Gujarat

પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ

By GS TEAM
27 Feb 20261 min read
પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ,કારમાંથી યુવક પકડાયો,મુંબઇના સપ્લાયરની તપાસ

વડોદરાઃ પ્રતિબંધિત ઇ-સિગારેટનું ઓનલાઇન વેચાણ થઇ રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે એક યુવક કારમાંથી સિગારેટના જથ્થા સાથે ઝડપાતાં તે પણ ઓનલાઇન વેચાણ કરતો હોવાની વિગતો ખૂલી છે.

પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં એક યુવક કારમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ કરી રહ્યો હોવાની અને ઇન્સ્ટાગ્રામ આઇડીથી પણ ઇ સિગારેટનો ધંધો કરતો હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ રાખી કારમાંથી ૧૯ વર્ષીય ફૈઝલ સલિમભાઇ શેખ (જૈનમ મંઝિલ,યાકુતપુરા,વડોદરા)ને ઝડપી પાડયો હતો.

પોલીસે કાર તપાસતાં ડિકિમાંથી રૃ. ૧.૦૫ લાખની કિંમતના ઇ-સિગારેટના ૪૯ પેકેટ્સ મળી આવ્યા હતા.પોલીસે તેનો મોબાઇલ કબજે લઇ પૂછપરછ કરતાં મુંબઇનો અમનખાન મેડ ઇન ચાઇનાની ઇ-સિગારેટ સપ્લાય કરતો હોવાની વિગતો ખૂલી હતી.

પોલીસે સોશ્યલ મીડિયા પરની ચેટ તપાસતાં ઇ-સિગારેટનો બીજો જથ્થો કુરિયર દ્વારા મોકલવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી પોલીસે અકોટાની કુરિયર ઓફિસમાં જઇ ઇ-સિગારેટનું પાર્સલ કબજે કરતાં તેમાંથી રૃ.પોણો લાખની કિંમતના બીજા ૩૦ પેકેટ્સ મળી આવ્યા હતા.જેથી પોલીસ ઓનલાઇન વેચાણની વિગતો તપાસી રહી છે.