Get The App

બિહારઃ બેઠકોની ફાળવણી વિપક્ષ માટે અગ્નિ પરીક્ષા..

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
બિહારઃ બેઠકોની ફાળવણી વિપક્ષ માટે અગ્નિ પરીક્ષા.. 1 - image

- તેજસ્વી યાદવ 243 બેઠકો પર લડવા માંગે છે

- ઇનસાઇડ સ્ટોરી

- રાહુલ ગાંધીની હાજરીમાં મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ ઝિંદાબાદના નારા જોવા મળી રહ્યા છે

જ્યારથી તેજસ્વી યાદવે પોતાનું નામ બિહારના મુખ્યપ્રધાનની રેસમાં તરતું મુક્યું છે ત્યારથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ છે. રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યૂ લેનારા પત્રકારોને સૂચના આપવામાં આવે છે કે  બિહારના ભાવિ મુખ્યપ્રધાન અંગે કે તે બાબતના કોઇ પ્રશ્નો પૂછવા નહીં.  રાહુલ ગાંધી તેમની નિખાલસ ટેવના કારણે  ત્વરીત જવાબ આપવાની ભૂલનો ભોગ બન્યા છે. ચૂંટણી પછી મુખ્યપ્રધાન પદની ચર્ચા કરાશે એમ કહીને તેમણે તેજસ્વી યાદવની મહત્વકાંક્ષા પર ફટકો માર્યો હતો.

તેજસ્વી યાદવ કોંગ્રેસ પાસે એવી ખાત્રી માંગવા ઇચ્છે છે કે મહાગઠબંધનમાં આરજેડી મુખ્યપક્ષ છે જ્યારે કોંગ્રેસ નંબર ટુ છે. એટલેકે મુખ્યપ્રધાન આરજેડીના તેજસ્વી યાદવ હશે. 

રાહુલ ગાંધીની હાજરીમાં અને તેમના સંબોધન વખતે મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ ઝિંદાબાદના નારા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી આવા સૂત્રોચ્ચારો પસંદ નથી કરતા તેનો એ અર્થ એ થયો કે તે તેજસ્વીને મુખ્ય પ્રધાન બનતા અટકાવશે. રાજકારણમાં નાની નાની વાતો બહુ મોટો ભડકો કરી શકે છે. પોતે બહુ મુત્સદ્દી છે એમ સમજીને રાહુલ ગાંધી વારંવાર મુખ્ય પ્રધાન પદના ઉમેદવારનો મુદ્દો ઉડાવી દેતા હતા. 

જોકે હવે છેલ્લે તેજસ્વી યાદવો કોંગ્રેસ પર પ્રેશર ઊભું કરવા એવી જાહેરાત કરી છે કે અમે બિહારની તમામ ૨૪૩ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખીશું. જો આવું થાય તો કોંગ્રેસ સાથેનું ચૂંટણી જાડણ તૂટી જાય. કોંગ્રેસ ગમે તે કહે પણ બિહારમાં તેનું જોર રાષ્ટ્રીય જનતાદળ સાથેના જોડાણના કારણે છે.

 જેને મહાગઠબંધન કહે છે તે વિપક્ષોના સમુહ કહે છે તેમાં હજુ બેઠકોના ફાળવણી થઇ નથી. કોંગ્રેસ વધુ બેઠકોની માંગણી કરે તે પહેલાંજ તેજ્સવી યાદવે પાણી વહી જાય તે પહેલાંજ પાળ બાંધી દીધી છે અને  જાહેરાત કરી છે કે બિહારની તમામ ૨૪૩ બેઠકો પર રાષ્ટ્રીય જનતાદળ ઉમેદવારો ઉભા રાખશે. મુઝફરનગર ખાતે ગયા શનિવારે એક રેલીને કરેલા સંબોધનમાં તેજસ્વી યાદવે ૨૪૩ બેઠકો પર લડવાની વાત કહીને કોંગ્રેસની ઉંધ હરામ કરી નાખી છે.

જો ગઠબંધનના તમામ સાથીઓ બેઠકો માંગશે તો તેજસ્વી યાદવ પાસે શું આવે?

બેઠકોની ફાળવણીના મુદ્દે કોંગ્રેસે કહ્યું છે કે તેજસ્વી યાદવના પક્ષે બેઠકોના ફાળવણીના મુદ્દે થોડી છૂટછાટ આપવી પડશે. હવે જ્યારે વિપક્ષના જોડાણમાં અન્ય પક્ષો જોડાઇ રહ્યા છે ત્યારે દરેકને સંતોષ આપવો પડશે એમ કહી કોંગ્રેસ દરેકને બેઠકો ફળવાય તેમ ઇચ્છે છે. કોંગ્રેસ દરેક પક્ષને લાભ મળે એમ ઇચ્છે છે પરંતુ તેજસ્વી યાદવના પેટમાં ફાળ પડી છે. જો દરેકને બેઠકો મળે તો પોતાના પક્ષનું બિહારમાં વર્ચસ ઘટી જાય એમ છે.

તેજસ્વી યાદવે સમય જોઇને સોગઠી મારી છે. ૨૦૨૨માં વિધાનસભાના જંગમાં વિપક્ષના ગઠબંધનમાં બેઠોકોની ફાળવણી પર નજર કરીએે તો ત્યારે તેજસ્વીના રાષ્ટ્રીય જનતા દળે ૧૪૪ બેઠકો પર એ ચૂંટણી લડી હતી અને ૭૫ બેઠકો જીતીને સીંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હતી. જ્યારે કોંગ્રેસને ફાળવેલી ૭૦માંથી તે માત્ર ૧૯ બેઠકો જીતી શકી હતી.

કોંગ્રેસે ૨૦૨૦માં ૧૯  બેઠકો જીતી હોવા છતાં આ વખતે અડધો અડધ બેઠકો માંગે છે. રાષ્ટ્રીય જનતાદળ વગર કોંગ્રેસ બિહારમાં શેકેલો પાપડ પણ તોડી શકે એમ નથી. ખરેખર બિહારનો જંગ રસપ્રદ બની રહ્યો છે.