- ઇનસાઇડ સ્ટોરી
- 6 કે 9 જાન્યુઆરીએ શિવકુમાર શપથ
- ગૃહપ્રધાન જી. પરમેશ્વરાને સીએમ બનાવવામાં આવે તેા ભાજપ ટેકો આપવા તૈયાર
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં બધુ સમું સૂતરૂં ચાલે છે એમ માનવાની ભૂલ કોંગ્રેસ મોવડીમંડળે ના કરવી જોઇએ. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને સવારનો નાસ્તો એક સાથે બેસીને કરીને સમાધાન થયું હોવાના સંકેત આપ્યા હતા પરંતુ આ વાત ઠગારી નીવડી હતી. કર્ણાટકમાં મુખ્ય પ્રધાન પદ માટેનો ડખો જૈસે-થેની સ્થિતિમાં છે. કર્ણાટક કોંગ્રેસ પણ આ મુદ્દે બે ભાગમાં વહેંચાયેલી છે. મોટાભાગના કોંગીજનો કહે છે કે મુખ્ય પ્રધાન સિધ્ધારમૈયાએ ખુરશી પર ચીટકી રહેવાના બદલે પ્રોમીસ પ્રમાણે નાયબ મુખ્યપ્રધાન શિવકુમારને ચાન્સ આપીને પોઝિટીવ સ્પીરીટ બતાવવાની જરૂર છે.
પરિસ્થિતિ એવી થઇ છે કે શિવકુમારને મુખ્ય પ્રધાન બનવા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. અન્ય ત્રણ દાવેદાર પણ ઉભા થયા છે. શિવકુમારના જૂથને હવે ડર બેઠો છે કે બે જણાની લડાઇમાં કોઇ ત્રીજો લાભ ના લઇ જાય. કહે છે કે શિવકુમારના દાવાને ઠંડો પાડવા નવા ઉમેદવારો ઉભા કરવાની વ્યૂહરચના કોંગી મોવડી મંડળેજ ઉભી કરી છે.
કહાની મેં ટ્વિસ્ટ જેવી વાત એવી વહેતી થઇ છે કે આગામી ૬ કે ૯ જાન્યુઆરી એેટલેકે ૨૦ દિવસ બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શિવકુમાર શપથ લેવાના છે. આવી જાહેરાત કરનાર કર્ણાટક કોંગ્રસના વિધાન સભ્ય એચ.એ.ઇકબાલ હુસૈને કરી છે.
તે કહે છે કે કોંગ્રેસમાં ચાલતી અંદરની વાત અનુસાર તેમણે કહ્યું હોવાનું મનાય છે. જોકે મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાના જૂથે આ વાત ફગાવી દેતા કહ્યું છે કે અમને પૂછ્યા વિના મોવડી મંડળ આગળ વધી શકે એમ નથી.
જેવી ૬ કે ૯ તારીખની જાહેરાત કરાઇ છે ત્યારથી કર્ણાટક કોંગ્રસમાં ચાલતી કોલ્ડવોર ભડકો બનીને બહાર આવી છે.
શિવકુમારની છાવણીના લોકો વિવિધ ખાતા મેળવવા લોબીંગ કરી રહ્યા છે. એક તરફ સિધ્ધારમૈયાની લોબી મુખ્યપ્રધાન બદલવાની વાતને ફગાવી રહી છે તો બીજી તરફ શિવકુમારની છાવણી પોતાના વફાદારોને મંત્રાલયો ફાળવવાના કામમાં વ્યસત બની છે.
શિવકુમારના ટેકેદારો પણ બહુ મોટી સંખ્યામાં છે. ભાજપની કમનસીબી એ છેકે કર્ણાટકના કોંગીજનો પક્ષને વફાદાર છે માટે ભાજપ કોઇ રાજકીય ગેમ રમી શકે એમ નથી પરંતુ મુખ્ય પ્રધાન પદનું સપનું જોતા લોકો કોઇ પણ હદ સુધીની રાજકીય ગેમના ભાગીદાર બનવા તૈયાર થઇ શકે છે.
ભાજપ નાના-મોટી રાજકીય ગેમ રમવાની તક પણ નથી છોડતું. મુખ્યપ્રધાન સિધ્ધરમૈયાની જગ્યાએ રાજ્યના ગૃહપ્રધાન જી. પરમેશ્વરાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તે ભાજપ તેમને ટેકો આપવા તૈયાર છે એમ ભાજપના કેન્દ્રીય રેલ્વે મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના સાંસદ વી. સોમન્નાએ કહ્યું છે.
ભાજપે શાંત પાણીમાં પથ્થર નાખ્યો છે. જ્યારે કેન્દ્રીય સ્તરના ભાજપના નેતા શિવકુમાર સિવાયના કોઇ નામને ટેકો આપવા તૈયાર થાય ત્યારે સમજી લેવાનું કે પડદા પાછળ કોઇ મોટી રાજકીય ગેમ આકાર લઇ રહી છે.
મુખ્યપ્રધાનનો હોદ્દો મળવો એ નસીબની વાત છે. રાજ્ય કક્ષાના રેલ્વે પ્રધાને જ્યારે એક કાર્યક્રમમાં આ વાત કરીને ગૃહપ્રધાન પરમેશ્વરાને મુખ્યપ્રધાન બનાવવાની વાત કરીને વિવાદ છેડયો ત્યારે પ્રેક્ષકોમાથી કોઇએ પૂછ્યું હતું કે તો પછી શિવકુમારનું શું થાય? જવાબ મળ્યો હતો કે દરેક પોતાનું નસીબ લઇને આવે છે.
ટૂંકમાં એમ કહી શકાય કે કર્ણાટકના મુખ્યપ્રધાન પદનો ખેલ કોઇ પણ દિશામાં ટર્ન લઇ શકે છે.


