- સિધ્ધારમૈયા અને શિવકુમાર ઠંડા પડયા
- ઇનસાઇડ સ્ટોરી
- આ તબક્કે એટલું કહી શકાય કે બંનેએ કોંગ્રેસ માટેની વફાદારી નિભાવી
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યપ્રધાન પદા માટે ચાલેલી હૂંસા તૂંસીના કિસ્સામાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું જેવો ઘાટ થયો છે એમ માનીને મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાની છાવણીમાં ખુશાલી વ્યાપી ગઇ છે. રાજકીય સમિક્ષકો માને છે કે જો મોવડી મંડળનું માન પહેલાં જાળવી લીધું હોતતો શિવકુમારની છાવણી સાથે સંકળાયેલાઓ સત્તા પર આવીને સારૃં મંત્રાલય મેળવવાના સપનાં ના જોતા હોત.
શિવકુમારેતો પોતાના નવા મંત્રાલયો કોને સોંપવા તેના નામો પણ તૈયાર કરી નાખ્યા હતા અને દરેકને સૂચના પણ આપી દેવાઇ હતી. બહુ મોડે સમાધાન કરાવીને કોંગ્રેસના મોવડી મંડળે પક્ષમાંજ બળવાખોરીના બિયારણનું વાવેતર કર્યું છે.
બીજી તરફ કર્ણાટકના વિપક્ષના હાથમાંથી બળવાને પ્રોત્સાહન આપવાની તક સરકી ગઇ છે. ભાજપ અને જનતાદળ(એસ)ના લોકો શિવકુમારના નજીકના મનાતા વિધાનસભ્યોના સંપર્કમાં હતા. જેમ જેમ સિધ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચેની કોલ્ડવોર, હોટવોર તરફ આગળ વધતી હતી એમ એમ બળવાખોરીના ચાન્સ વધવા લાગ્યા હતા.
મહત્વની વાત એ છેકે જે લોકો નવા પ્રધાન બનવાના હતા તેમના સર્કલે તેમને અભિનંદન આપવાના શરૂ કર્યા હતા. બિહારની ચૂંટણીમાં થયેલા ધબડકા પછી કોંગ્રેસ કર્ણાટકમાં નેતાગીરી બદલવા જેવા નિર્ણયો લઇ શકે એમ નહોતી. નેતાગીરી બદલવાના મુદ્દે થોડું કાચું કપાય તો પણ તેમાં ભાજપ અને જનતાદળ(એસ)ને સીધો લાભ થાય એમ હતું.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેના સમાધાનના પ્રયાસો સફળ થયા નહોતા પરંતુ ગાંધી પરિવારે આપેલી સૂચના અનુસાર સિધ્ધારમૈયા અને શિવકુમાર બંને સવારે મળ્યા હતા અને માની ગયા હતા.
હવે રાજકીય તખ્તા પર ચર્ચા એ ચાલે છે કે બંને વચ્ચેની બંધ બેઠકમાં શું રંધાયું તેની કોઇને ખબર જ નથી પડતી. બંનેની તરફેણ કરતી પત્રકારોની લોબી પણ ગપગોળા ચલાવ્યા કરે છે. બંનેએ કોઇ સંયુક્ત નિવેદન નથી આપ્યું પરંતુ હવે કોઇ વિવાદ નથી એમ કહીને મામલો સમેટી લીધો છે.
જોકે સત્તાની લાલચ જેવી કોઇ લાલચ નથી. કર્ણાટક આર્થિક રીતે તગડું રાજ્ય છે. ભાજપની નજર બિહાર પછી કર્ણાટક પર ચીટકી છે. ભાજપ બિહારની જીત પછી બહુ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યું છે. દેશની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરૂ પર વિજય મેળવીને ભાજપ દક્ષિણમાં તેનો પગ મજબૂત કરવા માંગે છે.
કોંગ્રેસ ભાજપને કોઇ ચાન્સ આપવા નથી માંગતી. એટલેજ કહેવાય છે કે ખુરશી માટે લડતા બંને મહાનુભાવોને રાજકીય સમિકરણો સમજાવાયા હશે અને થોડા સમય માટે ચૂપ રહેવા કહેવાયું હશે. કોંગ્રેસે આ બંનેને બિહારનું ચિત્ર કેવી રીતે ફરી ગયું અને કેવી રીતે વિપક્ષની છાવણીમાં પણ પક્ષની ટીકા થઇ રહી છે તે સમજાવ્યું હશે.
કોંગ્રેસ પીઢ નેતાઓથી બનેલો રાજકીય પક્ષ છે. કર્ણાટકમાં રાજકીય સત્તામાં બદલો કરીને તે વિપક્ષને વિવાદ ઉભો કરવાનો કોઇ ચાન્સ આપવા નથી માંગતેા તે દેખાઇ આવે છે. ભાજપ અને જનતાદળ (એસ) વિવિધ નિવેદનો મારફતે બંને નેતાઓની છાવણીને ઉશ્કેરવા માંગે છે.
પહેલા પક્ષ અને પછી મતભેદો એમ કહેનારા બંને નેતાઓએ છેલ્લા બે મહિનાથી હૂંસા તૂંસી કરીને પક્ષને ઘણું નુકશાન પહોંચાડયું છે. હવે જ્યારે મોવડી મંડળે તેમને પક્ષ માટે કામ કરવાનું કહ્યું છેે ત્યારે બંનેએ પક્ષની એકતાનો આલાપ ગાવાનું શરૂ કર્યું છે.


