Get The App

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું 1 - image

કો઼ડીનાર પાસે આવેલા વડનગરના યુવાનનું પોલીસ બનવાનું સ્વપ્ન અધુરૂ રહ્યું 5 કિ.મી.ની દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી મિત્રના રૂમ તરફ જતી વખતે હાર્ટએટેક આવતા મોત

ગોંડલ, : ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન અત્યંત કરૂણ ઘટના બની હતી. કોડીનારના વડનગર ગામના 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણ નામના યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું હતું.

મૃતક નીતિન ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી પોલીસમાં ભરતી થવાનું સપનું સેવી રહ્યા હતા. સવારે ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે તેઓ શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા. 5 કિમીની દોડ 25 મિનીટનાં બદલે 23 મિનીટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી પરીક્ષા સ્થળ પરથી બહાર નીકળી મિત્રના રૂમ તરફ જતી વખતે અચાનક તેમનાં છાતીમાં અસહ્ય દુખાવો ઉપડયો હતો. તેમની સાથે આવેલા અન્ય 6- 7 મિત્રો તત્કાલ તેમને બાઇક પર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાની જાણ થતા જ એ.ડીવીઝન પી.આઇ. એલ.આર.ગોહિલ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક યુવાને એમએસસી જેવી માસ્ટર ડિગ્રી મેળવી હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નીતિન બે ભાઇઓમાં નાનો હતો. હજુ એક વર્ષ પહેલાં જ તેમના લગ્ન થયા હતા, ત્યાં જ આ વજ્રપાત થયો છે. બનાવનાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો.