Get The App

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો

મધ્ય,પૂર્વ અને દક્ષિણ ઝોનમાં પાણી અને ડ્રેનેજની ફરિયાદો તાકીદે ઉકેલવા વોર રુમ બનાવવા કમિશનરનો આદેશ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો 1 - image

અમદાવાદ,બુધવાર,29 એપ્રિલ,2026

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની બુધવારે શહેરમાં વધતી ગટર અને પાણીની ફરિયાદોને લઈ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.દક્ષિણ ઝોનની ડ્રેનેજની એક ફરિયાદને લઈ ડેપ્યુટી કમિશનર ભરતભાઈ પરમારે કહ્યું, આ વિસ્તાર મારામા આવતો નથી.હકીકતમાં ઝોનના એડીશનલ સિટી ઈજનેર હિમાંશુ મહેતાએ ફરિયાદ સંદર્ભનો વિસ્તાર દક્ષિણ ઝોનમાં જ  આવતો હોવાનો જવાબ આપ્યો હતો.આ તબકકે કમિશનરે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરને કહ્યું, તમને તમારા વિસ્તારની જ ખબર નથી ત્યારે તમે શું કામ કરો છો.શહેરના મધ્ય,પૂર્વ અને દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી પાણી અને ડ્રેનેજની ફરિયાદો સતત વધતી જાય છે. આ સંદર્ભમાં કમિશનરે એક વોરરુમ બનાવી  ચોવીસ કલાકમાં ફરિયાદોનો નિકાલ કરવા આદેશ આપ્યો હતો.

શહેરના મધ્યઝોનમાંથી ડ્રેનેજની ફરિયાદો ખુબ આવતી હોવા અંગે મ્યુનિસિપલ કમિશનરે ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્યભટ્ટને પુછતા તેમણે કહ્યું, મારા ઝોનમાં સોસાયટીઓ આવતી નથી.ડોર ટુ ડોર કમ્પલેઈન આવતી હોય છે.કયાંક પ્રદૂષિત પાણીની ફરિયાદ હોય તો કયાંક ડ્રેનેજ ચોકઅપ થવાની કે લાઈન લીકેજ હોવાની ફરિયાદ.દરમિયાન રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી એક સોસાયટીની ડ્રેનેજની ફરિયાદને લઈ કમિશનરે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરને પુછયુ હતુ.કેમકે ફરિયાદ ઉપર પૂર્વ ઝોન લખવામા આવ્યુ હતુ.ઝોનના એડીશનલ સીટી ઈજનેર રાજેશ રાઠવાએ કહ્યું, હું ફરિયાદ મળતા સાઈટ જોઈ આવ્યો હતો.પણ વિસ્તાર મારામા આવતો નહી હોવાથી મેં દક્ષિણ ઝોનના એડીશનલ સિટી ઈજનેરને આ અંગે જાણ કરી હતી.દક્ષિણ ઝોનના એડીશનલ સિટી ઈજનેર હિમાંશુ મહેતાએ કહયુ, આ સ્થળ પાસે માઈક્રોટનલીંગની કામગીરી ચાલતી હતી તેથી ડ્રેનેજની ફરિયાદ આવતી હતી.જે હવે સોલ્વ થઈ ગઈ છે. આ તબકકે કમિશનરે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરને કહ્યું, તમને તમારા જ વિસ્તારની ખબર નથી તો કામ કેવી રીતે કરો છો? પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર અમૃતેશ ઔરંગાબાદકરને પણ કમિશનરે તાકીદ કરતા કહ્યું, તમે તમારા ઝોનમાં આવેલા વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેતા નથી.તમારા ઝોનમાં કયાં-શું ચાલી રહયુ છે તેનો રીપોર્ટ પણ નથી લેતા.

કોર્પોરેશનના કામ માટે જગ્યા મળતી નથી એવા જવાબ ના આપતા

શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એક સ્થળે પાણીની ટાંકી બનાવવાને લઈ કમિશનરે કામગીરી કયાં પહોંચી તે અંગે માહિતી માંગતા એસ્ટેટ અધિકારીએ કહ્યું, જગ્યા મળતી નથી. આ સાંભળી કમિશનર અકળાયા હતા.તેમણે સ્પષ્ટ શબ્દોમા તમામ ઝોનના એસ્ટેટ અધિકારીઓને કહ્યુંકોન્ટ્રાકટર કે બિલ્ડરને આપવા માટે તમને તરત પ્લોટ મળી જાય છે.પણ કોર્પોરેશનને પાણીની ટાંકી બનાવવી છે એના માટે જગ્યા મળતી નથી.હવે પછી આ પ્રકારના મને જવાબ ના આપતા.

તમામ ઝોનમાં પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા સર્વે કરો

દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં પાણીની લાઈન બદલવા અંગે વિભાગ તરફથી ખુબ વિલંબ કરવામા આવ્યો હતો.કમિશનરે તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરતા કહ્યુ,તમારા ઝોનમાં કયાં અને કેટલી પાણી અને ડ્રેનેજની લાઈન બદલવાની થાય છે તેનો સર્વે કરાવો.બજેટની જરુર હોય તો ફાઈલ મંજુરી માટે મુકો.પરંતુ ઝડપથી કામગીરી કરો.

આઠ દિવસ સુધી ફાઈલ ખાતામા ફેરવ્યા ના કરો, લોકોના કામ કરો

મ્યુનિસિપલ કમિશનર સી.સી.આર.એસ. પ્રણાલીથી ઓનલાઈન નાગરિકો તરફથી પાણી અને ગટરની કરવામા આવતી ફરિયાદોના સંદર્ભમાં આકરા શબ્દોમા અધિકારીઓને તાકીદ કરી હતી કે, મારામા આવતી નથી ને તમારામા આવે છે એવા કારણ આગળ ધરી આઠ દિવસ સુધી ફાઈલ ખાતામા ફેરવ્યા ના કરો.લોકોના કામ કરો અને તેમને પડતી હાલાકી દુર કરો.