અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૫૬ ટકા પદ પર જગા ખાલી

- નિર્ણયો ટલ્લે ચઢી રહ્યા છે નબળું આયોજન
- ઇનસાઇડ સ્ટોરી
- સરકારે જગ્યા ખાલી થાય તેના ઓછામાં ઓછા છ મહિના પહેલા પસંદગી શરૂ કરવી જોઈએ
ભારતની કેટલીક અગ્રણી ઉચ્ચ-શિક્ષણ સંસ્થાઓ નેતૃત્વની અછતનો સામનો કરી રહી છે, ૧૫૫ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓમાંથી ૩૭ (૨૩.૯ ટકા) કામચલાઉ, કાર્યકારી અથવા ઇન-ચાર્જ વડાઓ, વધારાના ચાર્જની વ્યવસ્થા અથવા મુદ્દત વધારા હેઠળ કાર્યરત છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં આ સમસ્યા વિશેષરૂપે ગંભીર છે, જ્યાં વિશ્લેષણ કરવામાં આવેલી ૪૮ સંસ્થાઓમાંથી ૨૦ સંસ્થાઓમાં કામચલાઉ નેતૃત્વ છે અથવા મુદ્દત વધારી આપવામાં આવી છે. જગ્યાઓ મહિનાઓ કે વર્ષો પહેલા જાહેરાત દ્વારા બહાર પાડવામાં આવી હોવા છતાં કેટલીક ખાલી જગ્યાઓ યથાવત છે. આ માત્ર એક વહીવટી અગવડતા કરતાં વધુ છે. વાઇસ-ચાન્સલરો અને ડાયરેક્ટરો ફેકલ્ટી ભરતી, શૈક્ષણિક કાર્યક્રમો, બજેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંશોધન ભાગીદારીની દેખરેખ રાખે છે. લાંબા સમયની અનિશ્ચિતતા નવા અભ્યાસક્રમો, પ્રયોગશાળાઓની સ્થાપના અને લાંબા ગાળાની નાણાકીય પ્રતિબદ્ધતાઓ પરના નિર્ણયોમાં વિલંબ કરી શકે છે. જ્યારે તેમના અધિકારો અસ્થાયી હોય ત્યારે કામચલાઉ વડાઓ પણ મોટા સુધારાઓ હાથ ધરવામાં અચકાઈ શકે છે. વધારાના ચાર્જની વ્યવસ્થાઓ વરિષ્ઠ શિક્ષણવિદોનું ધ્યાન સંસ્થાઓ વચ્ચે વિભાજિત કરીને સમસ્યાને વધુ જટિલ બનાવે છે. આથી, લાંબા સમય સુધી ખાલી પડેલી જગ્યાઓ સંસ્થાઓને 'સ્ટેન્ડબાય મોડ'માં મૂકી શકે છે, જે જવાબદારી અને લાંબા ગાળાના આયોજનને નબળું પાડે છે.
પરિણામો ગંભીર છે કારણ કે નેતૃત્વની ખાલી જગ્યાઓ ઉચ્ચ શિક્ષણમાં ક્ષમતાની વ્યાપક મર્યાદાઓ સાથે એકસાથે સર્જાય છે. એક રિસર્ચના વિશ્લેષણ અનુસાર, ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં મંજૂર થયેલા અધ્યાપકના પદોમાંથી ૨૯ ટકા ખાલી હતા. પ્રોફેસરો માટે, ખાલી પદોનો દર ૫૬ ટકા હતો. આ અછત હાલની ફેકલ્ટી પર વધારાનું દબાણ લાવે છે. નિમણૂક પ્રક્રિયાને પણ વધુ બારીકાઈથી તપાસવાની જરૂર છે. આ વિશ્લેષણ એવા કિસ્સાઓ પર પ્રકાશ પાડે છે જેમાં હોદ્દેદારની મુદ્દત પૂરી થાય તે પહેલાં જ પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, છતાં સમયસર ઉત્તરાધિકારીઓની જાહેરાત કરવામાં આવી ન હતી. ઉદાહરણ તરીકે, ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી, જૂન ૨૦૨૪માં જગ્યાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં અને માર્ચ ૨૦૨૬માં ફરીથી જાહેરાત કરવામાં આવી હોવા છતાં, લગભગ ૨૧ મહિના સુધી નિયમિત વાઇસ-ચાન્સલર વિના કાર્યરત હતી. આવા વિલંબ વહીવટી કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઉભા કરે છે. સર્ચ કમિટીઓ અને પસંદગીના નિયમોના પાલન અંગેના વિવાદો પ્રક્રિયામાં વિશ્વાસને વધુ ઘટાડી શકે છે. અગ્રણી સંસ્થાકીય વિશ્વસનીયતા અને સ્વાયત્તતાના રક્ષણ માટે પારદર્શક, ગુણવત્તા આધારિત નિમણૂકો આવશ્યક છે.
સરકારે જગ્યા ખાલી થાય તેના ઓછામાં ઓછા છ મહિના પહેલા પસંદગી શરૂ કરવી જોઈએ. તેણે અરજીઓની ચકાસણી, સર્ચ કમિટીઓ બોલાવવા અને નિમણૂકોની જાહેરાત કરવા માટે પ્રગતિ અંગેના સામયિક સાર્વજનિક અપડેટ્સ સાથે બાબ્યતાકારી સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. આવા રિપોર્ટિંગથી વિલંબ સપાટી પર આવશે અને શૈક્ષણિક નિર્ણયો પર સરકારને વધુ નિયંત્રણ આપ્યા વિના દેખરેખ મજબૂત થશે. સમિતિઓ પાસે સ્પષ્ટ પસંદગીના માનદંડો, સ્વતંત્ર સભ્યો અને મનસ્વી હસ્તક્ષેપ સામે રક્ષણ હોવું જોઈએ. કામચલાઉ નિમણૂકો સખત રીતે સમયબદ્ધ હોવી જોઈએ.




