- ભાજપે કાર્યકરોમાં આત્મવિશ્વાસ ઉભો કર્યો છે
- ઇનસાઇડ સ્ટોરી
- ભાજપની ચૂંટણી વ્યૂહ રચના સામાવાળા રાજકીય વિપક્ષને થકવી નાખવાની હોય છે
મહારાષ્ટ્ર અને મંુંબઇ નગરપાલીકાઓના જંગમાં વિપક્ષના સૂપડાં સાફ કરનાર ભારતીય જનતા પક્ષ માટે હવે પ.બંગાળ અને તમિળનાડુમાં પરસેવો પાડવાનો છે. તમિળનાડુ અને બંગાળમાં ભાજપે પ્રાદેશિક પક્ષોનો સામનો કરવાનો છે. પ્રાદેશિક પક્ષોની પાસે સ્થાનિક લોકોના સંગઠનની તાકાત છે પરંતુ સામે છેડે ભાજપે પ્રાદેશિક એવા શિવસેનાને પરાસ્ત કરીને કાર્યકરોમાં આત્મવિશ્વાસ ઉભો કર્યો છે.
જે રીતે ભાજપ ઉપરા છાપરી વિજય મેળવી રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે તે વ્યૂહ રચના સાથે આગળ વધે છે. મુંબઇ પાલીકાનો જંગ જીતવા ભાજપે તનતોડ પ્રયાસો કર્યા હતા અને અનેક જાહેર સભાઓ કરી હતી તેની સામે વિરોધ પક્ષોએ માંડ બે ચાર જાહેર સભાઓ કરીને મતદારોને મળવાનું છોડી દીધું હતું.
પ.બંગાળમાં મમતા બેનરજી સામે એન્ટી ઇન્કમબન્સીનું મોજું ફરી વળશે એમ લાગે છે જ્યારે તમિળનાડુમાં અભિનેતા વિજયનો નવો રાજકીય પક્ષ સત્તાધારી ડીએમકેનો પડકારી શકે છે અને તેના વોટ તોડી શકે છે. કહે છે કે તમિળનાડુમાં ભાજપ ડીએમકેને હરાવીને સત્તા ભલે વિજય પાસે આવે પરંતુ તેને રસ ડીએમકેની સરકારને હટાવવાનો છે.
ભાજપની ચૂંટણી વ્યૂહ રચના સામા વાળા રાજકીય વિપક્ષને થકવી નાખવાની હોય છે. તમિળનાડુમાં ભાજપની એન્ટ્રી દિવંગત જયલલિથાના કાળથી હતી પરંતુ ડીએમકે અને અન્ના ડીએમકે વચ્ચેના મતભેદોએ દ્રવિડ રાજકારણ સામે અનેક પડકારો ઉભા થયેલા છે. સત્તાધારી ડીએમકે પક્ષ બહુ બોલતો પક્ષ છે જ્યારે અન્ના ડીએમકેના નેતાઓ ઓછું બોલીને વધુ કામ કરી રહ્યા છે.
સત્તાધારી પક્ષ ડીએમકે સામે આત્મવિશ્વાસથી ભરેલો ભાજપ છે અને એન્ટી ઇન્કમબન્સી વેવનો સામનો કરવાનો છે. આ બંને મુદ્દા બહુ જોખમી છે તેનો સામનો કરવો પણ અધરો છે.
ભાજપ હિન્દુવાદના મુદ્દા પર આગળ વધે છે જ્યારે ડીએમકે હિન્દુ વિરોધી તેમજ હિન્દુ વિધીના વિરોધ સાથે આગળ વધવામાં માને છે. તમિળનાડુના મુખ્યપ્રધાન અને તેમનો પુત્ર જાહેરમાં હિન્દુ વિધિનો વિરોધ કરતા આવ્યા છે. કેટલાક મુદ્દા તમિળનાડુુની સરકારે એવી રીતે ઉછાળ્યા હતા કે તેમાં હિન્દુ મતદાર તેમનાથી દુર રહેતો થઇ ગયો હતો.
હવે જ્યારે ભાજપ દરેક હિન્દુને એક રહેવાની હાકલ કરીને મતદાન કરવા કહે છે ત્યારે ભાજપ માટે પોઝિટીવ સ્થિતિ ઉભી થાય છે. ભાજપે છેલ્લા એક વર્ષમાં જીતેલી નાની મોટી ચૂંટણીઓ પાછળ હિન્દુ મતદારોમાં ઉભી થયેલી એકતા નજરે પડે છે.
છેલ્લે બિહારમાં ભાજપને મળેલી જીતમાં તેના સાથી પક્ષ તરીકે પ્રાદશિક પક્ષ જનતાદળ (યુ) હતો જ્યારે તમિળનાડુમાં ભાજપને એકલા હાથે પ્રાદેશિક પક્ષ ડીએમકેને સીધી ફાઇટ આપવાની છે.
ભારતના રાજકારણમાં બદલાવ આવી રહ્યો છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ પૈકી કોંગ્રેસ હવે દરેક રાજ્યમાં પ્રદાશિક પક્ષોના સહારે છે જ્યારે ભાજપ પ્રાદેશિક પક્ષોને હંફાવી રહ્યું છે. જેમકે દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બિહારમાં આરજેડી, મહારાષ્ટ્રમાં શિવસેનાને હરાવીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.
તમિળનાડુએ તાજેતરમાં દરેક કુટુંબની મુખ્ય મહિલાને દર મહિને ૨૦૦ રૂપિયા આપવાનું તેમજ પુરૂષો માટે પણ મફત બસ પ્રવાસની જાહેરાત કરી હતી. મહિલાઓ માટે ફ્રી બસની સ્કીમ પણ ચાલુ રહેશે.
ટૂંકમાં બંને પક્ષે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


