Get The App

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત 1 - image


Ahmedabad Accident: અમદાવાદના વટવા વિસ્તારમાં આજે (સાતમી મે) વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીબી તળાવ ચાર રસ્તા નજીક એક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડમ્પરના પાછળના વ્હિલમાં ચાલક ફસાઈ જતાં યુવકે સેકન્ડોમાં જ દમ તોડી દીધો હતો.

સવારે સાડા સાત વાગ્યે સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, વટવા બીબી તળાવ ચાર રસ્તા પર આજે સવારે અંદાજે સાડા સાત વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એક મોપેડ સવાર યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને તે આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. કમનસીબે યુવક સીધો જ ડમ્પરના પાછળના ટાયર નીચે આવી ગયો હતો.

આ પણ વાંચો: દેખાદેખીમાં પરદેશ ભણી દોટ મૂકનાર 25% લોકો લીલા તોરણે પરત, જાણો શું છે કારણો

પોલીસની કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ જે ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યાનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોપેડ ચાલક સ્લીપ થઈ જવાને કારણે ડમ્પરના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. મૃતકની અંદાજિત ઉંમર 30 થી 35 વર્ષની જણાય છે.

અકસ્માત સમયે મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર મળી આવ્યું ન હોવાથી તેની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી. જોકે, પોલીસને તપાસ દરમિયાન એક કોન્ટેક્ટ નંબર મળી આવ્યો છે, જેના આધારે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.