બતાવીશ. બિહારમાં સોશ્યલ નેટવર્ક પર તેજસ્વીની આ વાતનો પ્રચાર થઇ રહ્યો છે.
તેજસ્વી કહે છે કે ભાજપ જુઠ્ઠાણાની ફેક્ટરી છે તો સામે છેડે એનડીએ લાલુપ્રસાદ યાદવના ભ્રષ્ટાચારની વાત લોકો સમક્ષ મુકે છે.
આ વખતે બિહારના ચૂંટણી જંગમાં બેરોજગારીનો મુદ્દો બહુ ચગ્યો છે દરેક પક્ષ રોજગારીની વાતો કરે છે. વિપક્ષે તેના પ્રચારમાં બિહારના યુવાનોને વધુ ટાર્ગેટ કર્યા છે. બિહારમાં રોજગારી એ કોઇ આંકડાનો પ્રશ્ન નથી પણ લોકોની સંવેદના તેની સાથે જોડાયેલી હોઇ દરેક પક્ષ આ સંવેદનાને વટાવવાની કોશિશ કરે છે.
બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમારે રોજગારી વધારવા અનેક પગલાં લીધા છે પરંતુ તેની અસર ફ્લોર પર દેખાતી નથી. વિપક્ષ નિતીશની જાહોરાતોને ચૂંટણીલક્ષી કહીને લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરે છે. વિપક્ષનો મારેા સોશ્યલ નેટવર્ક પર છે. તેજસ્વીના મેસેજ ફરે છે કે કામ મળશે, રોજગાર મળશે,વિકાસ થશે, નવી નીતિ ઘડાશે, યુથ કમિશન તૈયાર થશે.
તેજસ્વીએ છેલ્લી સભામાં કહ્યું હતું કે રાષ્ટ્રીય જનતાદળ અને કોંગ્રેસનું શાસન આવશે તો કોઇ બિહારીએ રાજ્યની બહાર રોજગારી માટે જવું નહીં પડે.


