Health

તહેવારમાં મીઠાઈ-માવો ખરીદતી વખતે રાખો ધ્યાન, FSSAIની આ ટિપ્સથી ઓળખો ભેળસેળ

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
તહેવારોમાં મીઠાઈ, માવા, પનીર અને ઘીની વધતી માંગ સાથે ભેળસેળનું જોખમ વધ્યું છે. પરિવારના સ્વાસ્થ્ય માટે ખોરાકની ગુણવત્તા તપાસવી અનિવાર્ય છે. માવો ચીકણો લાગે કે પાણીમાં ઓગળી જાય, તો ભેળસેળની શક્યતા છે. ઘીમાં સ્ટાર્ચ માટે આયોડિન ટેસ્ટ કરી શકાય. મીઠાઈની ચમક કે વિચિત્ર ગંધ પર ધ્યાન આપો. FSSAI લાયસન્સવાળી સ્વચ્છ દુકાનમાંથી જ ખરીદી કરો અને શંકા જણાય તો ફરિયાદ કરો.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારમાં મીઠાઈ-માવો ખરીદતી વખતે રાખો ધ્યાન, FSSAIની આ ટિપ્સથી ઓળખો ભેળસેળ

FSSAI food safety: તહેવારોની સિઝનમાં બજારમાં મીઠાઈઓ, માવા, પનીર અને ઘીની માંગ ખૂબ જ વધી જાય છે, જેના કારણે બજારમાં ભેળસેળયુક્ત વસ્તુઓનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં પરિવારની તબિયત સાચવવા માટે ખોરાકની ગુણવત્તા તપાસવી અત્યંત આવશ્યક છે.

માવો ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

તહેવારોમાં માવાની માંગ વધતાં તેની શુદ્ધતા તપાસવી જરૂરી છે. માવાને હળવા હાથે ઘસતી વખતે જો તે ખૂબ ચીકણો લાગે કે જીભ પર ચોંટે, તો તેમાં ગરબડ હોઈ શકે છે. પાણીમાં નાખીને ફેટવાથી જો તે ટુકડાઓમાં વહેંચાઈ જાય, તો ભેળસેળની આશંકા રહે છે. આ ઉપરાંત, FSSAIના DART મેન્યુઅલ મુજબ માવાને પાણીમાં ઉકાળીને ઠંડો કર્યા બાદ તેમાં ટિંકચર ઑફ આયોડિન નાખવાથી જો રંગ બ્લૂ થઈ જાય, તો તેમાં સ્ટાર્ચની હાજરી હોઈ શકે છે.

ઘી ખરીદતી વખતે માત્ર રંગ અને સુગંધ પર ભરોસો ન કરો

ઘી ખરીદતી વખતે માત્ર ઘાટો પીળો રંગ કે સુગંધ જોઈને તેને શુદ્ધ ન માની લેવું જોઈએ. FSSAIના નિયમો અનુસાર ઘીમાં સ્ટાર્ચ તપાસવા માટે આયોડિન ટેસ્ટ કરી શકાય છે, પરંતુ તેનાથી વનસ્પતિ કે અન્ય તેલની ભેળસેળ પકડાતી નથી. તેથી, પે્ક્ડ ઘી ખરીદતી વખતે તેના પર પ્રોડક્ટનું નામ, બેચ નંબર, તારીખ અને FSSAI લાયસન્સ ચોક્કસ તપાસવા અને પેકેટના સીલ બરાબર જોઈ લેવી.

મીઠાઈ ખરીદતી વખતે આ સંકેતો ન કરો નજરઅંદાજ

મીઠાઈની ચમક કે દેખાવ જોઈને ખરીદી ન કરવી. જો મીઠાઈમાંથી અજીબ ગંધ આવતી હોય અથવા તેનો રંગ ખૂબ જ ચટક હોય, તો તેમાં કૃત્રિમ રંગો હોઈ શકે છે. જો મીઠાઈ પર ફૂગ દેખાય કે તેની બનાવટ અસામાન્ય લાગે, તો તેને ખાવાનું ટાળવું જોઈએ. તેમજ ચાંદીના વરખવાળી મીઠાઈ ખરીદતી વખતે સાવધ રહેવું કારણ કે તેમાં એલ્યુમિનિયમ કે અન્ય ધાતુ હોઈ શકે છે. મીઠાઈ હંમેશાં સ્વચ્છ અને ઢાંકેલી દુકાનમાંથી જ ખરીદવી.

ભેળસેળયુક્ત ખોરાકથી સ્વાસ્થ્ય પર થતું નુકસાન

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી ભેળસેળયુક્ત ઘી અને માવા જેવી ચીજો ખાવાથી લિવર પર માઠી અસર પડે છે. ખરાબ ફેટ કે તેલના કારણે કોલેસ્ટ્રોલ વધવાનું અને હૃદયના રોગોનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, દૂષિત ખોરાક ખાવાથી ઊબકા, ઉલટી, ઝાડા અને પેટનો દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

તહેવારમાં ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા

  • હંમેશાં ભરોસાપાત્ર અને સ્વચ્છ દુકાનમાંથી જ મીઠાઈ, માવો અને ઘી ખરીદો.
  • પેક્ડ સામાન લેતી વખતે લેબલ, તારીખ અને FSSAI લાયસન્સની માહિતી ચોક્કસ ચકાસો.
  • જો કોઈ ખાદ્ય પદાર્થની ગંધ કે તાજગી પર શંકા હોય, તો તેનું સેવન ન કરો.
  • જો તમને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શંકા જણાય, તો તમે ખાદ્ય સુરક્ષા વિભાગના ટોલ ફ્રી નંબર 1800-180-5533 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકો છો.