- નવા માળખામાં ભાજપ બળવાખોરોને પણ સ્થાન આપશે
- ઇનસાઇડ સ્ટોરી
- સિધ્ધારમૈયાની સરકારનો વિરોધ ભાજપ કરતાં કોગ્રેસના વિધાનસભ્યોએ વધુ કરી રહ્યા છે
દિલ્હીમાં વિવિધ રાજકીય પક્ષોની ઓફિસો પર તેમના કાર્યકરોના ટોળાં જોવા મળે છે કેટલાક લોબીંગ કરતા હોય છે તો કેટલાક આગામી ચૂંટણી માટેના પ્લાનની ચર્ચા કરવા આવતા હોય છે. બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસની ઓફિસ પર આવતા વિવિધ રાજ્યના લોકોને ચર્ચા વિચારણા માટે બોલાવાય ત્યારે તેમને રહેવા જમવાની સવલતો કરી અપાય છે. તાજેતરમાં કર્ણાટક ભાજપના કાર્યકરોને ભાજપના મોવડી મંડળે બોલાવ્યા હતા.
બહાર ઉભેલા પત્રકારોએ કેટલાક કાર્યકરોને અંગત રીતે પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કર્ણાટક ભાજપમાંના ડખાના નિકાલ માટે ભાજપનું મોવડી મડળ કર્ણાટક ભાજપના માળખામાં આમૂલ પરિવર્તન લાવવા માંગે છે. ભાજપનું મોવડી મંડળ નવા માળખામાં કર્ણાટક ભાજપના બળવાખોરોને પણ સ્થાન આપવા માંગે છે.
ભાજપનું મોવડી મંડળ જાણે છે કે કર્ણાટક ભાજપના વર્તમાન પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર અને વિધાનસભામાં વિપક્ષના નેતા એવા ભાજપના આર.અશોક સત્તાધારી પક્ષ કોંગ્રેસની સામે નબળા પુરવાર થઇ રહ્યા છે. વિજયેન્દ્ર એટલે ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુઆરપ્પાનો પુત્ર. નવેમ્બર-૨૩માં તેમની ટેમ્પરરી સ્તરે નિમણૂક કરાઇ હતી. કર્ણાટક ભાજપના કેટલાક નેતાઓએ મોવડી મંડળને ફરિયાદ કરી હતી કે રાજ્યમાં આગામી ચોમાસુ સત્રમાં પક્ષ મહત્વના મુદ્દા ઉછાળી શકે એમ નથી કેમકે કેટલાક નેતાઓએ કોંગ્રેસ સાથે એડજેસ્ટમેન્ટ બ્રાન્ડ ઓફ પોલીટીક્સ રમવાનું શરૂ કર્યું છે. ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસપાસેથી તેમના કામ કઢાવી લે છે અને પછી મહત્વના મુદ્દે દેખાવ વિરોધ કરાય છે. ભાજપના બળવાખોરો જાહેરમાં કહે છે કે અમારા નેતાઓ કર્ણાટક કોંગ્રેસના હાથે વેચાઇ ગયા છે. તાજેતરમાં છેલ્લા બે મહિનામાં કર્ણાટકની સિધ્ધારમૈયા સરકાર ભ્રષ્ટાચાર અને કાસ્ટ સર્વેના મામલે વિવાદમાં ફસાઇ હતી પરંતુ ભાજપના નેતાઓે કોઇ આંદોલન કર્યું નહોતું. કર્ણાટકની સરકાર આઇપીએલની આરસીબી ટીમ જીતી તેના સન્માન વખતે થયેલી ધક્કા મુક્કીમાં ૧૧ લોકોના મોતની ધટના વખતે બરાબરની ફસાઇ હતી. ત્યારે સિધ્ધારમૈયાની સરકારના વિરોધ ભાજપ કરતાં કોગ્રેસના વિધાનસભ્યોએ વધુ કર્યો હતો.
ભાજપના મોવડી મંડળ કર્ણાટક ભાજપના બળવાખોરોને સમાવીને નવું માળખું તૈયાર કરી રહ્યા હોવાની જાણ કર્ણાટક કોંગ્રેસમાં પણ ચિંતા ઉપજાવે એવા છે. કેમકે ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસ સાથે મળી ગયેલા છે અને કોંગ્રસને આંચ ના આવે તે રીતે કામ કરે છે. જ્યારે આઇપીએલની વિજેતા ટીમના સન્માનમાં કરાયેલી ધક્કા મુક્કીનો વિવાદ આગળ ના વધે તેવા પ્રયાસો કર્ણાટક ભાજપના નેતાએાએ કર્યા હતા ત્યારેજ મોવડી મંડળેને ભાજપના કોંગ્રસ તરફ ઢળેલા નેતાઓનો ખ્યાલ આવી ગયો હતો. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓને હજુ વાર છે પરંતુ ભાજપનું મોવડી મંડળ જાણે છે કે વહેલી તકે રાજ્યના સંગઠનનું માળખું નહીં બદલાય તો કર્ણાટકમાં વિજયના સપનાં જોવાનું બંધ કરવું પડશે. સંગઠનની તાકાત પર જીતતું આવતું ભાજપના સંગઠનમાં તિરાડ પડેલી છે. બળવાખોર નેતાઓ હાલમાં ભાજપની બાજી બગાડવા તલપાપડ છે. કોંગ્રેસ પાસે એક માત્ર મજબત રાજ્ય તરીકે કર્ણાટક છે. કર્ણાટકમાં લીંગાયત અને વોકાલીંગા બંને કોમ્યુનિટીને સાચવીને નિર્ણયો લેવાના હોય છે. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે કર્ણાટક ભાજપમાં ગમે ત્યારે વિસ્ફોટ થઇ શકે છે.


