નાના આસંબિયા પાસે ટ્રક પલ્ટી જતાં યુવકનું મોત
જખૌ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ અકસ્માતનો બનાવ શુક્રવારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં અબડાસાના આશીરાવાંઢ ગામે બન્યો હતો. ભુજ નલિયા જખૌ સોલ્ટ રૂટની જી.જે-૧૮ ઝેડ ૪૮૩૨ નંબરની એસટી બસ નલિયાથી જખૌ સોલ્ટ તરફ જઇ રહી હતી. ત્યારે આશીરાવાંઢ ગામે રહેતા જયંતી મહેશભાઇ કોલી (ઉ.વ.૨૩) નામનો યુવાન એસટી બસની અડફેટે આવી જતાં બસના આગળના ટાયર નીચે કચડાઇ જતાં તેનું સ્થળ પર કંમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જખૌ પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ માંડવી તાલુકાના નાના આસંબીયા પાસે શનિવારે બપોરે સાડા બાર વાગ્યે ટ્રક પલ્ટી મારી જવાના બનાવમાં ટ્રકમાં સાઇડમાં બેઠેલા ભુજ તાલુકાના બાઉખા ગામના સમદ દાઉદ ઓઢેજા (ઉ.વ.૨૫)ને ગંભીર ઇજાઓ થવાથી તેને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. કોડાય પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.


