Health

Explainer : વજન ઘટાડવાની જાણીતી દવાઓ લેતાં પહેલા ચેતજો! હંમેશા માટે અંધાપાની FDAની ચેતવણી

By GS Team
11 Nov 20265 mins read
TukuTouch Logo
અમેરિકાના FDA એ Ozempic, Wegovy, Mounjaro જેવી વજન ઘટાડવાની દવાઓ લેનારાઓને કાયમી દૃષ્ટિ ગુમાવવાના જોખમ અંગે ગંભીર ચેતવણી આપી છે. આ દવાઓ લેનારા કેટલાક દર્દીઓમાં NAION (આંખનો સ્ટ્રોક) નામની દુર્લભ બીમારી જોવા મળી છે, જેમાં આંખની નસમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. FDA એ કંપનીઓને તેમના લેબલ પર આ જોખમ વિશે ફરજિયાત ચેતવણી છાપવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer : વજન ઘટાડવાની જાણીતી દવાઓ લેતાં પહેલા ચેતજો! હંમેશા માટે અંધાપાની FDAની ચેતવણી

FDA Warns Ozempic, Wegovy, Mounjaro Users Over Permanent Vision Loss Risk : શું તમે વજન ઘટાડવા માટે કોઈ જાદુઈ દવાની શોધમાં છો? જો હા, તો થોભી જાવ! જે દવાઓ દુનિયાભરમાં વજન ઘટાડવા અને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ‘ગેમ ચેન્જર’ મનાઈ રહી છે, તે તમારી આંખની રોશની કાયમ માટે છીનવી શકે છે. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA)એ તાજેતરમાં જ એક ચોંકાવનારી ચેતવણી આપી છે. દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્ક પણ જેનો ઉપયોગ કરી ચૂક્યા છે, તે દવા હવે શંકાના ઘેરામાં છે.
ચાલો સમજીએ કે આ દવાઓ કઈ છે અને તેનાથી શું નુકસાન થઈ શકે છે.

FDA એ શું ચેતવણી આપી?
9 નવેમ્બર 2026 ના રોજ FDAએ એક એડવાઇઝરી જાહેર કરી છે, જે મુજબ Ozempic, Wegovy, Zepbound અને Mounjaro જેવી લોકપ્રિય દવાઓ બનાવતી કંપનીઓએ હવે તેમના લેબલ પર ફરજિયાત ગંભીર ચેતવણી છાપવી પડશે. આ ચેતવણી આંખની એક દુર્લભ બીમારીના જોખમ વિશે છે, જેને મેડિકલ ભાષામાં નોન-આર્ટેરિટિક એન્ટિરિયર ઇસ્કેમિક ઓપ્ટિક ન્યુરોપથી એટલે કે NAION કહેવામાં આવે છે. આ દવાઓ GLP-1 એગોનિસ્ટ કેટેગરીની છે, જે ડાયાબિટીસ અને સ્થૂળતા ઘટાડવા માટે લેવામાં આવે છે.

GLP-1 એટલે શું અને તે કેવી રીતે કામ કરે છે?
GLP-1 એટલે કે ગ્લુકાગોન-લાઇક પેપ્ટાઇડ-1 માનવ શરીરમાં કુદરતી રીતે બનતો હોર્મોન છે, જે પાચન અને બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Ozempic, Wegovy, Mounjaro અને Zepbound જેવી દવાઓ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ શ્રેણીમાં આવે છે. આ દવાઓ શરીરમાં કુદરતી GLP-1 હોર્મોન જેવું જ કામ કરે છે. જેમ કે…

  • શરીરમાં શુગર વધે ત્યારે તે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારીને બ્લડ શુગર નિયંત્રિત કરે છે (જે ડાયાબિટીસ દર્દીઓને મદદ કરે છે).
  • તે પેટ ખાલી થવાની પ્રક્રિયાને અટકાવે છે, જેથી ખોરાક પેટમાં લાંબો સમય રહે છે.
  • તે મગજને 'પેટ ભરાઈ ગયું છે' તેવા સિગ્નલ આપે છે, જેનાથી વ્યક્તિ ઓછું ખાય છે અને વજન ઝડપથી ઘટે છે.

NAION શું છે? તેના લક્ષણો કયા છે?
NAION એ એક એવી દુર્લભ સ્થિતિ છે જેમાં એક આંખમાં અચાનક, પીડા વિના દૃષ્ટિ ઓછી થઈ જાય છે અથવા વ્યક્તિ કાયમ માટે દૃષ્ટિ ગુમાવી શકે છે. સાદી ભાષામાં તેને 'આંખનો સ્ટ્રોક' કહી શકાય, કારણ કે તેમાં આંખની નસમાં લોહીનો પ્રવાહ અચાનક ઘટી જાય છે. 70%થી 80% દર્દીઓને સવારે ઊઠતી વખતે જ આ દૃષ્ટિ ગુમાવવાનો અહેસાસ થાય છે. તેના મુખ્ય લક્ષણોમાં આંખમાં ધૂંધળું દેખાવું, રંગો બદલાયેલા દેખાવા, બ્લાઇન્ડ સ્પોટ્સ (આંખ સામે અંધારું આવવું) અથવા ટનલ વિઝનનો સમાવેશ થાય છે. FDAની સલાહ છે કે જો કોઈ દર્દીને આવા લક્ષણો દેખાય તો તરત જ આંખના ડૉક્ટર એટલે કે ઓપ્થેલ્મોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

આ દવા લેવામાં જોખમ કેટલું છે?
આ બીમારી સામાન્ય વસ્તીમાં 1 લાખમાંથી માત્ર 2થી 10 લોકોને જ થાય છે. આટલી નાની સંખ્યા હોવાને કારણે દવા અને બીમારી વચ્ચેનો સીધો સંબંધ સાબિત કરવો મુશ્કેલ છે. બીજું કારણ એ છે કે જે લોકોને ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, મેટાબોલિક સિન્ડ્રોમ, કિડનીની બીમારી અને સ્લીપ એપનિયા જેવી મુશ્કેલી હોય છે, તેમનામાં NAION થવાનું જોખમ પહેલેથી જ વધારે હોય છે. GLP-1 દવાઓ લેનારા દર્દીઓમાં પણ આ જ સમસ્યાઓ સામાન્ય હોય છે.

આ અંગે દવા કંપનીઓ શું કહે છે?
FDAની ચેતવણી બાદ Novo Nordisk એ જણાવ્યું છે કે, અમે હજુ નથી માનતા કે અમારી દવા અને આંખની બીમારી વચ્ચે કોઈ સીધો સંબંધ છે. આમ છતાં દર્દીઓની સુરક્ષા માટે આ ડેટા પર નજર રાખી રહ્યા છીએ. Mounjaro અને Zepbound બનાવતી કંપની એલી લિલીએ પણ આ બાબતે FDA સાથે સહકાર આપીને લેબલ અપડેટ કરવાની તૈયારી દર્શાવી છે.

વજન ઘટાડવાની દવાઓના ફેલાવામાં મસ્કે વધારો કર્યો
ટેસ્લાના CEO ઇલોન મસ્કે ડિસેમ્બર 2024માં ક્રિસમસના દિવસે મસ્કે સાન્ટા ક્લોઝના કપડાંમાં પોતાનો એક સ્લિમ ફોટો શેર કર્યો હતો. આ ફોટાનું કેપ્શન હતું ‘ઓઝેમ્પિક સાન્ટા’. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ‘Mounjaro’ દવા લઈ રહ્યા છે, પણ તે નામ બોલવામાં ઓઝેમ્પિક જેવી મજા નથી.
મસ્કે આ દવાઓનું સમર્થન કરતાં એમ પણ લખ્યું હતું કે જો GLP-1 દવાઓ લોકોને ખૂબ ઓછી કિંમતે મળે તો અમેરિકનોના આરોગ્ય, આયુષ્ય અને જીવનની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો આવી શકે છે. મસ્કની પોસ્ટ પછી આવી દવાઓના વેચાણમાં ભારે વધારો જોવા મળ્યો છે.

FDAના ડેટા અને રિસર્ચના મુખ્ય તારણ
આ સમગ્ર મામલાની તપાસ જુલાઈ 2024માં પ્રકાશિત થયેલા હેથવેના એક રિસર્ચ રિપોર્ટથી શરૂ થઈ હતી. FDAએ પ્રાણીઓ, ક્લિનિકલ ટ્રાયલ્સ અને દવા બજારમાં આવ્યા પછીના (AEMS/FAERS) અહેવાલોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. પ્રાણીઓ પરના ડેટામાં એવી કોઈ સાબિતી ન મળી કે આ દવાઓથી NAION કઈ રીતે થઈ શકે છે. ત્યાર પછી FDA એ GLP-1 દવાઓના 126 ક્લિનિકલ ટ્રાયલ્સનું વિશ્લેષણ થયું, ત્યારે આ ચિત્ર સ્પષ્ટ થયું.

  • આ અભ્યાસમાં કુલ 1,34,253 દર્દી સામેલ હતા, જેમાંથી 78,217 લોકો GLP-1 દવા લઈ રહ્યા હતા અને 56,036 લોકો બીજી સારવાર મેળવી રહ્યા હતા. આ અભ્યાસનો કુલ સમયગાળો 2,88,879 'વ્યક્તિ-વર્ષ' (person-years) હતો, જેમાં 1,56,947 PY GLP-1 માટે અને 1,31,932 PY અન્ય સારવાર માટે હતા. ('વ્યક્તિ-વર્ષ' એ લોકોની સંખ્યા અને સમયને જોડીને બનતો માપનનો એક એકમ છે. તેનો ઉપયોગ એ ગણવા માટે થાય છે કે અમુક લોકોએ કુલ કેટલો સમય કોઈ કામમાં કે સંશોધનમાં વિતાવ્યો. કોઈ નવી દવા કે રસીની અસર તપાસવા માટે દર્દીઓનું કેટલા સમય સુધી મોનિટરિંગ કરાયું, તેનું સચોટ માપ કાઢવા તેઓ ઉપયોગ થાય છે. દા.ત. 1000 દર્દીઓનું 2 વર્ષ સુધી ચેકિંગ = 2000 વ્યક્તિ-વર્ષનો ડેટા.)
  • આ રિસર્ચમાં NAION ના 15 સંભવિત કિસ્સા સામે આવ્યા, જેમાંના 10 કિસ્સા એવા દર્દીઓના હતા જે GLP-1 દવા લેતા હતા અને 5 કિસ્સા પ્લેસિબો લેનારા દર્દીઓના હતા. અન્ય પ્રકારની ડાયાબિટીસની દવા લેનારા કોઈ પણ દર્દીમાં આવો એક પણ કિસ્સો જોવા મળ્યો ન હતો.
  • આંકડાકીય રીતે જોઈએ તો, GLP-1 દવા લેનારાઓમાં NAION નો દર દર 1,00,000 વ્યક્તિ-વર્ષે 6.4 હતો, જ્યારે અન્ય સારવાર લેનારામાં આ દર દર 100,000 વ્યક્તિ-વર્ષે માત્ર 3.8 હતો.

આ આંકડા દર્શાવે છે કે ભલે આ જોખમનું પ્રમાણ ઓછું હોય, પણ તે ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે. તેથી આ દવાઓ લેતા દર્દીઓએ સાવચેત રહેવું જરૂરી છે.