- અવનીએ એકલા ફાઇટર મિગ-21 ઉડાવ્યું હતું
- ઇનસાઇડ સ્ટોરી
- છેલ્લી વિદાય મહિલા પાઇલોટ મોહનાસિંહ જીતારવાલે આપી હતી
- ઇન્ડિયન એર ફોર્સમાં સ્કોવર્ડન લીડરે મિગ-21થી શરૂઆત કરી હતી
મિગ-૨૧નો અધ્યાય પુરો થયો છે પરંતુ તેની સાથે વણાયેલી કેટલીક સિધ્ધિઓ ક્યારેય ભૂલાય એમ નથી. દાયકાઓથી એમ મનાતું હતું કે ઇન્ડિયન એરફોર્સમાં ફાઇટર પ્લેન મહિલા પાઇલોટ ઉડાડી શકે નહીં પરંતુ ફાઇટર મિગ-૨૧ ઉડાડીને મહિલાઓએ દાયકાઓથી ચાલી આવતી માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. જામનગર એરફોેર્સ પરથી ૨૦૧૮ની ફેબુ્રઆરીમાં સ્કોવર્ડન લીડર અવની ચતુર્વેદીએ પહેલીવાર એકલા મિગ-૨૧ ઉડાવ્યું હતું.
ભારતના મહિલા અધિકારીઓ યુધ્ધના મેદાનમાં ભલે મોડાં આવ્યા હોય પરંતુ એકવાર ફાઇટર મિગ-૨૧ ઉડાડવામાં મહિલા પાઇલોટોને ફાવટ આવી ગયા પછી મહિલા પાઇલોટોએ દસોલ્ટ રાફેલ, સુ-૩૦ એમકેઆઇ અને એલસીએ તેજસ જેવા આધુનિક ફાઇટર ઉડાવ્યા છે પરંતુ પહેલું ફાઇટર મિગ-૨૧હતું તે ભૂલવું ના જોઇએ.
જ્યારે ગયા શુક્રવારે સાંજે મિગ-૨૧ની માયા સંકેલી લેવાઇ ત્યારે છેલ્લી ફ્લાઇટ સ્કેાવર્ડન લીડર પ્રિયા શર્માના નેતૃત્વ હેઠળ ઉડી હતી. ઇન્ડિયન એરફોર્સમાં મહિલા પાઇલોટોે પ્રથમવાર ફાઇટર ઉડાવ્યું તે મિગ -૨૧ હતું અને તેને વિદાય પણ મહિલા પાઇલોટના હાથે અપાઇ હતી.
૨૦૧૬માં પહેલીવાર ઇન્ડિયન એરફોર્સમાં ફાઇટર પ્લેન ઉડાડવાની ટુકડીમાં મહિલા પાઇલોટને સમાવવાનો નિર્ણય લેવાયો હતો. તે સમય દરમ્યાન મિગ-૨૧ને અપગ્રેડ કરાયું હતું. ત્યારે મહિલાઓ ફાઇટર પ્લેન ચલાવી શકે નહીં એ દાયકાઓ જુની માન્યતાનો છેદ ઉડાડવાનો સમય આવ્યો હતો.
૧૯૬૩માં ઇન્ડિયન એરફોર્સમાં મિગ-૨૧નો સમાવેશ કરાયો હતો.જેટ વિમાનની ટ્રેનીંગ આપનારાની જ્યારે અછત હતી ત્યારે મિગ-૨૧ ઉપયોગમાં આવ્યું હતું. ઇન્ડિયન એરફોર્સના પાંચ જેટલા મહિલા પાઇલોટે ફાઇટર મિગ-૨૧ ઉડાડયું છે.
પ્રથમ વાર મિગ ઉડાડનાર મહિલા પાઇલોટ અવની ચતુર્વેદી હતા તો તેની લીલા સંકેલી લેવાની છેલ્લી વિદાય મહિલા પાઇલોટ મોહનાસિંહ જીતારવાલે આપી હતી. ભારતના એર ફોર્સમાં ૨૦૧૬માં મહિલાઓની પ્રથમ બેચમાં અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંહ જીતારવાલ હતા. જેનો ફોટો પણ ચંડીગઢ ખાતેના ઇન્ડિયન એરફોર્સના હેરીટેજ મ્યુઝિયમમાં જોવા મળે છે.
ફાઇટર મિગ-૨૧ પ્રથમવાર ઉડાડનાર મહિલા અવની ચતુર્વેદી ૧૯૯૩માં જન્મેલા છે અને મધ્ય પ્રદેશના રેવા ખાતે જનમ્યા હતા. તેમણે જામનગર ખાતેથી ફેબુ્રઆરી ૨૦૧૮માં પહેલીવાર મિગ-૨૧ ઉડાડયું હતું. તેમનું આ ઉડાન ૩૦ મિનિટ માટેનું હતું. રાજસ્થાનના સૂરજગઢમાં તેમનું પોસ્ટીંગ હતું ત્યારે તે પેન્થર્સ સ્કોવર્ડનમાં ૨૩માં નંબરે હતા. જાપાનમાં ૨૦૨૩માં વૈશ્વિક સ્તરની એર એક્સરસાઇઝમાં તેમણે ભાગ લીધો હતો.
અંબાલા ખાતેથી મે-૨૦૧૯માં મિગ-૨૧ એકલા ઉડાડનાર બીજા મહિલા પાઇલોટ ભાવના કાંત હતા. તે મૂળ બિહારના હતા અને તે દિવસના કોમ્બેટ મિશન પહેલા મહિલા ક્વોલિફાઇડ પાઇલોટ બન્યા હતા. આ ત્રણ મહિલા પાઇલોટની ત્રિપુટીમાં સ્કોવર્ડન લીડર મોહના સિંહ સ્કોવર્ડન કોબ્રામાં માં જોડાયા હતા અને તેમણે ૨૦૧૯ના રિપબ્લીક ડેના દિવસે મિગ-૨૧ ઉડાડયું હતું.


