તમને પણ આંખને લીધે માથું દુઃખે છે? જાણો એના 4 કારણો અને સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Screen Time Headache: વારંવાર થતો માથાનો દુખાવો હંમેશાં માત્ર થાક કે તણાવને કારણે નથી હોતો. ઘણીવાર મોબાઈલ, લેપટોપ અથવા અભ્યાસ દરમિયાન આંખો પર વધુ ભાર પડવાને કારણે પણ માથું દુખી શકે છે. નિષ્ણાંતોના મતે, આ સમસ્યાને નજરઅંદાજ કરવાને બદલે તેના સાચા કારણને ઓળખવું ખૂબ જરૂરી છે.
માથાના દુખાવા અને આંખો વચ્ચેનો સંબંધ
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, માથું દુખવા પર મોટાભાગના લોકો તેને મગજ કે નસોની સમસ્યા માનીને ન્યુરોલોજીસ્ટ પાસે જાય છે અને દવાઓ લેતા રહે છે, જ્યારે અસલી કારણ આંખોની તકલીફ હોય છે. આપણી આંખો અને ચહેરાના સ્નાયુઓ વચ્ચે ગાઢ સંબંધ છે. જ્યારે આપણે કોઈ વસ્તુને સતત જોવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આંખોની આસપાસના સ્નાયુઓ પર દબાણ વધે છે, જે લાંબા ગાળે માથા અને ગરદન સુધી દુખાવા તરીકે ફેલાય છે.
આંખોની આ સમસ્યાઓથી થઈ શકે છે માથાનો દુખાવો
ચશ્માનો નંબર સાચો ન હોવો: જો દ્રષ્ટિ નબળી હોય અને ચશ્માનો નંબર યોગ્ય ન હોય, તો વસ્તુઓ સ્પષ્ટ જોવા માટે આંખોને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી માથામાં સતત હળવો દુખાવો રહે છે.
બંને આંખોનો તાલમેલ ન બેસવો: મોબાઈલ કે લેપટોપ જોતી વખતે બંને આંખોએ એકસાથે ફોકસ કરવું પડે છે. જો તાલમેલ ન બેસે, તો મગજ પર દબાણ આવે છે અને આંખો પાછળ કે માથામાં તેજ દુખાવો થઈ શકે છે.
મોબાઈલ અને લેપટોપનો વધુ પડતો ઉપયોગ: સ્ક્રીન સામે વધુ સમય વિતાવવાથી આંખો પલકારા ઓરા કરે છે, જેનાથી આંખોમાં સૂકાપણું, બળતરા અને સાંજે માથાનો દુખાવો શરૂ થઈ જાય છે.
આંખોમાં પ્રેશર વધવું: આંખોની અંદરનું પ્રેશર વધવાથી ગ્લુકોમા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે, જેમાં આંખોની આસપાસ તેજ દુખાવો, ઊબકા આવવા કે નજર ધૂંધળી થવા જેવા લક્ષણો દેખાઈ શકે છે.
કેવી રીતે ઓળખશો કે દુખાવાનું કારણ આંખો છે?
બપોરે કે સાંજે દુખાવો વધવો: જો સવારે બધું ઠીક હોય પરંતુ સ્ક્રીન પર કામ કર્યા પછી દુખાવો શરૂ થાય.
આંખોની આસપાસ દુખાવો: જો માથાના આગળના ભાગમાં, બંને આંખોની વચ્ચે અથવા કાનની આસપાસ દુખાવો અનુભવાય.
આરામથી રાહત મળવી: ઓછી રોશનીમાં આંખો બંધ કરીને બેસવાથી જો રાહત મળતી હોય.
ખાસ નોંધ: જો તમને વારંવાર માથાનો દુખાવો રહેતો હોય, તો માત્ર પેઇનકિલર લેવાને બદલે આંખોના ડૉક્ટર પાસે તપાસ કરાવો, જેથી સમયસર સાચું કારણ જાણી શકાય.




