Gujarat

માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

By GS TEAM
7 Sep 20251 min read
માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

માણસા :  માણસા શહેરમાં કલોલ રોડ પર જોગમાયા વે બ્રિજ સામે એક અજાણ્યો યુવક ચાલતો જઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી આ યુવકને ટક્કર મારતા તેને માથાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું જે બાબતે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા શહેરમાં કલોલ હાઇવે રોડ પર આવેલ જોગમાયા વે બ્રિજ પાસેથી ગત શુક્રવારની રાત્રે એક યુવક ચાલતો પસાર થઈ રહ્યો હતો તે સમયે એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ રાહદારીને ટક્કર મારતા તેને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી તો અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક સારવાર માટે ૧૦૮ ને જાણ કરી હતી પરંતુ આ યુવકને થયેલ ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું તો આ બાબતની માણસા પોલીસને જાણ થતા તેમણે ઘટના સ્થળે જઈ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકની ઓળખ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરી અકસ્માત સર્જી ભાગી છુટનાર અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.