પેન્ક્રિયાસ કેન્સરની સારવારમાં ક્રાંતિ... નવી દવા 'રાસોન્ક' ને FDA ની ઐતિહાસિક મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pancreatic Cancer Treatment: પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ)નું કેન્સર (Pancreatic Cancer) લાંબા સમયથી તબીબી જગત માટે એક મોટો પડકાર રહ્યું છે. તે અન્ય અવયવોમાં ફેલાય ત્યાં સુધી તેને પકડવું ખૂબ જ મુશ્કેલ હોય છે, જેના કારણે મોટાભાગના દર્દીઓનું નિદાન છેલ્લા સ્ટેજમાં (મેટાસ્ટેટિક) થાય છે. પરંતુ, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બુધવારે એક નવી અને અદ્યતન દવાને આપવામાં આવેલી મંજૂરીએ સ્વાદુપિંડ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું એક નવું કિરણ જગાડ્યું છે.
સ્વાદુપિંડનું કેન્સર સૌથી ઘાતક કેન્સર ગણાય છે
સ્વાદુપિંડનું કેન્સર અમેરિકા અને વિશ્વભરમાં સૌથી ઘાતક કેન્સરમાંનું એક છે. અમેરિકન કેન્સર સોસાયટીના આંકડા જોઈએ.
- આ વર્ષે અમેરિકામાં લગભગ 67,000 નવા કેસ નોંધાશે.
- આ રોગને કારણે 52,000 થી વધુ લોકોના મૃત્યુ થવાની આશંકા છે.
- નિદાન પછી દર્દીઓનો પાંચ વર્ષનો સર્વાઇવલ રેટ (જીવિત રહેવાનો દર) માત્ર 13% છે.
આ ભયાનક આંકડાઓ દર્શાવે છે કે આ બીમારી માટે એક અસરકારક સારવારની કેટલી સખત જરૂર હતી, કેમ કે અન્ય કેન્સરથી વિપરીત, સ્વાદુપિંડના કેન્સર પર પરંપરાગત કીમોથેરાપીની અસર ખૂબ મર્યાદિત થતી હોય છે.
40 વર્ષ પછી મળેલી સફળતા
રિવોલ્યુશન મેડિસિન કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આ નવી દવાનું નામ ડેરાક્સોનરાસિબ (બ્રાન્ડ નામ: રાસોન્ક - Rasonc) છે. આ ગોળી દરરોજ લેવાની હોય છે. લગભગ 90%થી વધુ સ્વાદુપિંડના કેન્સરમાં RAS નામનું પ્રોટીન પરિવર્તિત થઈને ગાંઠના વિકાસને વેગ આપે છે. છેલ્લા 40 વર્ષથી વૈજ્ઞાનિકો આ પ્રોટીનને 'અનડ્રગેબલ' માનતા હતા, એટલે કે તેની સામે કોઈ દવા કામ કરી શકતી ન હતી. પરંતુ 'રાસોન્ક' એક ‘મોલેક્યુલર ગુંદર’નો ઉપયોગ કરીને આ પ્રોટીન સાથે જોડાઈ જાય છે અને કેન્સરના કોષોને વધતા અટકાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ દવાનો એક મહિનાનો ખર્ચ આશરે $39,800 (લગભગ 37.81 લાખ રૂપિયા!) રહેશે.
ક્લિનિકલ ટ્રાયલના પરિણામો અને આડઅસરો
500 દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ દવાના પરિણામો અભૂતપૂર્વ રહ્યા છે. આ એવા દર્દીઓ હતા જેમના પર અગાઉની સારવારની અસર થવાનું બંધ થઈ ગયું હતું.
•આયુષ્યમાં વધારો: નવી દવા લેનારા દર્દીઓ સરેરાશ 13.2 મહિના જીવ્યા, જ્યારે સામાન્ય કીમોથેરાપી લેનારા દર્દીઓનું સરેરાશ આયુષ્ય માત્ર 6.7 મહિના હતું.
•આડઅસરો: આ દવાની આડઅસરો કીમોથેરાપી કરતા ઓછી ગંભીર છે. તેમાં ત્વચા પર ફોલ્લીઓ, મોંમાં ચાંદા (સ્ટેમેટાઇટિસ), ઝાડા, ઉબકા, થાક, પેટમાં દુખાવો અને ભૂખ ઓછી લાગવી જેવી સામાન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
અમેરિકાના ભૂતપૂર્વ સેનેટરનો અનુભવ
અમેરિકાના ભૂતપૂર્વ સેનેટર બેન સાસેને ગયા ડિસેમ્બરમાં સ્ટેજ-4 કેન્સરનું નિદાન થયું હતું અને ડોક્ટરોએ તેમને માત્ર 3 થી 4 મહિનાનું આયુષ્ય આપ્યું હતું. તેઓ આ દવાની ટ્રાયલમાં જોડાયા અને માત્ર થોડા મહિનાઓમાં તેમના ગાંઠના જથ્થામાં 76% નો જંગી ઘટાડો થયો. તેમને દુખાવો પણ ઘણો ઓછો થયો. તેમણે આ દવાને ‘ચમત્કારિક’ ગણાવી છે.
FDA એ ઝડપી મંજૂરી આપી
દર્દીઓની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને FDA એ બિનજરૂરી વિલંબ ઘટાડીને આ દવાને તેની નિર્ધારિત તારીખ કરતા 6.5 મહિના વહેલા મંજૂરી આપી દીધી છે. ભવિષ્યમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ ફેફસાંના કેન્સર અને અન્ય ગાંઠોની સારવાર માટે પણ થઈ શકે છે.




