Get The App

સરકારી હોસ્પિટલો-સ્કૂલો ટોચના લોકો માટે ફરજીયાત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
સરકારી હોસ્પિટલો-સ્કૂલો ટોચના લોકો માટે ફરજીયાત 1 - image

- રાજકારણીઓ અને પૈસાદારો માટે ફરજીયાત કરો

- ઇનસાઇડ સ્ટોરી

- હેલ્થ અને શિક્ષણ બંને પાયાની સવલતો છે પરંતુ તે ખાનગી કંપનીઓના હાથમાં જતા રહ્યા છે 

સામાન્ય રીતે સરકારી દવાખાનામાં કોઇ સારવાર માટે જતું નથી. તે મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ માટે બન્યા હોય એમ જોવા મળી રહ્યું છે. દેશની સરકારી સ્તરની આરોગ્ય સેવાઓ લોકભોગ્ય નથી બની રહી જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલો ભરચક જઇ રહી છે. વર્ષોથી સરકારી હોસ્પિટલોનો સુધારણા કાર્યક્રમ જોવા નથી મળ્યો. સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતાનો અભાવ હોઇ તેમજ સાધન સંપન્ન હોવા છતાં કેટલાક મશીનો બંધ પડયા હોય છે.

દરેક સરકાર સરકારી હોસ્પિટલોને સુધારવા મથે છે પરંતુ સફળ થતી નથી.  મોદી સરકારે લોકોને મફત સારવાર મળે તે માટેની સ્કીમો શરૂ કરી છે પરંતુ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલો તેને અમલી બનાવતી નથી. કમનસીબી એ છે કે સરકારી હોસ્પિટલોને પ્રાઇવેટ હોસ્પિટલો જેવી નથી બનાવતી. સરકારી હોસ્પિટલો પાછળ સરકાર તગડો વહીવટી ખર્ચ કરે છે પરંતુ સ્ટાફ પાસેથી કામ લેવાની આવડતનો અભાવ જોેવા મળે છે.

સરકારી હોસ્પિટલો અને સરકારી સ્કૂલો એમ બંનેની એક સરખી હાલત છે. સંસ્થા આગળ જ્યારે સરકારી લેબલ વાગે છે ત્યારે તેની બજાર વેલ્યૂ ઓછી થઇ જતી જોવા મળે છે.

 આળસુ સ્ટાફ, સતત વધુ પગારની ડિમાન્ડ કરતો સ્ટાફ અને અપટુડેટ મશીનો નહીં રાખવાની ચાલ વગેરેના કારણે લોકો સરકારી હોસ્પિટલો પર કોઇ  ભરોસો મુકતા નથી. એવુંજ લગભગ સરકારી શિક્ષણ સંકુલોનું છે. 

કોઇ વાલી તેમના સંતાનોને સરકારી સ્કૂલોમાં નથી મોકલતું કે કોઇ સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં નથી જતું. આ બંને ક્ષેત્રો પાછળ  સરકાર કરોડોનો ધૂમાડો કરે છે પણ તેનો ઉપયોગ દરેક લોકો કરે એવી સિસ્ટમ ગોઠવાતી નથી.

સરકારી હોસ્પિટલોમાં વપરાતા આધુનિક હેલ્થ ઉપકરણો હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલો પાસે પણ આવાજ ઉપકરણો હોય છે. તેમને વાપરતા આવડે છે જ્યારે સરકારી હોસ્પિટલોમાં કેટલાક બંધ હાલતમાં પડી રહે છે. સરકારી હોસ્પિટલોનો વપરાશ વધુ ને વધુ લોકો કરે તે માટે એક સૂચન એવું કરાયું હતું કે દરેક પ્રધાન-રાજકારણી  અને સરકારી કર્મચારીએ સરકારી હોસ્પિટલોમાંજ  સારવાર લેવી ફરજીયાત કરવી જોઇએ. 

સત્તાધારી પક્ષના લોકો સારવાર માટે આવેતો સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા પણ જળવાય અને દરેક સ્ટાફ સમયસર આવતો થાય. એવુંજ સરકારી સ્કૂલો માટે અમલી બનાવી શકાય. જો સરકારી સ્કૂલોમાં રાજકારણીઓના સંતાનોને ફરજીયાત પણ ભણાવાય તો તેમનું અનુકરણ કરીને અન્ય પૈસાદાર લોકો પણ પ્રાઇવેટ સ્કૂલોમાં જતા બંધ થઇ શકે છે.

સરકાર જ્યારે હેલ્થ હોસ્પિટલો અને સ્કૂલો પાછળ તગડો ખર્ચ કરે છે ત્યારે તેનો વધુને વધુ લોકો ઉપયોગ કરતા થાય તે જોવું જોઇએ કેમકે પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ સ્કૂલો લૂંટ ચલાવી રહ્યા છે. હેલ્થ અને શિક્ષણ બંને પાયાની સવલતો છે પરંતુ તે ખાનગી કંપનીઓના હાથમાં જતા રહ્યાં છે. 

આ બાબત બહુ ગંભીર છે. જેમની પાસે પૈસા હોય તેજ સારી સારવાર લઇ શકે કે સારૂં શિક્ષણ લઇ શકે તેવી માન્યતા પ્રબળ બની ચૂકી છે. સત્તાવાળાઓ મૂંગા મોઢે આ ફેરફાર જોઇ રહ્યા છે. જે ક્ષેત્રો પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય ત્યાં પ્રાઇવેટ કંપનીઓ લોકોને ખંખેરે તે ચલાવી શકાય નહીં.