- બેંગલુરૂના ખાડા વાળા રોડનો વિવાદ
- ઇનસાઇડ સ્ટોરી
- સત્તાધારી પક્ષના લોકો કેવા અભિમાની હોય છે તે કર્ણાટકના કિસ્સા પરથી દેખાય છે
રાજકારણીઓ બહુ અભિમાની હોય છે. રાજાશાહીના જમાનાની યાદ આ લોકો તાજી કરાવે છે. પડકારનારા લોકો તેમને ગમતા નથી. કર્ણાટકના કોંગી શાસકો અને બેંગલુરૂનું ગૌરવ દુનિયામાં રોશન કરતી કંપનીઓના માલિકો વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. ક્યારેક વિપ્રો સાથે વિવાદ થાય છે તો ક્યારેક બાયોકેમના કિરણ મજમૂદાર શોની સાથે તૂં-તા થતી જોવા મળે છે. સામાન્ય રીતે કોર્પોરેટ કંપનીઓના માલિકો અને રાજ્યના રાજકારણીઓ વચ્ચે ભાગ્યેજ વિવાદો જોવા મળે છે.
અનેક રાજ્યોમાં આ બંને પક્ષો એક થાળીમાં જમતા હોય એવા સંબધો ધરાવે છે. પરંતુ બેંગલુરૂ હવે ભારતની સિલિકોન વેલી બની ગઇ છે ત્યારે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ કક્ષાના હોવા જોઇએ અને વિદેશથી આવતા લોકો અહીં રોકાણ કરે તેવી ચોખ્ખાઇ તેમજ ખાડા ખૈયા વાળા માર્ગોનું પણ ત્વરીત સમારકામ થવું જોઇએ તેવી ટીકા બાયોકેમના કિરણ મજમૂદારે સોશ્યલ નેટવર્ક પર કરીને લોકો વતી પોતાનો પ્રતિભાવ આપ્યો ત્યારે મામલો બિચક્યો હતો.
કિરણ મજમૂદારે જ્યારે કર્ર્ણાટકની કોંગી સરકારની ટીકી કરી ત્યારે તેના જવાબમાં સરકારે લખ્યું કે કામ ચાલુ છે અને અમેે ખાડા પુરવા ૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કર્ણાટકની સરકારને હતું કે કિરણ મજમૂદાર શો હવે સરકારીની ટીકા નહીં કરે પરંતુ કિરણ મજમૂદારે ટીકા ચાલુ રાખી હતી. એક તબક્કે તેેમણે એમ કહ્યું કે હું ધારૃં તો હાલ રોડ રીપેર કરાવી દઉં પરંતુ આ કામ સરકારનું છે.
આ વાત સાંભળીને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.શિવકુમારે કહ્યું કે જોતે રોડ રીપેર કરવા માંગે તો અમને કહે અમે તેમને રોડ સોંપી દઇશું. વોક ફોર બેંગલુરૂ નામના કાર્યક્રમમમાં નાયબ મુખ્ય પ્રધાન શિવકુમારે જાહેરમાં કિરણ મજમૂદાર શોનો ઉલ્લેખ કર્યો હતો. બેંગલુરૂની પ્રગતિ મોટી કંપનીઓના કારણે છે.શિવકુમાર કહે છે કે બેંગલુર શહેરની આવક ૬૦૦૦ કરોડની છે. તે પૈકી સૌથી વધુ ટેક્ષ ભરતા વિસ્તારની આવક ૧૬૦૦ કરોડ રૂપિયાની છે.
આ વિસ્તારના વિકાસ માટે અમને ૫૦ કરોડ ફાળવાયા છે. જો કોઇ કામ ના કરે કે લાંચ માંગે તો ફરિયાદ કરો અમે તેને સસ્પેન્ડ કરી દઇશું જેવી રાજકીય વાતો કરીને છેલ્લે તેમણે કંપનીના માલિકોને રાજ્યની ટીકા કરવાનું છોડવાનું કહ્યું હતું.
ગયા મહિને કર્ણાટકના મુખ્ય પ્રધાનને રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા વિપ્રોના ચેરમેનને લખ્યું હતું કે તમારી કંપનીમાંથી રસ્તો આપો તો માર્ગ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરી શકાય. વિપ્રોના ચેરમેને કડક લખ્યું કે આમારી કંપની પ્રાઇવેટ છે. રીસર્ચ સેન્ટરમાંથી માર્ગ આપવાની માંગ વાહિયાત છે. કિરણ મજમૂદારની બિઝનેસ ક્ષેત્રે પ્રતિષ્ઠા હોવાની સાથે તે લોકોની સમસ્યાનો ઉલ્લેખ પણ સોશ્યલ નેટવર્ક પર કરતા હોય છે. તે સતત લખતા હોય છેકે બેંગલુરૂના રોડ ખરાબ છે, જાહેરમાં કચરાના ઢગલા પડેલા છે. વિદેશથી આવતા લોકોમાં શહેરની આબરૂ જાય છે. જેવું શિવકુમાર બોલ્યા એવુંજ અન્ય એક પ્રધાન પ્રિયંાક ખડગે બોલ્યાકે લાગે છેકે વિદેશના લોકોએ બેંગલુરૂના ખાડા વાળા રોડજ જોયા છે.
જોકે આ પ્રધાનોના નિવેદનો વચ્ચે બેંગલુરના લોકો સોશ્યલ નેટવર્ક પર સરકારનો વિરોધ કરવા તૂટી પડયા હતાકે બેંગલુરૂમાં ખૂબ ગંદકી છે. લોકો પોતાની વિસ્તીરના ફોટા સાથે સમસ્યા મુકતા હતા.
સત્તાધારી પક્ષના ટોચ પર બેઠેલા લોકો કેવા અભિમાની હોય છે તે કર્ણાટકના કિસ્સા પરથી દેખાય છે. વિશ્વની નામાંકીત કંપનીઓમાં વિપ્રો અને બાયોકેમ આવે છે. તેમની સાથે હાથ મિલાવીને કામ કરી શકાય છે તેના બદલે કર્ણાટકની સરકાર તેમની સાથે સંધર્ષમાં ઉતરી છે.


