Get The App

મમતાએ તેમના વફાદારને રાજ્યસભા માટે પસંદ કર્યા

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
મમતાએ તેમના વફાદારને રાજ્યસભા માટે પસંદ કર્યા 1 - image

- રાજીવ કુમાર ગઇ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા છે

- ઇનસાઇડ સ્ટોરી

- નોન બંગાલી લોકોને રાજ્યસભામાં મોકલવાથી પક્ષમાં નારાજગીઃ વફાદારીને એવોર્ડ અપાયો

રાજ્યસભાની ચૂંટણી નજીક આવી છે. પ.બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભાની બેઠક માટે જે નામો પસંદ કર્યા છે તેના કારણે વિવાદ ઊભો થયો છે. 

તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા માટે જે ચાર નામો પસંદ કર્યા છે તેમાં અધિકારી વર્ગ અને ફિલ્મો તેમજ કાયદા સાથે સંકળાયેલા લોકોને પસંદ કરાયા છે. આ યાદીમાં મેનકા ગુરૂસ્વામી, રાજીવ કુમાર, બાબુલ સુપ્રિયો, કોયલ મલિકનો સમાવેશ થાય છે. પ.બંગાળમાંથી રાજ્યસભાની ચાર બેઠક તૃણમૂલને જ્યારે એક બેઠક ભાજપને મળશે. મમતા બેનરજીએ ભૂતપૂર્વ આઇપીએસ રાજીવ કુમારને તેમની મમતા પ્રત્યેની વફાદારીની ભેટ મળી છે એમ કહી શકાય.

રાજીવ કુમારે કેન્દ્રીય એજન્સીઓની સામે પડીને પણ મમતા સરકારની પડખે રહેવાનું કામ કર્યું હતું. મમતા પ્રત્યે તેમણે બતાવેલી વફાદારીનું ઇનામ તેમને મળશે એમ મનાતું હતું પરંતુ રાજ્યસભાની બેઠક એ સૌથી મોટું ઇનામ છે.

રાજ્યસભાની ૩૭ બેઠકો માટે ૧૬ માર્ચે ચૂંટણી યોજાવાની છે. મમતાની રાજીવકુમારના નામની પસંદગીથી પક્ષના અન્ય લોકોના ભવાં સંકોચાયા છે કેમકે નથી તો તે પક્ષના સભ્ય કે નથી તો તે રાજકીય કાર્યકર. રાજીવ કુમાર ગઇ ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થયા પછી તૃણમૂલ કોંગ્રેસને કોઇ મદદ કરી શકે એમ નહોતા પરંતુ મમતા સરકારે તેમણે બતાવેલી વફાદારીની ભેટ આપી છે.

રાજીવ કુમારને પસંદ કરીને પ.બંગાળના અન્ય પોલીસ અધિકારીઓને સંકેત આપ્યો છે કે રાજીવ કુમાર જેવી વફાદારી કરશો તો પક્ષ તમને પણ સાચવશે. પ.બંગાળમાં વિધાનસભાનો જંગ આવે છે ત્યારે અન્ય આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને પણ મમતા સરકારે રાજીવ કુમારને પસંદ કરીને વફાદારી બતાવવાનો સીધો મેસેજ આપ્યો છે.

રાજ્યસભામાં ભાજપ સામે મજબૂત લીગલ ટોક કરી શકે તે માટે ગુરૂ સ્વામીની પસંદગી કરાઇ છે. ફિલ્મ ઉદ્યોગના ચહેરાઓને રાજ્યસભામાં મોકલવાની પરંપરા તૃણમૂલ કોંગ્રેસે કોયલ મલિકને પસંદ કરીને ચાલુ રાખી છે એમ કહી શકાય. કોયલ મલિક અભિનેતા રણજીત મલિકની પુત્રી છે.

મમતા બેનરજીએ રાજ્યસભાની બેઠક માટે જે ચાર નામો પસંદ કર્યા છે તેમાંથી પચાસ ટકા નામો તો નોન બંગાલી છે. મમતાના વિરોધીઓ કહે છે કે મમતા એવા નામો પસંદ કરે છે કે તે તેમના ડર્ટી સિક્રેટ છૂપાવી રાખે તેમને રાજ્યસભાની બેઠક ભેટ અપાઇ છે. મમતા બેનરજી પોતે બંગાળ તરફી હોવાની વાતો કરે છથે પરંતુ જ્યારે બેઠક આપવાની વાત આવે છે ત્યારે નોન બંગાળી વધુ પસંદ કરે છે.

રાજીવ કુમારે કોલકત્તાના પોલીસ કમિશ્નર અને રાજ્યના ડીજીપી તરીકે રહી ચૂક્યા છે. તૃણમૂલ કોંગ્રસના ટેકેદારો મારફતે થતા તોફાનોમાં તે આંખ આડા કાન કર્યે રાખતા હતા. શારદા ચીટ ફંડ કેસમાં તે  સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના વડા હતા. ૨૦૧૬ના વિધાનસભા જંગમાં તેમની પર આક્ષેપો થયા હતા કે તે મમતા સરકારની તરફેણ વધુ કરે છે.૨૦૧૯માં જ્યારે સીબીઆઇએ રાજીવ કુમારના ઘેર સર્ચ કરી ત્યારે તેના વિરોધમાં મમતા બેનરજી ધરણા પર બેઠા હતા.

મમતાએ તેમના વફાદારને એવોર્ડ આપ્યો છે. મમતાની પસંદ રાજીવ કુમાર એટલા માટે છે કે તેમણે કેન્દ્રીય પ્રધાન અને રાજ્યના ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ સુકાંતા મજમુદારને બદનક્ષીની નોટીસ ફટકારી છે કેમકે મજમુદારે તેમના પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ મુક્યો હતો.