Get The App

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવા માટે બેઠકોનો દોર

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવા માટે બેઠકોનો દોર 1 - image

- ગમે ત્યારે ભડકો થઇ શકે એવી સ્થિતિ 

- ઇનસાઇડ સ્ટોરી

- બહારથી મળતી શસ્ત્રો તેમજ આર્થિક સહાયનું નેક્સસ નહીં પકડાય ત્યાં સુધી શાંતિ સ્થપાવાની નથી

ગઇ ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે. હવે ત્યાં ફરી લોકપ્રિય સરકાર રચવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે. મણિપુરની શાંતિ ભ્રામક હોવાનો વિરોધ પક્ષો દાવો કરી રહ્યા છે. મણિપુરમાં ગમે ત્યારે ભડકો થઇ શકે એવી સ્થિતિ છે કે કેમ તે બાબતે કેન્દ્ર સરકારે બે કમિટી મેાકલી હતી. કહે છે કે આ કમિટીના પોઝિટીવ રિપોર્ટ બાદ મણિપુરમાં ફરી લોકપ્રિય સરકાર રચવા માટેના પત્તાં ચીપાઇ રહ્યાં છે.

ભૂતપૂર્વ  મુખ્યપ્રધાન એન. બિરેન સિંહ અને ભાજપના કેટલાક નેતાઓ દિલ્હીમાં કેન્દ્રીય નેતાગીરીને મળ્યા હતા. તેમની ચર્ચાના એજન્ડામાં મુખ્ય સ્થાને રાજ્યના હાઇવે ખોલવાનો ઉલ્લેખ હતો. 

મણિપુરના રાજ્યપાલ ભલ્લા પણ કેટલાક વિધાન સભ્યોે સાથે બેઠકો કરી રહ્યા છે.

ઇમ્ફાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હી જઇ રહેલા નેતાઓેએ પત્રકારો સાથે ચર્ચા કરતી વખતે નિખાલસ રીતે કહ્યું હતું કે મણિપુરમાં હાલમાં શાંતિ છે માટે રાષ્ટ્રપતિ શાસનનો કોઇ અર્થ રહેતો નથી. 

મણિપુર એક સમયે ભડકે બળ્યું હતું અને વિરોધ પક્ષોએ સત્તાધારી પક્ષ ભાજપને સંસદમાં આડે હાથે લીધો હતો. વડાપ્રધાન કેમ મણિપુરની મુલાકાતે નથી જતા એમ કહીને ટીકાઓ પણ થઇ હતી. મણિપુરમાં બહારના તત્વોએ આવીને તોફાનો કર્યા હતા એવા આક્ષેપો થઇ રહ્યા છે.મણિપુરમાં તોફાન કરનારાઓે સુરક્ષા દળોના હથિયારો છીનવી લીધા હતા અને શસ્ત્રાગાર લૂંટી લીધો હોવાના અહેવાલો પણ જોવા મળ્યા હતા.

મણિપુરમાં હવે શાંતિ ભલે હોય પરંતુ તે કેટલો સમય રહેશે તે કોઇ કહી શકે એમ નથી. મણિપુરના ભાજપના નેતાઓનું એક જૂથ ગયા શનિવારે ભાજપના દિલ્હીના નેતાઓને મળ્યું હતું અને રાષ્ટ્પતિ શાસન દુર કરવા જણાવ્યું હતું. મણિપુર ભાજપના વિવિધ જૂથો ભાજપની કેન્દ્રીય નેતાગીરીને મળ્યા હતા. 

ભાજપના કેન્દ્રીય નેતાઓએ દરેક પાસે તોફાનીઓની વિગતો માંગી હતી અને ભવિષ્યમાં તોફાનો નહીં થાય તેની ખાત્રી માંગી હતી. ૬૦ વિધાન સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે બહુમતી છે. રાજ્યપાલ અજયકુમાર ભલ્લા દિલ્હીમાં ડેરા તંબુ નાખીને બેઠા છે. 

મણિપુરની પોલીસના રિપોર્ટની રાહ જોવાય છે. મણિપુરની પોલીસે ફરિયાદ કરી છેકે કેટલાક તોફાની જૂથો પોલીસ પાસે ખંડણી માંગી રહી છે. ચુરાચંદપુર જિલ્લાના પોલીસ વડાએ કહ્યું છે કે પોલીસ તંત્ર આ લોકોની માંગણીને વશ થયું નથી પરંતુ તેમની તાકાત વધતી જાય છે જે તેમની માંગણી પરથી જણાઇ આવે છે.

મણિપુરની પાલીસે સરકારને કેટલાક ગેરકાયદે ચાલતા માથાભારે સંગઠનોની માહિતી આપી છે. પ્રતિબંધીત યુનાઇડેટ કુર્કી આર્મી સહીતના કેટલાક તોફાની સંગઠનોના ૧૨ જેટલા માથાભારે લોકોને પકડીને તેમની પાસેથી વિગતો મેળવવાનું શરૂ કર્યું છે.

મણિપુરની પોલીસ માને છે કે જ્યાં સુધી તોફાનીઓને બહારથી મળતી શસ્ત્રો તેમજ આર્થિક સહાયનું નેક્સસ નહીં પકડાય ત્યાં સુધી શાંતિ સ્થપાવાની નથી.

મણિપુરમાં લોકપ્રિય સરકાર રચીને રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની વાતને સમર્થન આપતા પહેલાં ભાજપની કેન્દ્રીય નેતાગીરી સો વાર વિચારશે કેમકે મણિપુરની શાંતિ ભ્રામક છે અને ભાજપ આગ સાથે રમવાનું પસંદ નહીં કરે.